અરવલ્લીમાં વરસાદની તોફાની બૅટિંગ, ત્રણ કલાકમાં પાંચ ઇંચ વરસાદ

01 September, 2019 09:03 AM IST  |  ગાંધીનગર

અરવલ્લીમાં વરસાદની તોફાની બૅટિંગ, ત્રણ કલાકમાં પાંચ ઇંચ વરસાદ

ભારે વરસાદ

હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીના પગલે મેઘરાજાએ ઉત્તર ગુજરાત અને ગાંધીનગરમાં ધબધબાટી બોલાવી છે. ગાંધીનગર જિલ્લામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે. મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. લાંબા સમય બાદ મેઘમહેરના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. વરસાદના પગલે અનેક રોડ પાણીથી ભરાઈ ગયાં છે. ત્યારે કેટલાક વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યાઓ પણ સામે આવી હતી.

બનાસકાંઠા જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. બનાસકાંઠાના ડીસા, પાલનપુરમાં ધોધમાર વરસાદ ચાલુ છે. પાલનપુરના અનેક વિસ્તારમાં વરસાદી પાણી ભરાયાં હોવાના અહેવાલ મળી રહ્યા છે. આ સિવાય બનાસકાંઠાના ગઠામણ, દિલ્હી ગેટ, ડેરી રોડ પર પાણી ભરાયાં છે.

અરવલ્લીના મોડાસાના દધાલિયા ગામે દોઢ કલાકમાં બે ઇંચ વરસાદ ખાબકતાં નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયાં હતાં જેને પગલે રાવળ ફળિયાનાં ૬ જેટલાં મકાનોમાં પાણી ઘૂસતાં રાવળ મણાભાઈ સોમાભાઈનું મકાન ધરાશાયી થયું હતું તેમજ પૂરની સ્થિતિને પગલે એક મહિલા પાણીના વહેણમાં તણાઈ હતી. મોતીપુર નજીક કોઝવે પર પાણી ફરી વળ્યાં છે. આ ઉપરાંત મોડાસા શહેરમાં પણ ભારે વરસાદ પડતાં લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ભારે વરસાદના કારણે ૧૫થી વધુ ગામમાં અવરજવર માટે રસ્તો બંધ થઈ ગયો છે. મોડાસાના ગ્રામ્ય વિસ્તારમાં ખાબકેલા વરસાદથી સંપર્કને અસર પહોંચી છે. ૧૫થી વધુ ગામોના લોકોને અવરજવર માટે રસ્તો બંધ થઈ જવાના કારણે મુશ્કેલી સર્જાઈ છે.

આ પણ વાંચો : નર્મદા ડૅમમાંથી પાણી છોડાતાં માછીમારોને 100 કરોડની આવક થઈ

ઉત્તર અરવલ્લીના ઉમેદપુર, જીવણપૂર, ફૂટા, સરડોઈ સહિતનાં ગામડાંઓમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. એક કલાકમાં દોઢ ઇંચથી વધુ વરસાદ ખાબકતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્ર પર સાઇક્લોનિક સરક્યુલેશન સક્રિય છે. હવામાન વિભાગે વરસાદી સિસ્ટમ સક્રિય થતાં સપ્ટેમ્બર મહિનામાં પણ વરસાદી માહોલ યથાવત્ રહેવાની આગાહી કરી છે. હવામાન વિભાગના મતે આગામી એક દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. હજી બે સપ્ટેમ્બર સુધી ગુજરાત-સૌરાષ્ટ્રના ભાગોમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. કેટલાક ભાગોમાં ભારે વરસાદ પણ પડી શકે છે.

Gujarat Rains gujarat gandhinagar