આજે વિધાનસભાનું એક-દિવસીય સત્રઃ વિપક્ષ હોબાળો મચાવશે

10 January, 2020 09:46 AM IST  |  Gandhinagar

આજે વિધાનસભાનું એક-દિવસીય સત્રઃ વિપક્ષ હોબાળો મચાવશે

ગુજરાત વિધાનસભા

આજે એટલે 10 જાન્યુઆરીએ ગુજરાત વિધાનસભામાં એક દિવસીય સત્ર મળવાનું છે જેમાં બીજેપી સરકાર કેન્દ્ર સરકારે પારિત કરેલા સીએએના કાયદાને સમર્થન આપતો પ્રસ્તાવ લાવશે. બીજી તરફ કૉન્ગ્રેસ ગુજરાતમાં બાળકોના મોત અને એબીવીપી-એનએસયુઆઇના ઘર્ષણ મુદ્દે આક્રમક વલણ અપનાવી સરકારને સાણસામાં લેશે, જેથી વિધાનસભાનું એક દિવસીય સત્ર તોફાની બને એવી પ્રબળ શક્યતા છે.

ગુજરાતમાં બાળકોના મોત મુદ્દે હવે રાજકારણ ગરમાયું છે. એક દિવસીય વિધાનસભાના સત્રને લઈ રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. વિપક્ષ હવે ગુજરાત સરકારને આડે હાથે લઈ રહ્યો છે ત્યારે ગુજરાત વિધાનસભામાં એક દિવસીય સત્રમાં બાળકોનાં મોતનો મુદ્દો ઉઠાવી કૉન્ગ્રેસ હવે સરકારને ઘેરવા તૈયારીઓ કરી કરી છે.

વિધાનસભા સત્ર અંતર્ગત કામકાજ સલાહકાર સમિતિની એક બેઠક મળી હતી, બેઠકમાં વિપક્ષ દ્વારા પ્રજાના વિવિધ પ્રશ્નો પર વધુ ચર્ચા કરવા માટે અધ્યક્ષ સમક્ષ વિધાનસભાનું સત્ર લંબાવવાની વાત કરવામાં આવી હતી. જોકે શાસક પક્ષે દર વખતની જેમ આ વખતે પણ વિપક્ષની માગનો અસ્વીકાર કર્યો હતો. ત્યારે કૉન્ગ્રેસના નેતાએ કહ્યું કે જો સરકાર સત્રના દિવસોમાં વધારો કરે તો પ્રજાહિતના પ્રશ્નોની ચર્ચા કરી શકાય. તેમ જ વિપક્ષે ગૃહમાં નવજાત શિશુના મોત મુદ્દે પણ ચર્ચાની માગ કરી હતી, પરંતુ શાસક પક્ષે આ માગને પણ ફગાવી દીધી છે.

vidhan bhavan gujarat gandhinagar