28 April, 2016 07:46 AM IST |
હેલ્થ-વેલ્થ - જિગીષા જૈન
કુદરત હંમેશા આપણું ધ્યાન રાખે છે. કુદરતની દરેક વસ્તુને ધ્યાનથી સમજીએ તો એનો આ ઉદ્દેશ્ય આપણને સ્પક્ટરૂપે દેખાય છે. ઉનાળો એટલે ગરમી, ગરમી એટલે અકળામણ. જોકે ઉનાળો એટલે ફક્ત ગરમી જ નહીં, ઉનાળો એટલે કેરી પણ થાય છે. ભાગ્યે જ સારી મળતી શાકભાજીઓની વચ્ચે ઉનાળામાં આપણા પોષણને સંપૂર્ણ બનાવવા માટે ગરમીને કારણે જ્યારે ભૂખ મરી જાય અને ખાવાની અનિચ્છા પ્રબળ બને ત્યારે આપણને જરૂરી ખોરાક તરફ વાળવા અને આપણી સ્વાદેãન્દ્રયને પરમ સંતોષ આપવા માટે જ કુદરતે આ મહાન ફળની રચના કરી હશે એમ કહીએ તો અતિશયોક્તિ નથી. કેમ કેરી શિયાળામાં નથી મળતી? કારણ કે શિયાળામાં આપણને પોષણ આપવા માટે અઢળક શાકભાજીઓ આવે છે, પરંતુ ઉનાળામાં એ મળતી નથી. ઘણા લોકો કેરીને એના મીઠા સ્વાદને લીધે, હાઈ ગ્લાયસેમિક ઇન્ડેક્સને કારણે અનહેલ્ધી ગણે છે; પણ એવું બિલકુલ નથી. કેરીને ખાવાની રીત અનહેલ્ધી હોઈ શકે છે, પરંતુ કેરી બિલકુલ અનહેલ્ધી નથી. કાચી હોય કે પાકી, કેરી એક હેલ્ધી ફળ છે અને રહેશે. આજે જાણીએ કેરી ક્યારે અને કેવી રીતે ખવાય અને સાથે-સાથે કેરીને ખાવાની કેટલીક નવી હેલ્ધી રીતો.
ક્યારે ખવાય?
કેરી ફળોનો રાજા છે. ઉનાળામાં ગુજરાતીઓના ઘરમાં દરરોજ જમવા સાથે ઘણી વાર તો સવાર-સાંજ બન્ને સમયે કેરી ખવાતી હોય છે, પરંતુ આજકાલ ડાયટ માટે જાગૃત અને વેઇટ ન વધારવા માગતા લોકો તથા ખાસ તો ડાયાબિટીઝના પેશન્ટ કેરી ખાવાનું અવૉઇડ કરે છે. આ વાતમાં કેટલું તથ્ય છે એ વિશે વાત કરતાં ક્રિટીકૅર હૉસ્પિટલ, જુહુનાં ડાયટિશ્યન યોગિતા ગોરડિયા કહે છે, ‘કેરીમાં શુગર હોય છે અને એ શરીરને નુકસાન પહોંચાડે છે એવી એક માન્યતા છે જે સાવ ખોટી તો નથી. એક સ્ટ્રૉબેરી કરતાં એક કેરીમાં ત્રણગણી વધારે શુગર રહેલી હોય છે અને કૅલરીની વાત કરીએ તો એક મીડિયમ કેરીમાં ૧૩૫ કૅલરી રહેલી હોય છે જે બીજા ફળો કરતાં ઘણી વધારે છે, પરંતુ મહત્વની વાત એ છે કે જો કૅલરી અને શુગરને ધ્યાનમાં રાખીને તમે એને ખાતા નથી તો એમાંથી મળતા અઢળક ન્યુટ્રિશનથી પણ વંચિત રહી જાઓ છો. જો એને સમજીને ખાવામાં આવે તો ડાયાબિટીઝના દરદી પણ એને ખાઈ શકે છે. હા, જો તમે ઇન્સ્યુલિનનાં ઇન્જેક્શન લેતા હો અથવા તમારી શુગર ૪૦૦ જેટલી વધુ હોય તો કેરી ખાતાં પહેલાં ડૉક્ટરની સલાહ જરૂરી છે.’
