બેઠક બોલે છે: જાણો જૂનાગઢ લોકસભા બેઠકને

10 April, 2019 05:07 PM IST  |  જૂનાગઢ | ફાલ્ગુની લાખાણી

બેઠક બોલે છે: જાણો જૂનાગઢ લોકસભા બેઠકને

જાણો જૂનાગઢ લોકસભા બેઠકને

રાજ્યની ઐતિહાસિક નગરી એટલે જૂનાગઢ. આ ભારતનું એ રજવાડું હતું જેના શાસકનો ઝુકાવ પાકિસ્તાન તરફ હતો અને તે પાકિસ્તાન પણ ચાલ્યા ગયા. જે બાદ સરદારના પ્રયાસથી જૂનાગઢ ભારતમાં ભળી ગયું.જૂનાગઢ ગરવા ગીરનાર, મિનિ કુંભ સમાન ભવનાથના મેળા અને અશોકના શિલાલેખ માટે જાણીતું છે.

જૂનાગઢ પર સમય સમય પર હિંદૂ, બૌદ્ધ, જૈન અને મુસ્લિમ ધર્મોનો મુખ્ય પ્રભાવ રહ્યો છે. જૂનાગઢ બે ભાગોમાં વહેંચાયેલું છે. એક મુખ્ય શહેર છે જેની ચારે તરફ દીવાલોથી કિલ્લેબંધી કરવામાં આવી છે. બીજો પશ્ચિમમાં છે જેને ઉપરકોટ કહેવામાં આવે છે.

જૂનાગઢમાં 7 લાખ 13 હજાર 524 મહિલાઓ અને 7 લાખ 72 હજાર 17 પુરૂષ મતદાતાઓ છે.

કઈ-કઈ વિધાનસભા બેઠકનો સમાવેશ

જૂનાગઢ લોકસભા બેઠકમાં આવતી વિધાનસભા બેઠક અને તેમાં વિજેતા ઉમેદવારો નીચે પ્રમાણે છે.

વિધાનસભા બેઠક વિજેતા ઉમેદવાર પક્ષ
જૂનાગઢ ભીખાભાઈ જોશી કોંગ્રેસ
વિસાવદર હર્ષદ રીબડિયા કોંગ્રેસ
માંગરોળ બાબુભાઈ વાજા કોંગ્રેસ
સોમનાથ વિમલભાઈ ચુડાસમા કોંગ્રેસ
કોડીનાર મોહનભાઈ વાળા કોંગ્રેસ
ઉના પૂંજાભાઈ વંશ કોંગ્રેસ

તાલાળાથી કોંગ્રેસના ભગાભાઈ આહિર ધારાસભ્ય હતા. જેમને જેલની સજા થતા તેમને ધારાસભ્ય પદ પરથી દૂર કરવામાં આવ્યા છે.

લોકસભા ચૂંટણીના પરિણામો

 જૂનાગઢ લોકસભા બેઠકના છેલ્લી ત્રણ લોકસભા ચૂંટણીના પરિણામો જોઈએ તો..

2014માં ભાજપના રાજેશભાઈ ચુડાસમા કોંગ્રેસના પુંજાભાઈ વંશને 1 લાખ 35 હજાર 832 મતથી હરાવીને સાંસદ બન્યા હતા.

2009માં જૂનાગઢથી ભાજપના દિનુભાઈ સોલંકી સાંસદ હતા. જેમણે કોંગ્રેસના જશુભાઈ બારડને હરાવ્યા હતા.

2004માં જૂનાગઢથી કોંગ્રેસના જશુભાઈ બારડ જીત્યા હતા.

જાણો  જૂનાગઢના સાંસદને...
જૂનાગઢના વર્તમાન સાંસદ રાજેશ ચુડાસમા છે. જેઓ બારમું ધોરણ પાસ છે.

તસવીર સૌજન્યઃ રાજેશ ચુડાસમા ટ્વિટ્ટર

રાજેશ ચુડાસમા 2012માં પહેલી વાર વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા. જેના બે જ વર્ષ બાદ 2014માં લોકસભા ચૂંટણી લડ્યા અને વિજેતા બન્યા. રાજેશ ચુડાસમા કૃષિ મંત્રાલયની સલાહકાર સમિતિના અધ્યક્ષ પણ રહ્યા છે. તેમના કાકા 30 વર્ષ સુધી ચોરવાડ નગર નિગમના અધ્યક્ષ હતા.

આ પણ વાંચોઃ બેઠક બોલે છેઃ જાણો જામનગર લોકસભા બેઠકને

2019ની રેસમાં કોણ?

2019 લોકસભા ચૂંટણી માટે ભાજપે રાજેશ ચુડાસમાને ફરી એકવાર તક આપી છે જ્યારે કોંગ્રેસે ઉનાના ધારાસભ્ય પૂંજા વંશને ટિકિટ આપી છે.

Loksabha 2019 Gujarat BJP Gujarat Congress