ગુજરાતના ચોકીદારનો દીકરો જ નકલખોર?

29 March, 2019 08:21 AM IST  |  અમદાવાદ | રશ્મિન શાહ

ગુજરાતના ચોકીદારનો દીકરો જ નકલખોર?

જિતુ વાઘાણી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા ‘મૈં ભી ચોકીદાર’ સ્લોગનને દેશ આખો ફૉલો કરવા માંડ્યો છે અને ગર્વભેર પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં નામની આગળ ચોકીદાર શબ્દ ઉમેરતો થયો છે ત્યારે પોતાને સોશ્યલ મીડિયા પર ચોકીદાર દર્શાવી રહેલા ગુજરાત BJPના પ્રેસિડન્ટ જિતુ વાઘાણીનો દીકરો મીત વાઘાણી જ ગઈ કાલે પોતાની બૅચલર ઇન કમ્પ્યુટર ઍપ્લિકેશન (BCA)ની એક્ઝામમાં ચોરી કરતાં પકડાયો હતો, પણ પછી તેને બચાવવા માટે BJPના કાર્યકરો અને નેતાઓ દોડ્યા અને લાગતાવળગતા સૌકોઈને ચૂપ રહેવાનું ફરમાન કરી દીધું હોય એવો ઘાટ સર્જાઈ ગયો હતો.

મીત BCAના સેકન્ડ સેમેસ્ટરમાં છે. સેકન્ડ સેમેસ્ટરની ફાઇનલ એક્ઝામ સમયે તેની પાસે ૨૭ કાપલીઓ મળી હતી. એક્ઝામ ભાવનગરની એમ. જે. કૉમર્સ કૉલેજમાં લેવાતી હતી. કૉલેજના પ્રિન્સિપાલ પ્રોફેસર વાટલિયાએ ચેકિંગ શરૂ કર્યું એ સમયે મીત પાસે રહેલી કાપલીઓ વાટલિયાના હાથમાં આવી અને તેમણે મીત વાઘાણી પર કૉપીનો કેસ દાખલ કર્યો. જોકે કૉપીકેસના કાગળો યુનિવર્સિટી સુધી પહોંચે અને એની ઑફિશ્યલ એન્ટ્રી થાય એ પહેલાં જ BJPના કાર્યકરો કામે લાગી ગયા હતા અને તેમણે બધું ભીનું સંકેલવાની કોશિશો શરૂ કરી દીધી હતી.

આ પણ વાંચો : ઈશાન મુંબઈમાંથી ટિકિટ તો ગુજરાતીને જ મળશે: પ્રકાશ મહેતા

‘મિડ-ડે’એ પ્રિન્સિપાલ વાટલિયાનો કૉન્ટૅક્ટ કરવાનો પ્રયાસ કર્યો, પણ તેમનો મોબાઇલ ચાર વાગ્યાથી સ્વિચ્ડ-ઑફ હતો, જ્યારે ભાવનગર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર મહિપાલસિંહ ચાવડા મોબાઇલ રિસીવ નહોતા કરતા. મીતના પપ્પા અને ગુજરાત BJPના પ્રેસિડન્ટ જિતુ વાઘાણીનો ફોન તેમના પર્સનલ અસિસ્ટન્ટ ધર્મેન્દ્ર રિસીવ કરતા રહ્યા અને એક જ જવાબ આપતા રહ્યા કે સાહેબ મીટિંગમાં વ્યસ્ત છે. જિતુ વાઘાણીને કરવામાં આવેલા ટેક્સ્ટ-મેસેજનો પણ તેમણે કોઈ જવાબ આપ્યો નહોતો.

Gujarat BJP Jitu Vaghani bharatiya janata party