23 June, 2016 06:27 AM IST |
હેલ્થ-વેલ્થ - પાર્ટ ૧ - જિગીષા જૈન
હાલમાં વર્લ્ડ કૉન્ટિનન્સ વીક ઊજવવામાં આવી રહ્યું છે. કૉન્ટિનન્સ એટલે કે નિયંત્રણ અને એનો વિરોધાભાસી શબ્દ છે ઇન્કૉન્ટિનન્સ એટલે કે નિયંત્રણ ગુમાવી દેવું. આપણા શરીરમાં દરેક વસ્તુના નિયંત્રણ માટે એક સિસ્ટમ બનાવવામાં આવી છે. ખાસ કરીને જ્યારે ઉત્સર્જન તંત્રની વાત આવે ત્યારે ખરેખર અચરજ થાય એવું સ્ટ્રૉન્ગ નિયંત્રણ શરીરમાં વિકસેલું રહે છે જે દરેક વ્યક્તિએ અનુભવેલું હોય છે. સામાન્ય વ્યક્તિને યુરિન પાસ કરવાની ઇચ્છા થાય કે પૉટી જવા માટે પ્રેશર બને એનો મતલબ એવો નથી કે તેને તાત્કાલિક જવું જ પડે. પાંચ-દસ મિનિટ કે ક્યારેક એનાથી પણ વધુ વાર આ બાબતે નિયંત્રણ રહી શકે છે. જ્યાં સુધી વ્યક્તિને ટૉઇલેટ મળી ન જાય ત્યાં સુધી ગમે તેવી ઇમર્જન્સીમાં પણ એ લીક થતું નથી. આવું નૉર્મલ અને હેલ્ધી લોકોમાં હોય છે, પરંતુ અમુક વ્યક્તિને આવું થતું નથી. ઘણી વ્યક્તિઓ પાંચ મિનિટ તો શું બે મિનિટ પણ યુરિન રોકી શકતી નથી. ઘણી વ્યક્તિઓને પૉટી જાણ બહાર પૅન્ટમાં જ થઈ જતી હોય છે, જેને ઇન્કૉન્ટિનન્સ કહે છે. આવી વ્યક્તિના શરીરમાં જે નિયંત્રણ માટેની સિસ્ટમ છે એ નબળી પડી ગઈ છે એટલે એવું થાય છે. યુરિન અને પૉટી બન્નેના અનિયંત્રણ પાછળ જુદાં-જુદાં કારણો અને ચિહ્નો જોવા મળે છે. આ વર્ષે ૨૦-૨૬ જૂન દરમ્યાન ઊજવવામાં આવી રહેલા વર્લ્ડ કૉન્ટિનન્સ વીકમાં ઇમ્પ્રૂવ યૉર બૉટમ લાઇન થીમ અંતર્ગત વ્યક્તિએ બ્લૅડર અને બૉવેલ એટલે કે મૂત્રાશય અને આંતરડાંને કઈ રીતે હેલ્ધી રાખવાં એ બાબતે જાગૃતિ ફેલાવવાનું કામ કરવામાં આવી રહ્યું છે. આજે આપણે જાણીએ પેશાબના નિયંત્રણના પ્રૉબ્લેમ વિશે અને આ પ્રૉબ્લેમથી બચવા મૂત્રાશયને હેલ્ધી કઈ રીતે રાખી શકાય.
