15 December, 2023 10:41 AM IST | Ahmedabad | Shailesh Nayak
આમ આદમી પાર્ટીના વિધાનસભ્ય ચૈતર વસાવા.
અમદાવાદ : ગુજરાતમાં આમ આદમી પાર્ટી (એએપી-આપ)ને બે દિવસમાં ઉપરાઉપરી બે ઝટકા લાગ્યા છે. બુધવારે વિસાવદરના વિધાનસભ્ય ભૂપત ભાયાણીએ પક્ષ સાથે છેડો ફાડ્યો હતો અને ગઈ કાલે બીજા વિધાનસભ્ય ચૈતર વસાવાએ પોલીસમાં સરેન્ડર કર્યું છે. ૧ મહિનો ૯ દિવસ બાદ ડેડિયાપાડાના મતવિસ્તારના આમ આદમી પાર્ટીના વિધાનસભ્ય ચૈતર વસાવા ડેડિયાપાડા પોલીસ-સ્ટેશનમાં હાજર થયા હતા અને પોલીસે તેમની ધરપકડ કરી હતી.
વન કર્મચારીઓને ઘરે બોલાવીને તેમને મારવા, ફાયરિંગ કરીને ગેરકાયદે મંડળી રચીને ગુનો કરવા બદલ ડેડિયાપાડા પોલીસ-સ્ટેશનમાં ચૈતર વસાવા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદ નોંધાયા બાદ ચૈતર વસાવા છેલ્લા એક મહિના કરતાં વધુ સમયથી ભૂગર્ભમાં હતા. ગઈ કાલે તેઓ સામે ચાલીને પોલીસ-સ્ટેશનમાં હાજર થયા હતા. તેઓ પોલીસમાં સરેન્ડર કરવા ગયા ત્યારે મોટી સંખ્યામાં તેમના સમર્થકો ઊમટી આવ્યા હતા.