બેઠક બોલે છેઃ જાણો સાબરકાંઠા લોકસભા બેઠકને

10 April, 2019 05:01 PM IST  |  સાબરકાંઠા | ફાલ્ગુની લાખાણી

બેઠક બોલે છેઃ જાણો સાબરકાંઠા લોકસભા બેઠકને

જાણો સાબરકાંઠા બેઠકને

રાજ્યનો ઉત્તર પૂર્વીય જિલ્લો એટલે સાબરકાંઠા. જેની સરહદ રાજસ્થાન રાજ્યને અડે છે. બ્રિટિશ કાળમાં સાબરકાંઠા નામની રાજનૈતિક એજન્સી હતી, જેની નીચે 46 રાજ્યો એવા આવતા હતા જેમને ન્યાયનો કોઈ જ અધિકાર પ્રાપ્ત નહોતો. ભારતના સ્વતંત્ર થયા બાદ સાબરકાંઠા જિલ્લો બન્યો. જેનું મુખ્ય કેન્દ્ર હિંમતનગર છે. અહીં જ ઈડરિયો ગઢ આવેલો છે. સાથે જ પોળો ફોરેસ્ટ પણ આવેલું છે જે પ્રવાસીઓ માટે માનીતું ડેસ્ટિનેશન છે.

સાબરકાંઠાનું પ્રખ્યાત પોળો ફોરેસ્ટ

સાબરકાંઠામાં 8 લાખ 33 હજાર 521 પુરૂષ મતદાતા છે. જ્યારે 7 લાખ 82 હજાર 318 મહિલા મતદાતા છે.

કઈ-કઈ વિધાનસભા બેઠકનો સમાવેશ
સાબરકાંઠા લોકસભા બેઠકમાં આવતી વિધાનસભા બેઠક અને તેમાં વિજેતા ઉમેદવારો નીચે પ્રમાણે છે.

વિધાનસભા બેઠક વિજેતા ઉમેદવાર પક્ષ
હિંમતનગર રાજુભાઈ ચાવડા ભાજપ
ઈડર હિતુ કનોડિયા ભાજપ
ખેડબ્રહ્મા અશ્વિન કોટવાલ કોંગ્રેસ
ભિલોડા ડૉ. અનિલ જોશિયારા કોંગ્રેસ
મોડાસા રાજેન્દ્રસિંહ ઠાકોર કોંગ્રેસ
બાયડ ધવલસિંહ ઝાલા કોંગ્રેસ
પ્રાંતિજ ગજેંદ્રસિંહ પરમાર ભાજપ


લોકસભા ચૂંટણીના પરિણામો
સાબરકાંઠા લોકસભા બેઠકના છેલ્લી ત્રણ લોકસભા ચૂંટણીના પરિણામો જોઈએ તો..

2014માં ભાજપના દિપસિંહ રાઠોડે કોંગ્રેસના દિગ્ગજ નેતા શંકરસિંહ વાઘેલાને 84 હજાર 455 મતોથી હરાવ્યા હતા.

2009માં ભાજપના મહેન્દ્રસિંહ ચૌહાણે કોંગ્રેસના સાંસદ રહી ચુકેલા મધુસુદન મિસ્ત્રીને હરાવ્યા હતા. મધુસુદન મિસ્ત્રીએ માત્ર 17 હજાર મતોથી બેઠક ગુમાવી હતી.

2004માં આ બેઠક કોંગ્રેસના મધુસુદન મિસ્ત્રીના ફાળે ગઈ હતી. જેઓ 2001ની પેટાચૂંટણીમાં જીતીને સાંસદ બન્યા હતા. મધુસુદન મિસ્ત્રીએ ભાજપના રમિલાબેન બારાને હરાવ્યા હતા.

જાણો સાબરકાંઠાના સાંસદને
દિપસિંહ રાઠોડ સાબરકાંઠાના વર્તમાન સાંસદ છે. જેઓ આઠમું ધોરણ પાસ છે. જેમની સંપતિ 2 કરોડ 7 લાખ છે. તેઓ વ્યવસાયે ખેડૂત છે.


દિપસિંહ રાઠોડ પાસે રાજનીતિનો બહોળો અનુભવ છે. 1998માં તેઓ પહેલી વાર વિધાનસભાની ચૂંટણી જીત્યા હતા. જે બાદ તેઓ બીજી વાર પણ ચૂંટાયા અને 2007 સુધી ધારાસભ્ય રહ્યા. તેઓ ગુજરાત વિધાસભામાં ઓબીસી સમિતિના ચેરમેન પણ રહી ચુક્યા છે.

આ પણ વાંચોઃ બેઠક બોલે છે: જાણો મહેસાણા લોકસભા બેઠકને

2019ની રેસમાં કોણ?

સાબરકાંઠાથી ભાજપે વર્તમાન સાંસદ દિપસિંહ રાઠોડને ફરી તક આપી છે. જ્યારે કોંગ્રેસે રાજેન્દ્ર ઠાકોરને મેદાનમાં ઉતાર્યા છે.

Loksabha 2019 Gujarat BJP Gujarat Congress