રાજકોટ: બે ધોરણ ભણેલા ઇમરાને 14 બૅન્કને મૂર્ખ બનાવી

10 April, 2019 07:40 AM IST  |  | રશ્મિન શાહ

રાજકોટ: બે ધોરણ ભણેલા ઇમરાને 14 બૅન્કને મૂર્ખ બનાવી

બ્લૂ ટી-શર્ટમાં ઇમરાન હનીફ

ગઈ કાલે રાજકોટમાંથી સાઇબર ક્રાઇમ પોલીસે હરિયાણાના ઇમરાન હનીફ અને તેના સાથી અઝહરુદ્દીન ઇલ્યાસની એક ATM સેન્ટરની બહારથી શંકાસ્પદ હિલચાલ સાથે અરેસ્ટ કરી, પણ બન્ને પાસેથી કુલ ૧૦૭ ATM કાર્ડ મળતાં પોલીસ હેબતાઈ ગઈ. વધારે પૂછપરછ કરતાં ખબર પડી કે જે બે શખ્સ અત્યારે તેમના કબજામાં છે તેમનાથી માત્ર રાજકોટ કે ગુજરાત નહીં પણ આઠ સ્ટેટની પોલીસ પણ ત્રાસી ગઈ છે.

માત્ર બે ધોરણ ભણેલો ત્રેવીસ વર્ષનો ઇમરાન હનીફ સાઇબર ક્રાઇમમાં માસ્ટર છે. તેણે એવી કાર્યપદ્ધતિ ડેવલપ કરી છે કે જેમાં ATMમાંથી પૈસા વિડ્રૉ કર્યા પછી પણ એ પૈસા અકાઉન્ટમાંથી બાદ થઈ જાય, પણ સ્ટેટમેન્ટમાં ક્યાંય દેખાય નહીં અને બૅન્કે નાછૂટકે એ પેમેન્ટ રીફન્ડ કરવું પડે. રાજકોટના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે કહ્યું હતું, ‘બન્ને સાથે ઓછામાં ઓછા દોઢસો લોકો જોડાયેલા છે. હવે એ લોકોની વિગત લઈને અન્ય સ્ટેટની પોલીસને ઇન્ફૉર્મ કરી બધા સાથીઓની અરેસ્ટ કરીશું.’

ઇમરાન છેલ્લા આઠ મહિનામાં ૨૬ વખત રાજકોટ આવ્યો છે અને દરેક વખતે તેણે બૅન્કને મૂર્ખ બનાવીને પૈસા કઢાવ્યા છે તો ઇમરાને મુંબઈમાંથી દોઢસોથી વધારે આ પ્રકારના ક્રાઇમ કર્યા છે. ઇમરાને પોતે કબૂલ્યું છે કે તેણે ૧૪ બૅન્કની સાથે છેતરપિંડી કરી છે, આ છેતરપિંડીનો આંકડો અંદાજે દોઢેક કરોડનો છે.

આ પણ વાંચો : વડોદરા : Tech Expoમાં વિદ્યાર્થીઓએ રજૂ કર્યા સોલારથી ચાલતાં વાહનો

ઇમરાન અને તેના સાથીઓ કઈ કાર્યપદ્ધતિ પર કામ કરતા એ મીડિયા જાહેર ન કરે એ માટે પત્રકારોને વિનંતી કરવામાં આવી હતી. એ જે રીત છે એ હકીકતમાં બૅન્કના સૉફ્ટવેરની મિસ્ટેક છે એટલે અત્યારે પણ એ રીત વાપરે તો એનાથી બૅન્ક સાથે છેતરપિંડી થઈ શકે છે.

rajkot gujarat