અળાઈથી છુટકારો કેવી રીતે મેળવવો?

16 April, 2013 07:07 AM IST  | 

અળાઈથી છુટકારો કેવી રીતે મેળવવો?



ઉનાળાની બળબળતી ગરમી સ્કિન માટે આકરી થઈ જાય છે. ગરમ અને ભેજવાળી આબોહવામાં અળાઈનું પ્રમાણ ખૂબ વધારે હોય છે. આમ તો અળાઈ એ ચેપી અને ખતરનાક સ્કિન-ડિસીઝ નથી, પરંતુ ઝીણી-ઝીણી અળાઈઓ કરડવાને કારણે તેમ જ એ જગ્યાએ થતી બળતરાને કારણે વ્યક્તિને ખૂબ જ ડિસકમ્ફર્ટ રહ્યા કરે છે. અળાઈ માત્ર બાળકોને જ નહીં, મોટેરાઓને પણ ખૂબ જ અકળાવનારી હોય છે.

ક્યારે થાય?

ઉનાળામાં જ્યારે વાતાવરણમાં ખૂબ ભેજ હોય અથવા તો તદ્દન સૂકા હવામાનમાં આકરો તાપ પડતો હોય ત્યારે અળાઈઓ થઈ આવે છે. દરિયાની નજીકના વિસ્તારોમાં બફારો વધતો હોવાથી મુંબઈમાં સેન્સિટિવ સ્કિનવાળા લોકોને અળાઈની તકલીફ સતાવે છે.

વિપરીત આબોહવામાં કેટલીક ખોટી આદતો બળતામાં ઘી હોમે છે. જેમ કે ખૂબ જ ચપોચપ કપડાં પહેરવાંથી, જાડાં અથવા તો સિન્થેટિક કે પછી ડાર્ક કલરનાં કપડાં પહેરવાથી અળાઈની સંભાવનાઓ વધી જાય છે.

કેમ થાય છે?

અળાઈ સ્વેદગ્રંથિઓ બંધ થઈ જવાને કારણે થાય છે. અતિશય ગરમીમાં શરીરમાંથી પસીનો નીકળે છે. જાડાં કે સિન્થેટિક કપડાંને કારણે પસીનો અંદર જ સુકાઈ જાય છે અને સ્વેદગ્રંથિઓ પર જામી જાય છે. એટલું જ નહીં, કપડાંને કારણે શરીરની ત્વચાનું તાપમાન પણ ઊંચું રહે છે. ગરમી અને વારંવાર પસીનો જામવાને કારણે ત્યાંની ત્વચા પર રૅશિઝ થઈ જાય છે અને અત્યંત ઝીણી ફોલ્લીઓ થઈ જાય છે. 

ન થાય એ માટે શું?

ગરમી અને ભેજને કારણે અળાઈ થાય છે એટલે એ બન્નેને બને એટલાં ટાળવાં. કપડાં ખૂલતાં અને પાતળા કૉટનનાં પહેરવાં. દિવસમાં ત્રણથી ચાર વાર ચહેરો અને હાથ-પગ ઠંડા પાણીથી ધોવા તેમ જ દિવસમાં બે વાર સહેજ હૂંફાળા પાણીથી નાહવું જેથી પરસેવો ત્વચા પર જામી ન જાય.

નાનું બાળક હોય તો તેને ઉનાળામાં તેલની માલિશ કરવાનું બંધ કરવું. ઑઇલબેઝ્ડ ક્રીમ ન વાપરવી. સતત ફરતી હવામાં બાળકને રાખવું. પંખો, એક્ઝૉસ્ટ ફૅન અથવા એસીથી વાતાવરણ ઠંડું રાખવું.

ખાવા-પીવામાં તેલ, મરચું, ખટાશ અને જન્ક ફૂડ ખૂબ જ ઓછું કરવું. પેટ સાફ આવે એ માટે રોજ રાતે હરડે લેવી.

અળાઈના ઘરગથ્થુ ઉપાયો

ખૂબ જ ચળ આવતી હોય તો એ ભાગ પર કૅલેમાઇન લોશન, અલો વેરાનો માવો અથવા હાઇડ્રોકૉર્ટિઝોન ક્રીમ લગાવવી.

ગુલાબજળમાં બોળેલું રૂ એ જગ્યા પર લગાવવું અને સુકાઈ જાય ત્યાં સુધી ખુલ્લું જ રહેવા દેવું. ગુલાબજળમાં સુખડનું લાકડું ઘસીને એની પેસ્ટ એ જગ્યા પર લગાવવાથી પણ ઠંડક થાય છે. પેસ્ટ ડ્રાય થઈ જાય પછી ઘસ્યા વિના ઠંડા પાણીથી એમ જ ધોઈ લેવું.

અતિશય બળતરા થતી હોય તો એક કપડામાં બરફ વીંટીને એનાથી પણ ઠંડક કરી શકાય. એનાથી એ જગ્યાની લાલાશ ઘટશે. ગુલાબજળમાં મુલતાની માટી પલાળી રાખવી. એ પછી બરાબર પેસ્ટ કરીને અળાઈવાળી જગ્યાએ લગાવવી. સુકાય એટલે પાણીથી સાફ કરી લેવું.

જો અળાઈમાંથી પાણી ન નીકળતું હોય અને એ ડ્રાય હોય તો જ એના પર ઍન્ટિ-ઇચિંગ પાઉડર લગાવવો. આ પાઉડર પરફ્યુમ વિનાનો હોય એ જરૂરી છે, નહીંતર એની પણ ઍલર્જી થઈ શકે છે.

ચણાના લોટમાં હળદર અને ગુલાબજળ ઉમેરીને એ જગ્યાએ લગાવવાથી પણ ફાયદો થાય છે. લીમડાનાં પાનની પેસ્ટ પણ આ જ રીતે લગાવી શકાય છે.

એક બાલદી હૂંફાળા પાણીમાં પાંચથી છ ચમચી ઓટમીલ પાઉડર મિક્સ કરવો. બરાબર હલાવીને એનાથી નાહવું.

અળાઈને કારણે બરફ અને પાણીમાં રહેવું ગમે છે. જોકે વધુ સમય પાણીમાં રહેવાનું ટાળવું.