ધ્યાનમાં રાખો
કેરીને ક્યારેય જમવા સાથે ન ખાવી, કારણ કે જમવામાં તો તમે કૅલરી ખાઈ જ રહ્યા છો એટલે એની સાથે કેરીની કૅલરી જોડવી નહીં. કેરી ખાઓ ત્યારે ફક્ત કેરી જ ખાઓ. બીજું કઈ એની સાથે ખાવાની જરૂર જ નથી. એટલે એને સવારે ૧૧ વાગ્યે એટલે કે જમતા પહેલાંના બે કલાકે કે જમ્યા બાદ સાંજે પાંચેક વાગ્યે ખાઈ શકાય છે. રાત્રે બને ત્યાં સુધી કેરી ન ખાવી. ઘણા લોકો એવા હોય છે કે ખાવા બેસે તો ૩-૪ કેરી એકસાથે ખાઈ શકે છે. એવું ન કરવું. દરરોજ એક કેરી બસ છે.
અવનવી મૅન્ગો-રેસિપી
આમ તો કેરીને ખાવાની મજા આખું ફળ ખાવામાં જ છે, પરંતુ આખો ઉનાળો જ્યારે કેરીનો ભરપૂર આનંદ માણવો હોય ત્યારે એને જુદી-જુદી રીતે ખાવાની મજા પણ જરૂરી છે. ફીમ્સ ક્લિનિક, માટુંગા અને વિલે પાર્લેનાં હીલિંગ ડાયટ સ્પેશ્યલિસ્ટ ધ્વનિ શાહ પાસેથી જાણીએ કેટલીક નવી રેસિપી જેનાથી કેરીને વધુ હેલ્ધી અને ટેસ્ટી બનાવી શકાય.
મૅન્ગો-મિન્ટ સ્મૂધી
એક પાકી કેરીને છોલીને એના ટુકડા કરી એમાં ૫-૭ ફુદીનાનાં પાન, ૧ કપ દૂધ, અડધો કપ તાજું દહીં ઉમેરો. જો ઉમેરવી હોય તો એક ચમચી સાકર ઉમેરી શકાય, પણ ન ઉમેરો તો એ વધુ હેલ્ધી છે. આ બધી જ વસ્તુને બ્લેન્ડરમાં બ્લેન્ડ કરી દો. ગ્લાસમાં કાઢી સવર્ કરો.
લીંબુ અને કેરીનો સૉર્બે
સાંજે ઠંડું કઈ ખાવાની ઇચ્છા હોય તો મૅન્ગો આઇસક્રીમ ખાવા કરતાં આ સૉર્બે ચોક્કસ ખાઈ શકાય. પાંચ કપ પાકી કેરીના ટુકડાને મિક્સરમાં નાખી સ્મૂધ પ્યુરી બનાવો. એમાં અડધો કપ પાણી, એક ચમચી લીંબુની ખમણેલી છાલ, પા કપ લીંબુનો રસ અને જરૂરી લાગે તો ૧/૪ કપ સાકર નાખો. સાકર નહીં નાખો તો પણ ચાલશે. આ મિશ્રણને ગૅસ ઉપર થોડો સમય પકવો. પાકી જાય અને થોડું જાડું લાગે ત્યારે આ મિશ્રણને ગૅસ પરથી ઉતારી ફ્રિજમાં ઠંડું કરવા મૂકો. ખાસ કરીને એને આઇસ-ટ્રેમાં જમાવવું અને જ્યારે ખાવું હોય ત્યારે એને આઇસ-ટ્રેમાંથી કાઢી ફૂડ-પ્રોસેસરમાં ક્રશ કરીને ખાવું. આ સૉર્બે જો તમારા ઘરમાં આઇસક્રીમ-મેકર હોય તો એમાં પણ બનાવી શકાય.
મૅન્ગો પાર્ફે
મૅન્ગો શ્રીખંડ ખાવા કરતાં મૅન્ગો પાર્ફે એક હેલ્ધી રેસિપી છે. સામાન્ય દહીંને એક મસ્લિન ક્લૉથમાં બાંધીને ૨-૩ કલાક ટાંગી રાખો. બે કલાક પછી જે દહીં મળશે એ પાણી વગરનું અને એકદમ જાડું હશે. ચાર ચમચા કેરીનો પલ્પ જેમાં પાણી બિલકુલ ન હોવું જોઈએ, અડધો કપ બાંધેલું દહીં અને એક કપ શેકેલા અખરોટ લઈ લો. બે ચમચા પલ્પને ગ્લાસમાં નાખો. એના ઉપર પા કપ બાંધેલા દહીંનું લેયર બનાવો અને ઉપર અખરોટ છાંટો. એના ઉપર ફરીથી એ જ રીતે બે ચમચા કેરીનો પલ્પ નાખો, એની ઉપર દહીં સેટ કરો અને અખરોટ છાંટીને ખાઓ.
