જાણો રોઝ ગોલ્ડ વિશે

22 January, 2013 06:22 AM IST  | 

જાણો રોઝ ગોલ્ડ વિશે



સોનાની વાત આવે ત્યારે આંખોની સામે પીળું ચળકતું સોનું દેખાય. એમાંય પીળું એટલું સોનું નહીં એ કહેવત હોવા છતાં પીળું દેખાય એને જ લોકો સોનું માને છે. એને લીધે આપણે ત્યાં હજી વાઇટ ગોલ્ડ એટલું લોકપ્રિય નથી થઈ શક્યું. તમે પિન્ક કલરના સોના વિશે સાંભળ્યું છે? હા, ક્રોન ગોલ્ડ કે રોઝ ગોલ્ડ તરીકે ઓળખાતા આ સોનામાં ગુલાબી ઝાંય હોય છે જે ડેલિકેટ જ્વેલરીની ડિઝાઇનોમાં ખૂબ સુંદર લાગે છે. આ મેટલ વિશે થોડું જાણી લો.

રોઝ ગોલ્ડની બનાવટ

સોનાને ગુલાબી બનાવવા માટે એની બનાવટ વખતે એમાં થોડું કૉપર એટલે કે તાંબું ઉમેરવામાં આવે છે. ત્યાર બાદ તૈયાર થયેલા આ સોનાને સામાન્ય પીળા સોનાની જેમ જ બધી જ્વેલરીમાં વાપરી શકાય છે. રોઝ ગોલ્ડની બનેલી ઘડિયાળોનો તો આખા વિશ્વના ફૅશન-પરસ્તોમાં ખૂબ ક્રેઝ છે.

રોઝ ગોલ્ડ ૨૨ કૅરેટ સુધીની ક્લૅરિટીમાં મળે છે અને ૧૯મી સેન્ચુરીથી પ્રચલિત છે. રશિયામાં જૂના જમાનાથી લગ્નમાં યલો, રોઝ અથવા વાઇટ ગોલ્ડમાંથી બનાવેલી રિંગ પહેરાવવામાં આવતી. ત્યાંના લોકોમાં એવી માન્યતા હતી કે આ ત્રણ મેટલ ભેગી થાય એ એકતા અને સાથનું પ્રતીક છે. આ વેડિંગ રિંગને નવપરિણીત યુગલો માટે શુભ માનવામાં આવતી.

રોઝ ગોલ્ડની પસંદગી

રોઝ ગોલ્ડની જ્વેલરી માટે પસંદગી કરવી થોડી મુશ્કેલ બની શકે છે. કેટલાક ઠગ જ્વેલર્સ સોનામાં કૉપરનું વધુપડતું ઍલૉય મિક્સ કરીને સોના પ્રત્યે અજાણ લોકોને પિન્ક ગોલ્ડ કે રોઝ ગોલ્ડના નામે વેચી દે છે એટલે રોઝ ગોલ્ડ ખરીદો ત્યારે વિશ્વસનીય જ્વેલર પાસેથી જ ખરીદવું. એ ઉપરાંત જ્વેલરીના પીસ પર હૉલમાર્ક અને ઑથેન્ટિસિટીનું સિમ્બૉલ ચેક કરવું. આ સિવાય રોઝ ગોલ્ડ ખરીદવામાં થોડું રિસ્ક પણ છે એટલે શક્ય હોય તો સર્ટિફિકેટ તેમ જ બિલ લેવાનું ન ભૂલવું. આ સિવાય સૌથી મહત્વની બાબત એેટલે તમારા સોનામાં કેટલા ટકા તાંબું ભેળવેલું છે એનું બ્રેક-અપ જાણવું જરૂરી છે.

ફૅશન-સ્ટેટમેન્ટ

હંમેશાં હટકે અને કંઈક યુનિક પહેરવાનું પસંદ હોય તો રોઝ ગોલ્ડ આ જ કૅટેગરીમાં આવે છે. આ ગોલ્ડની આપણે ત્યાં હજી એટલી ડિમાન્ડ ન હોવાથી એ મેડ-ટુ-ઑર્ડર જ બનાવવામાં આવે છે. આ ચીજનો બીજો એક ફાયદો એ છે કે તમારી ચીજ એક્સક્લુઝિવ હોય છે.

સ્કિન-ટોન

રોઝ ગોલ્ડની જ્વેલરી અને વૉચ દેખાવમાં સારી લાગવા ઉપરાંત દરેક પ્રકારના સ્કિન-ટોન સાથે પણ સૂટ થાય છે. રોઝ ગોલ્ડ ઘઉંવર્ણી ત્વચા પર ખૂબ સુંદર લાગશે. લોકોમાં વધુ પૉપ્યુલર ન હોવાથી આ ગોલ્ડ પહેર્યું હશે ત્યારે આકર્ષણનું કેન્દ્ર બનવાનો મોકો પણ જરૂર મળશે. એટલે શોખ હોય તો ઍટ લીસ્ટ રોઝ ગોલ્ડનો એક પીસ વસાવો.     

રોઝ ગોલ્ડની સુંદરતા

પીળા ચળકતા સોના અને વાઇટ ચળકતા ડાયમન્ડ્સની સરખામણીમાં રોઝ ગોલ્ડ ખૂબ જ શટલ લાગે છે. જો ઓછામાં ઓછી જ્વેલરીવાળો લુક જોઈતો હોય તો રોઝ ગોલ્ડ તમારા માટે પરફેક્ટ રહેશે. રોઝ ગોલ્ડ વાઇટ, બેજ, બ્લૅક અને બીજા નૅચરલ કલર્સ સાથે સારી રીતે મૅચ થાય છે; પરંતુ ઑરેન્જ, રેડ કે પિન્ક ડ્રેસ પહેર્યો હોય ત્યારે ભૂલથી પણ રોઝ ગોલ્ડ ન પહેરવું; કારણ કે એ કન્ફ્યુઝન થશે અને વધુપડતું લાગશે. રોઝ ગોલ્ડમાંથી બનેલી એન્ગેજમેન્ટ રિંગ પણ પૉપ્યુલર છે. રોઝ ગોલ્ડ અને ડાયમન્ડ્સનું કૉમ્બિનેશન સુંદર લાગશે.

પ્રમાણમાં સસ્તી

રોઝ ગોલ્ડ રેગ્યુલર સોનાના કમ્પેરિઝનમાં સસ્તું પણ બની શકે છે. એનું કારણ છે એમાં રહેલું કૉપરનું પ્રમાણ. ગોલ્ડ કરતાં કૉપર સ્વાભાવિકપણે સસ્તું છે. ગોલ્ડમાં જ્યારે કૉપર ભેળવવામાં આવે ત્યારે એની કિંમત ઘટી જાય છે. રોઝ જ્વેલરીની કિંમત પણ એના ટોટલ વજન પર નહીં, પણ એમાં રહેલા સોનાના પ્રમાણ પરથી આંકવામાં આવે છે.