બેઠક બોલે છે: જાણો મહેસાણા લોકસભા બેઠકને

10 April, 2019 05:00 PM IST  |  મહેસાણા | ફાલ્ગુની લાખાણી

બેઠક બોલે છે: જાણો મહેસાણા લોકસભા બેઠકને

જાણો મહેસાણા લોકસભા બેઠકને

પાટીદારોનો ગઢ એટલે મહેસાણા. 1952થી અત્યાર સુધી થયેલી ચૂંટણીઓમાં સાત વાર કોંગ્રેસનો વિજય થયો છે. તો 7 વાર ભાજપના ઉમેદવારો જીત્યા છે. વર્તમાન રાજકીય સ્થિતિ જોઈએ  તો 2009થી સતત અહીં ભાજપનો દબદબો છે. 1984 થી 1996 સુધી ભાજપે સતત જીત મેળવી હતી. જો કે 1999 અને 2004ની ચૂંટણીમાં કોંગ્રેસને મહેસાણાએ તક આપી હતી. મહેસાણાના ઈતિહાસની વાત કરીએ તો 900 વર્ષ જુનું સૂર્ય મંદિર આવેલું છે.  સાથે અહીં અનેક જ દર્શનીય સ્થળો પણ આવેલા છે.

મહેસાણામાં 7 લાખ 77 હજાર 821 પુરુષ મતદાતા છે. જ્યારે 7 લાખ 20 હજાર 375 મહિલા મતદાતા છે.

કઈ-કઈ વિધાનસભા બેઠકનો સમાવેશ
મહેસાણા લોકસભા બેઠકમાં આવતી વિધાનસભા બેઠક અને તેમાં વિજેતા ઉમેદવારો નીચે પ્રમાણે છે.

ઊંઝાથી ડૉ. આશા પટેલ કોંગ્રેસના ધારાસભ્ય હતા. જેમણે હાલ રાજીનામું આપી દીધું છે. જેથી અહીં પેટાચૂંટણી થશે.

વિધાનસભા મતવિસ્તાર વિજેતા ઉમેદવાર પક્ષ
વિસનગર ઋષિકેશ પટેલ ભાજપ
બેચરાજી ભરતજી ઠાકોર કોંગ્રેસ
કડી પુંજાભાઈ સોલંકી ભાજપ
મહેસાણા નીતિન પટેલ ભાજપ
વિજાપુર રમણભાઈ પટેલ ભાજપ
માણસા સુરેશ પટેલ કોંગ્રેસ


લોકસભા ચૂંટણીના પરિણામો

મહેસાણા લોકસભા બેઠકના છેલ્લી ત્રણ લોકસભા ચૂંટણીના પરિણામો જોઈએ તો..

2014માં ભાજપે જયશ્રીબેન પટેલને સતત બીજી વાર ટિકિટ આપી હતી. જેમણે કોંગ્રેસના જીવાભાઈ પટેલને 2 લાખ 8 હજાર 891 મતથી હરાવ્યા હતા.

2009માં પણ કોંગ્રેસના જીવાભાઈ પટેલ અને જયશ્રીબેન પટેલ વચ્ચે જંગ થયો હતો જેમાં જયશ્રીબેન પટેલની 21 હજાર 865 મતોથી જીત થઈ હતી.

2004માં વર્તમાન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મહેસાણા લોકસભા બેઠક પરથી ઝંપલાવ્યું હતું. જો કે તેમનો જીવાભાઈ પટેલ સામે પરાજય થયો હતો.

જાણો મહેસાણાના સાંસદને..

મહેસાણાના વર્તમાન સાંસદ જયશ્રીબેન પટેલ છે. જેઓ 2006 થી 2008 અને 2010 થી 2013 સુધી ભાજપના મહિલા મોરચાના પ્રમુખ રહી ચુક્યા છે. 2008માં જયશ્રીબેન મહિલા આયોગના અધ્યક્ષ હતા. તેઓ દસમાં ધોરણ સુધી ભણેલા છે. તેમની સંપત્તિ 1 કરોડ 32 લાખ છે.

જયશ્રીબેન મૂળ કડવા પાટીદાર છે. તેઓ કડવા પાટીદાર શ્રી ઉમિયા માતાજી સંસ્થાના સભ્ય છે. ચોરાસી કડવા પાટીદાર મહિલા સમાજના પૂર્વ પ્રમુખ પણ રહી ચુક્યા છે.

આ પણ વાંચોઃ બેઠક બોલે છેઃ જાણો પાટણ લોકસભા બેઠકને

ગુજરાતની રાજનીતિ માટે ટેસ્ટ લેબ કહેવાતી આ બેઠક પર વર્ષોથી પાટીદાર સાંસદ જ રહ્યા છે. જેથી આ બેઠક માટે પાટીદાર મતો નિર્ણાયક છે.

2019ની રેસમાં કોણ?

મહેસાણાથી ભાજપે શારદાબેન પટેલને મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે કોંગ્રેસે એ. જે. પટેલને ટિકિટ આપી છે.

Loksabha 2019 Gujarat BJP Gujarat Congress