કેરી અને કાકડીનું ઠંડું સૂપ
આ નામ વાંચીને બધાને થશે કે અહીં કાચી કેરીની વાત છે, પણ ના, અહીં પાકી કેરીનું જ સૂપ બનાવવાનું છે જે ઠંડું જ પીવાનું છે. એક કેરી અને કાકડી લો. અડધી કેરી અને અડધી કાકડીના બારીક ટુકડા કરો અને બાકીની અડધી બચેલી કેરી અને કાકડીને થોડું પાણી નાખી સ્મૂધ પીસી નાખો. આ પીસેલા સૂપમાં બાકીના ઝીણા ટુકડા નાખો. એની અંદર એક ચમચી કાપેલા લાલ કાંદા, થોડો લીંબુનો રસ નાખી બે કપ ઠંડું પાણી રેડી દો. પીવું હોય ત્યારે ઉપર કોથમીર છાંટીને પીઓ.
હેલ્થ-ડિક્શનરી
અલગ-અલગ ઉંમરના બાળકને રોજ કેટલી કૅલરી જોઈએ?
એક તરફ બાળકોમાં મેદસ્વિતાનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું છે અને બીજી તરફ કેટલાંક બાળકો કુપોષણ અથવા તો અપૂરતા પોષણને કારણે માયકાંગલાં રહી જાય છે. બાળકનો સ્વસ્થ શારીરિક-માનસિક વિકાસ થાય એટલું પોષણ મળે એ માટે તેને રોજ કેટલી કૅલરીવાળું ભોજન આપવું જોઈએ? જરા જોઈએ. અમેરિકન ન્યુટ્રિશન અસોસિએશને તૈયાર કરેલી ગાઇડલાઇન જોઈએ.
એકથી ત્રણ વર્ષના બાળકને તેના વજન મુજબ ૪૫ કૅલરીનો ખોરાક પ્રતિ ૧ પાઉન્ડ આપવો જોઈએ. તેના વજન મુજબ લગભગ ૧૦૦૦થી ૧૪૦૦ કૅલરી થાય. દાખલા તરીકે જો બાળકનું વજન ૧૨ કિલો હોય તો ૨૬.૪ પાઉન્ડ વજન થાય. પાઉન્ડ ગુણ્યા ૪૫ કૅલરી કરતાં લગભગ ૧૧૮૮ કૅલરી બાળકને આપવી જોઈએ.
ચારથી છ વર્ષનાં પ્રી-સ્કૂલ બાળકોનો શારીરિક વિકાસ વધુ નથી હોતો. એટલે એ વખતે ૪૫૦ ગ્રામે ૪૧ કૅલરીની ગણતરી મુજબ આશરે ૧૬૦૦થી ૧૮૦૦ કૅલરી જોઈએ. ૭થી ૧૨ વર્ષનાં બાળકોમાં ૪૫૦ ગ્રામદીઠ ૩૨ કૅલરી જોઈએ. આ ઉંમરે બાળકોમાં સૌથી વધુ અનહેલ્ધી ખાવાની આદતો વિકસે છે એટલે કૅલરી-કન્ટ્રોલની સાથે-સાથે હેલ્ધી ફૂડ બાબતે તેમને સભાન કરવાં જરૂરી છે. ૧૩થી ૧૮ વર્ષના ટીનેજર્સમાં ૧૮૦૦થી ૨૦૦૦ કૅલરી જોઈએ.
લગભગ સાત વર્ષની વય પછી છોકરા-છોકરીઓની કૅલરીની જરૂરિયાતમાં બદલાવ થાય છે. ત્યાં સુધી બન્ને જાતિનાં બાળકોને લગભગ સરખું પોષણ જોઈએ. બાળકોમાં ઉપરોક્ત જે કૅલરી કહેવામાં આવી છે એ બાળક મધ્યમ પ્રકારની ફિઝિકલ ઍક્ટિવિટી ધરાવતું હોય તેના માટે છે. દિવસમાં ઓછામાં ઓછા બે કલાક બાળક ઊછળકૂદની રમત રમતું હોય અને બાકીના સમયમાં પણ સાવ કાઉચ પટેટો ન હોય એ જરૂરી છે.