અનિયંત્રણ
પેશાબના અનિયંત્રણની તકલીફ કોઈ પણ ઉંમરે કોઈ પણ વ્યક્તિમાં જોવા મળી શકે છે. બાળકોમાં આ પ્રૉબ્લેમ બેડવેટિંગનો હોય છે જેમાં તેઓ રાત્રે પથારી ભીની કરવાની આદત ધરાવે છે. બાકી પુરુષોમાં મોટા ભાગે મોટી ઉંમરે ૭૫-૮૦ વર્ષે વધુ જોવા મળે છે. પુરુષો કરતાં સ્ત્રીઓમાં આ પ્રૉબ્લેમ વધુ જોવા મળે છે. તકલીફની વાત એ છે કે પ્રૉબ્લેમ હોવા છતાં આ પ્રૉબ્લેમ માટે ડૉક્ટર પાસે જતા લોકો ઘણા ઓછા છે. આ તકલીફને ઓળખવી કેમ એ સમજાવતાં શિવાજીનગરમાં પોતાનું ક્લિનિક ધરાવતાં અને ગ્લોબલ હૉસ્પિટલ, પરેલનાં યુરોલૉજિસ્ટ ડૉ. અનીતા પટેલ કહે છે, ‘જો કોઈ વ્યક્તિ દિવસમાં ૬-૮ વાર પેશાબ જતી હોય અને રાત્રે ૧-૨ વખત પેશાબ માટે ઊઠતી હોય તો એ નૉર્મલ ગણી શકાય, પરંતુ દિવસમાં ૧૦-૧૨ વખત કે રાત્રે ૩-૪ વખત પેશાબ માટે ઊઠવું પડે તો એ એક પ્રૉબ્લેમ છે જેનો ઇલાજ કરવો ખૂબ જરૂરી છે. વળી ઘણા લોકો ૬-૮ વાર જ જાય, પરંતુ તેમનાથી બે મિનિટ પણ રોકી ન શકાય તો પણ એને તકલીફ જ ગણાશે. આ તકલીફ મોટી ઉંમરે જ વધુ હેરાન કરે છે. ખાસ કરીને ૭૦ વર્ષથી ઉપરના લોકોમાં તો આ તકલીફ ઘણી ગંભીર સાબિત થઈ શકે છે.’
લીકેજ
પેશાબ પર જ્યારે નિયંત્રણ રહેતું નથી હોતું ત્યારે જરૂરી નથી કે લીકેજનો પ્રૉબ્લેમ હોય જ. ઘણા લોકો એવા છે જેમને વારંવાર પેશાબ જવું પડતું હોય છે, પરંતુ લીકેજ થતું નથી. તો એ પણ યુરિન ઇન્કૉન્ટિનન્સ જ ગણાય. પરંતુ યુરિન ઇન્કૉન્ટિનન્સમાં લીકેજનો પ્રૉબ્લેમ પણ હોય એટલે કે પેશાબ પર કન્ટ્રોલ ન હોય અને કપડાં ખરાબ થઈ જાય એવી પરિસ્થિતિના મુખત્વે બે પ્રકાર જોવા મળે છે. એ પ્રકાર વિશે સમજાવતાં ડૉ. અનીતા પટેલ કહે છે, ‘એક તો ઓવર ઍક્ટિવ બ્લૅડર. મૂત્રાશય જ્યારે વધુ ઍક્ટિવ હોય ત્યારે વ્યક્તિને પેશાબ જવું છે એમ લાગે અને બાથરૂમ સુધી પહોંચતાં-પહોંચતાં જ તેમનાં કપડાં ખરાબ થઈ જાય છે. આ સિવાય બીજો પ્રકાર છે સ્ટ્રેસ-લીકેજ. ઘણા લોકોને જ્યારે ઉધરસ આવે, છીંક આવે, કૂદે કે દોડે, આગળની તરફ ઝૂકે કે શરીરનું એવું કોઈ કામ કરે જેમાં ફિઝિકલી કોઈ સ્ટ્રેસ આવે તો યુરિન લીક થઈ જાય એ પ્રકારને સ્ટ્રેસ-લીકેજ કહે છે. સ્ટ્રેસ-લીકેજનો પ્રૉબ્લેમ સ્ત્રીઓમાં ઘણો વધારે જોવા મળે છે.’
ઇલાજ જરૂરી
પેશાબના અનિયંત્રણ પાછળ ઘણાં જુદાં-જુદાં કારણો જવાબદાર છે એમ જણાવતાં ડૉ. અનીતા પટેલ કહે છે, ‘મોટી ઉંમર, મેનોપૉઝ, ડાયાબિટીઝ, મૂત્રાશયનું ઇન્ફેક્શન, મગજના રોગો, સ્ટ્રેસ, ઓબેસિટી અને વધુપડતું પ્રવાહી પીવાથી અનિયંત્રિત પેશાબની તકલીફ થાય છે. જો વારંવાર પેશાબ જવું પડતું હોય કે એની સાથે-સાથે કોઈ પણ કારણસર લીકેજ પણ થઈ જતું હોય તો આજની તારીખે એનો ઘણો સારો ઇલાજ થઈ શકે છે. કોઈ પણ પ્રકારનું લીકેજ હોય એને સહન ન કરો. તરત જ નિષ્ણાત ડૉક્ટરને મળી એની પાછળનું કારણ સમજી યોગ્ય ઉપચાર ચોક્કસ કરાવો.’
