ભારતીય સંસ્કૃતિ દર્શનઃ નામ સાર્થક કરે છે કચ્છનું આ નાનકડું મ્યુઝિયમ

11 March, 2019 06:28 PM IST  |  | શિલ્પા ભાનુશાલી

ભારતીય સંસ્કૃતિ દર્શનઃ નામ સાર્થક કરે છે કચ્છનું આ નાનકડું મ્યુઝિયમ

ભારતીય સંસ્કૃતિ દર્શન મ્યુઝિયમ

કચ્છ ભૂજમાં આવેલું ભારતીય સંસ્કૃતિ દર્શન મ્યુઝિયમ માત્ર કચ્છ અને ગુજરાતના લોકોને જ નહીં પણ તેની સાથે જ ફોરેનર્સને પણ એટલું આકર્ષક લાગે છે. તેના આમ તો ઘણા બધાં કારણો છે પણ મુખ્ય કારણ જોઈએ તો એ છે અહીં આ નાનકડા મ્યુઝિયમમાં એકલું કચ્છ નહીં પણ જાણે આખા ભારતની સંસ્કૃતિની ઝાંખી થાય છે. એક તરફ તમે આખું કચ્છ ફરો અને બીજી બાજુ તમે આ મ્યુઝિયમ જુઓ તો અહીં તમને એક જ સ્થળે આખાય કચ્છના દર્શન થઈ જાય.

મ્યુઝિયમમાં શું જોવા મળશે?

અહીં રણથી લઈને રબારી હસ્ત કળા, આરી હસ્તકળા, એમ્બ્રોઈડરી, ફોસિલ્સ, માટીના વાસણો, મેટલના વાસણોથી લઈને કચ્છની દરેક વિશિષ્ટતા આ એક જ સ્થળે જોવા મળી જશે. તેની સાથે જ જો તમને પુસ્તકોમાં રસ પડતો હોય તો અહીં કચ્છ તેમજ કચ્છીઓનો પરિચય કરાવતું પુસ્તકાલય પણ છે. જો તમારે પીએચડી કરવા માટે કચ્છ વિશેના જૂના પુસ્તકોની જરૂર છે તો અન્ય ક્યાંય શોધખોળ કરવા જવાની જરૂર નથી એ પણ તમને અહીં જ મળી જશે.

રામસિંહજી રાઠોડની છે મહેનત

કચ્છની હરતી ફરતી યુનિવર્સિટી તરીકે જાણીતાં રામસિંહજી રાઠોડે પોતે સંગ્રહ કરેલ આ અમૂલ્ય વારસો એટલે ભારતીય સંસ્કૃતિ દર્શન. આ મ્યુઝિયમના નિર્માણ પાછળ માત્ર એક વ્યક્તિની મહેનત છે, રામસિંહજી રાઠોડ. રામસિંહજી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં કાર્યરત હતાં ત્યારે જ તેમણે એક સ્વપ્ન સેવ્યું હતું કે કચ્છની સમગ્ર સંસ્કૃતિની ઝાંખી એક જ સ્થળે થાય. આ સ્વપ્ન સાકાર થતું દેખાય છે ભારતીય સંસ્કૃતિ દર્શન મ્યુઝિયમમાં, અહીં ગાગરમાં સાગર સમાય તેવી અનુભૂતિ થાય છે.

1980માં સ્થપાયું છે મ્યુઝિયમ

આ મ્યુઝિયમની સ્થાપના 1980માં થઈ અને છેલ્લા કેટલાય વર્ષોથી અહીં આ મ્યુઝિયમમાં ક્યુરેટરની ફરજ બજાવતાં નીતાબહેન જોષી આ મ્યુઝિયમની તેમજ અહીં સંગ્રહાયેલ વસ્તુઓની કાળજી રાખે છે. આ મ્યુઝિયમને RR trustને નામે પણ લોકો ઓળખે છે. તેમજ ફોક આર્ટ મ્યુઝિયમ તરીકે પણ ઓળખાતાં આ મ્યુઝિયમે લોકો આવે છે.

આ પણ વાંચો : કચ્છ : દેશવિદેશમાં લોકપ્રિય છે ભરતગૂંથણ કલા, કેવી રીતે પામે છે આકાર

ઉલ્લેખનીય છે કે જેમ રામસિંહજીએ આ સંગ્રહાલય માટે સ્વપ્ન જોયું અને તેની માટે પોતાનાથી શક્ય તેટલી મહેનત અને પરિશ્રમ કર્યો તે જ વારસો તેમણે પોતાના પરિવારજનોને પણ આપ્યો છે અને તેમના વારસદારો મીનાક્ષીબેન તથા ભારતેન્દુ પરમારનો પણ આ મ્યુઝિયમમાં અમૂલ્ય ફાળો છે. "ભારત પર્ચ્છમ અચ્છો કચ્છ" આ સંબોધન શ્રી ઉમાશંકર જોષીએ કચ્છમાં આવેલ ભારતીય સંસ્કૃતિ દર્શન મ્યુઝિયમ માટે વાપર્યું હતું. એકવાર આવો અને નિહાળો અહીંના કણ કણમાં કચ્છ....

kutch bhuj