અલ્પેશ ઠાકોર છોડી શકે છે હાથનો સાથ, ભાજપ મોભાનું પદ આપશે તેવી ચર્ચા

07 March, 2019 12:37 PM IST  |  ગાંધીનગર | દીર્ઘ મીડિયા ન્યૂઝ એજન્સી

અલ્પેશ ઠાકોર છોડી શકે છે હાથનો સાથ, ભાજપ મોભાનું પદ આપશે તેવી ચર્ચા

અલ્પેશ છોડશે હાથનો સાથ?

લોકસભા ચૂંટણી પહેલા પક્ષ પલટાની મોસમ ચાલી રહી છે. જેમાં ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોરનું પણ નામ જોડાઈ શકે છે. કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક નજીકમાં છે ત્યારે જ અલ્પેશ કોંગ્રેસને ઝટકો આપી સકે તેવી ચર્ચાઓ ચાલી રહી છે.

અલ્પેશ તેની સાથે તેના અન્ય ત્રણ સાથીઓને પણ ભાજપમાં લઈ જશે તેવી સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે. ચર્ચાઓ એવી પણ છે કે અલ્પેશને ભાજપમાં જોડાવાના ઈનામ તરીકે સંસદીય સચિવનું પદ મળી શકે છે. લોકસભા ચૂંટણી નજીક છે ત્યારે અલ્પેશનું ત્રણ ધારાસભ્ય સાથે ભાજપમાં જોડાવું કોંગ્રેસ માટે મુસીબત બની શકે છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ભાજપે અલ્પેશનો સામેથી સંપર્ક નથી કર્યો. પરંતુ જો અલ્પેશ ભાજપમાં જોડાવા ઈચ્છે તો પક્ષ તેને આવકારવા અને મોભાનું પદ આપવા માટે તૈયાર છે. અહેવાલો પ્રમાણે અણીના સમયે અલ્પેશ ભાજપમાં જોડાઈ શકે છે.

અલ્પેશ આપશે કોંગ્રેસને ઝટકો?

લાંબા સમયથી અલ્પેશ ઠાકોર કોંગ્રેસની નારાજ હોવાના અહેવાલો છે. અલ્પેશ ઠાકોર અનેક વાર સ્પ્ષ્ટ કરી ચુક્યા છે કે તે ભાજપમાં નહીં જોડાય. કોંગ્રેસે અલ્પેશને બિહારના સહપ્રભારીનું પદ પણ આપ્યું છે. ટુંકમાં, કોંગ્રેસ અલ્પેશને ખુશ રાખવાના તમામ પ્રયાસો કરી ચુકી છે.

આ પણ વાંચોઃ સમાજના લોકોએ જ કર્યો અલ્પેશ ઠાકોરનો વિરોધ, પાલનપુર ચિંતન શિબિરમાં હોબાળો

શું છે હાલના સમીકરણો?
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને 77 જ્યારે ભાજપને 99 બેઠકો મળી હતી. કોંગ્રેસના દિગ્ગજ કોળી નેતા કુંવરજીભાઈ ભાજપમાં જોડાયા અને પેટાચૂંટણી જીત્યા. જેથી ભાજપને 100 બેઠકો મળી ગઈ. કોંગ્રેસને વધુ બે ઝટકા ત્યારે લાગ્યા જ્યારે ઊંઝાના ધારાસભ્ય ભાજપમાં જોડાયા અને તાલાળાના ધારાસભ્યને તેમના પદ પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા. આવી સ્થિતિમાં જો અલ્પેશ અન્ય ત્રણ ધારાસભ્યોને લઈને ભાજપમાં જોડાય તો કોંગ્રેસનું વિધાનસભામાં સંખ્યાબળ 70 આસપાસ જ રહી જાય.

Alpesh Thakor Gujarat BJP Gujarat Congress rahul gandhi