(આવતી કાલે જાણીશું અનિયંત્રિત મળની સમસ્યા વિશે અને એ ન થાય એ માટે આંતરડાંની હેલ્થ જાળવવા માટેની ખાસ ટિપ્સ)
મૂત્રાશયને હેલ્ધી રાખવા માટે
KEM હૉસ્પિટલનાં યુરોલૉજી ડિપાર્ટમેન્ટનાં હેડ યુરોલૉજિસ્ટ ડૉ. સુજાતા પટવર્ધન પાસેથી જાણીએ મૂત્રાશયને હેલ્ધી રાખવાના ઉપાયો.
૧. મૂત્રાશયની હેલ્થ માટે સૌથી મહત્વનું છે પ્રવાહી. વ્યક્તિએ પાણી કે પ્રવાહી પદાર્થ આદર્શ રીતે દિવસમાં ૨-૩ લીટર જેટલાં લેવાં જ જોઈએ. આજકાલ મોટા ભાગે ખ્ઘ્માં કામ કરતો વર્ગ ઠંડકને કારણે પાણી પીવાનું ભૂલી જાય છે. સામાન્ય રીતે કોઈને પણ પૂછો તો ચોક્કસ કહી નહીં શકે કે તે દિવસમાં કેટલું પાણી પીએ છે. પાણી પીવા બાબતે લાપરવાહી વ્યક્તિના મૂત્રાશયને અસર કરી શકે છે.
૨. ઘણી વખત પબ્લિક ટૉઇલેટ ગંદાં હોવાને કારણે કે લાંબા ગાળાનું ટ્રાવેલિંગ કરતી વખતે યુરિન પાસ કરવાની હાલતમાં વ્યક્તિ યુરિન ખૂબ લાંબો સમય રોકી રાખે છે, જે બિલકુલ યોગ્ય બાબત નથી. આવું કરવાથી મૂત્રાશય પર બિનજરૂરી પ્રેશર આવ્યા કરે છે. જે વ્યક્તિને વારંવાર આવું કરવાની ટેવ પડી હોય તેનું મૂત્રાશય ડૅમેજ થાય અને લીકેજનો પ્રૉબ્લેમ આવી શકે છે.
૩. આ ઉપરાંત ઘણા લોકો ઉતાવળમાં વ્યવસ્થિત યુરિન પાસ કરતા નથી. જ્યારે યુરિન પાસ કરો ત્યારે મૂત્રાશય સંપૂર્ણ ખાલી થવું જરૂરી છે. જ્યારે એ સંપૂર્ણ ખાલી થતું નથી ત્યારે પણ અડધું-પડધું રહી ગયેલું યુરિન પ્રૉબ્લેમ કરી શકે છે.
૪. આ ઉપરાંત મૂત્રાશયને હેલ્ધી રાખવા માટે જ્યાંથી યુરિન પાસ કરવામાં આવે છે એ ભાગને સ્વચ્છ રાખવો જરૂરી છે. એના માટે કોઈ મેડિકેટેડ પ્રોડક્ટ વાપરવાની જરૂર નથી. નૉર્મલ સાબુ કે ફક્ત પાણી દ્વારા પણ આ ભાગને દરરોજ બે વાર વ્યવસ્થિત સાફ કરવો અને ભીનો રહેવા દેવો નહીં. સાફ કર્યા પછી સાફ કપડાથી લૂછી નાખવો.
૫. ખાસ કરીને પેલ્વિક ફ્લોર સ્નાયુઓનું ધ્યાન રાખવું. એને લગતી કસરતો નિષ્ણાત પાસેથી શીખી લેવી, જેને લીધે યુરિન પાસ કરવા માટેના ખાસ મહત્વના જે સ્નાયુઓ ઉંમર થતાં ઢીલા પડી જાય અને જેને લીધે નિયંત્રણ ગુમાવવાનો ડર રહે એ સ્ટ્રૉન્ગ બની રહે અને કોઈ પ્રૉબ્લેમ ન થાય.