ખેડાનું મહુધા પાણી-પાણી

10 August, 2019 07:25 AM IST  |  ખેડા

ખેડાનું મહુધા પાણી-પાણી

હવામાન વિભાગ દ્વારા પાંચ દિવસની વરસાદની આગાહી પ્રમાણે રાજ્યના તમામ જિલ્લા સહિત દેશનાં મોટા ભાગનાં રાજ્યોમાં મેઘરાજા જબરદસ્ત બૅટિંગ કરી રહ્યા છે. ઠેર ઠેર નદીઓ છલકાઈ છે, પૂરના પાણીથી અનેક ગામ સંપર્કવિહોણાં બન્યાં છે તો રોડ-રસ્તા પાણી-પાણી થઈ જતાં જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. ખેડા જિલ્લાના મહુધામાં ૧૦ ઇંચથી વધુ વરસાદ ખાબકતાં મહુધા શહેર પાણી-પાણી થઈ ગયું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ખેડા જિલ્લાના મહુધામાં ૧૦ ઇંચથી વધુ વરસાદ ખાબકતાં શહેરમાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. શહેરના મોટા ભાગના વિસ્તારોના રોડ પાણીમાં ગરકાવ થઈ ગયા છે, જેને પગલે વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે.

આ પણ વાંચોઃ વિશ્વામિત્રીની સપાટીમાં વધારો થતાં વધુ એક વાર તોળાતું પૂરનું સંકટ

૧૦ ઇંચથી વધુ વરસાદ પડતાં વરસાદના પાણીથી ખેતરો છલકાઈ ગયાં છે. ખેતરોમાં પાણી ફરી વળતાં મોટા પાયે પાકને નુકસાન પહોંચ્યાની ભીતિ સેવાઈ રહી છે. ખેડૂતો ચિંતાતુર બની ગયા છે. અહીં મોટા પાયે ડાંગરના પાકને નુકસાન પહોંચ્યું હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. ભારે વરસાદને પગલે મહુધા-ડાકોર રોડ પણ પ્રભાવિત થયો છે. વાહનચાલકોએ ક્યાં થઈને અવરજવર કરવી એ ખબર નથી પડી રહી, જ્યાં જુઓ ત્યાં પાણી-પાણી જ દેખાય છે. આ બાજુ ડાકોરમાં પણ ભારે વરસાદને લઈ મંદિર રોડ પર પાણી ભરાઈ ગયાં છે.

Gujarat Rains gujarat