ફિન્ગરપ્રિન્ટ લૉક

20 December, 2021 04:59 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સામાન આખેઆખો ચોરાઈ જાય એને બદલે બૅગમાંથી કીમતી ચીજો ચોરી જવાના કિસ્સા વધવા લાગ્યા છે ત્યારે અંદરના સામાનને સિક્યૉર કરવા માટે ખાસ લૉક આવ્યું છે.

પ્રતીકાત્મક તસવીર

ટ્રાવેલ દરમ્યાન આજના સમયમાં સિક્યૉરિટીની ચિંતા ખૂબ મોટી હોય છે. સામાન આખેઆખો ચોરાઈ જાય એને બદલે બૅગમાંથી કીમતી ચીજો ચોરી જવાના કિસ્સા વધવા લાગ્યા છે ત્યારે અંદરના સામાનને સિક્યૉર કરવા માટે ખાસ લૉક આવ્યું છે. પહેલાંના સમયમાં બહારગામ જવાનું હોય ત્યારે ચાવીઓવાળાં ટચૂકડાં તાળાંનું ઝૂમખું લઈને ફરવાનું થતું. એ પછી જમાનો આવ્યો ડિજિટલ લૉકનો. પાસવર્ડ પ્રોટેક્ટેડ બૅગો આવતી થઈ. જોકે નાની-મોટી દરેક વસ્તુ કંઈ પાસવર્ડ પ્રોટેક્ટેડ લૉક સાથેની વસાવવી અને પછી એ દરેકના પાસવર્ડ યાદ રાખવા એ અઘરું છે. એવામાં ફિંગરપ્રિન્ટવાળા નવાં પૅડલૉક્સની હવે બોલબાલા વધી રહી છે. આ એક જ લૉક નાની-મોટી કોઈ પણ બૅગ પર વાપરી શકો છો. દેખાવમાં નૉર્મલ લૉક જેવું જ છે પણ આંગળીની છાપથી જ ઑપરેટ થતું હોવાથી બીજું કોઈ એને ખોલી નાખશે એની ચિંતા નથી રહેતી એટલું જ નહીં; એની ચાવી સાચવવાની, ખોવાઈ જાય તો નવી ચાવી બનાવવાની ઝંઝટ નથી રહેતી. બેન્જીલૉકનું લેટેસ્ટ ફિંગરપ્રિન્ટ લૉક વાપરવામાં સરળ પણ છે અને સેફ્ટી પણ આપે એવું છે. 
કેવી રીતે ઑપરેટ થાય? | લૉકની વચ્ચે આંગળી મૂકવાનું સ્કૅનર છે. એની પર એક-બે સેકન્ડ આંગળી દબાવી રાખો એટલે લાલ લાઇટ થાય અને લૉક થઈ જાય. લૉક ખોલતી વખતે ફરી એ જ આંગળી ત્યાં પ્લેસ કરવાથી બ્લુ લાઇટ થશે અને લૉક ખૂલી જશે. જો ફિંગરપ્રિન્ટ બરાબર નહીં હોય અથવા તો સ્ટોર કરેલી નહીં હોય તો લાઇટ રેડ જ રહેશે. 
બૅકમાં વન, ટૂ ઍન્ડ થ્રી એમ ત્રણ નંબર આપેલા છે. તમે બૅકઅપ પિન તરીકે એનો પાસવર્ડ પણ સેટ કરી શકો છો. જો તમે કોઈકને ટેમ્પરરી ધોરણે આ લૉક વાપરવા આપવા માગતા હો તો તેઓ આ પિનનો પાસવર્ડ વાપરી શકે છે. પાસવર્ડ અને ફિંગરપ્રિન્ટ બન્નેનું એકસાથે લૉક કરવાથી ડબલ સેફ્ટી થઈ જાય છે. 
એકસાથે પાંચ જણની ફિંગરપ્રિન્ટ તમે એ લૉકમાં સ્ટોર કરી શકો છો. લૉકની નીચે સામાન્ય રીતે ચાવી નાખવાનું કાણું હોય પણ અહીં લૉકને ચાર્જ કરવાનું યુએસબી પોર્ટ છે. 
સ્ટ્રૉન્ગ નથી | જેટલું એનું ફિંગરપ્રિન્ટ અને પિન કોડ લૉક સ્ટ્રૉન્ગ છે એટલું એનું બૉડી સ્ટ્રૉન્ગ નથી. જો તમે જોરથી બે-ચાર વાર હથોડી મારો તો એ તૂટી જઈ શકે છે.
બીજા ઑપ્શન્સ શું છે?  | માય પિન કંપનીનું લૉક ફિંગરપ્રિન્ટ ઉપરાંત બ્લુટૂથથી પણ ઑપરેટ થઈ શકે છે. ઍન્ડ્રૉઇડ ફોનમાં ઍપ દ્વારા આ લૉક ઑપરેટ થઈ શકે છે. 
પોથન્ડરનું લૉક ફિન્ગરપ્રિન્ટ, પિન અને બ્લુટૂથ એમ ત્રણેય દ્વારા ખૂલી શકે છે.

technology news