10 May, 2016 05:28 AM IST |
DEMO PIC
હેલ્થ-વેલ્થ - જિગીષા જૈન
મૉર્નિંગ વૉકના બહાને એકઠા થયેલા મિત્રોની વાતચીત ચાલુ હતી; રાતે તો હું ઘોડા વેચીને સૂઈ જાઉં, આખી જિંદગી એક વાર સૂતાભેગા સવાર જ પડે મારે તો. જોકે આજકાલ રાતે બાથરૂમ કરવા ઊઠવું જ પડે છે. શરૂઆતમાં તો એકાદ વાર ઊઠવું પડતું હતું, પરંતુ હવે તો બે વાર અને ક્યારેક ત્રણ વાર ઊઠવું પડે છે. એક બાવન વર્ષના કાકાએ પોતાની મૂંઝવણ મિત્રો સામે મૂકી. કાકાની આ વાત સાંભળીને બીજા મિત્રોએ પોતાની વાત રજૂ કરી કે ભાઈ, અમારે પણ આવું જ થાય છે. એક પછી એક બધાએ પોતાની હૈયાવરાળ ઠાલવી અને દરેકને કંઈક ને કંઈક યુરિન સંબંધી સમસ્યાઓ હતી. ઘણાને વારંવાર બાથરૂમ જવું પડે તો ઘણાને યુરિન માટે હંમેશાં તાત્કાલિક જ ભાગવું પડે. થોડી ક્ષણોની પણ વાર લાગે કે તરત કપડાં ખરાબ થઈ જવાનો ભય લાગે. એને લીધે તે વ્યક્તિએ બહાર જવાનું જ બંધ કરી દીધું હતું. એક કાકા તો એવા હતા કે તેમની રાતની ઊંઘ જ હરામ થઈ ગઈ હતી, કારણ કે તેમને દર અડધા કલાકે બાથરૂમ જવા માટે ઊઠવું પડતું હતું. ચર્ચામાંથી સમજાયું કે બધાની શરૂઆત તો રાતે એકાદ વાર બાથરૂમ માટે ઊઠવાથી જ થઈ હતી અને ધીમે-ધીમે પ્રૉબ્લેમ વધવા લાગ્યા. ઘણાને લાગતું કે પાણી વધારે પિવાઈ જતું હશે એટલે આવું થતું હશે તો કેટલાક સમજુ લોકોએ કહ્યું કે હવે આ ઉંમરે આવું બધું તો ચાલ્યા કરે. નિરાંતે ઊંઘવાના દિવસો હવે ગયા સમજો. કેટલાક લોકોએ અમુક દેશી નુસખા પણ અજમાવી જોયા હતા, પરંતુ કોઈ ખાસ ફાયદો થયો નહીં. જોકે મહત્વની વાત એ છે કે આ એક પ્રૉબ્લેમ છે જેનો ઇલાજ જરૂરી છે એવું સમજીને કોઈ ડૉક્ટર પાસે ગયું જ નહોતું.
રાતે યુરિન માટે એક-બે વાર ઊઠવું પડે એ સાધારણ લાગતું ચિહ્ન એ પુરુષોમાં એન્લાર્જ્ડ પ્રોસ્ટેટ એટલે કે મોટી થઈ ગયેલી પ્રોસ્ટેટ તરીકે ઓળખાતી તકલીફનું પહેલું ચિહ્ન છે. એ વિશે વાત કરતાં સૈફી હૉસ્પિટલના યુરો-ઑન્કૉલૉજિકલ રોબોટિક સજ્ર્યન ડૉ. અનુપ રામાણી કહે છે, ‘પ્રોસ્ટેટ ગ્રંથિ પુરુષોમાં આવેલો મહત્વનો અવયવ છે જે પુરુષના શરીરમાં વીર્યનું નિર્માણ કરે છે. સ્ત્રીઓમાં જેમ ગર્ભાશય છે એમ પુરુષોમાં પ્રોસ્ટેટ હોય છે. આ ગ્રંથિનો આકાર એક ડોનટ જેવો હોય છે અને યુરિનરી બ્લૅડર એટલે કે મૂત્રાશય શંકુ આકારનો હોય છે. મૂત્રાશયના નીચેના એક નાના ભાગની ફરતે ડોનટ આકારની પ્રોસ્ટેટ ગ્રંથિ વીંટળાયેલી હોય છે. હવે જેમ-જેમ પુરુષની ઉંમર થતી જાય, ખાસ કરીને ૫૦ વર્ષ પછી જ્યારે આખા શરીરનાં અંગો સંકોચાતાં જાય છે ત્યારે પુરુષનું આ અંગ એટલે કે પ્રોસ્ટેટ સંકોચાવાને બદલે મોટી થતી જાય છે. જેમ-જેમ એ મોટી થતી જાય એમ એ મૂત્રાશય પર દબાણ વધારતી જાય છે. આ દબાણને લીધે યુરિન સંબંધી સમસ્યાઓ આવી શકે છે.’
પ્રોસ્ટેટ સંબંધી આ જે સમસ્યા છે એ કોઈ રોગ નથી, પરંતુ એક એજિંગ પ્રોસેસ એટલે કે ઉંમરને કારણે થતી તકલીફ છે. ઉંમરને લીધે જેમ વાળ સફેદ થાય, ચામડી ઢીલી પડે, હાડકાં ઘસાતાં જાય એમ જ પ્રોસ્ટેટ મોટી થતી જાય. ખાસ કરીને ૫૦-૬૦ વર્ષની ઉંમર પછી જ્યારે શરીરમાં બધાં જ અંગો સંકોચાતાં જાય છે ત્યારે પ્રોસ્ટેટ સંકોચાવાને બદલે મોટી થતી જાય છે. આ વાત કરતાં ડૉ. અનુપ રામાણી કહે છે, ‘જો આ એક ઉંમર વધવાને લીધે થતી પ્રક્રિયા હોય તો એનો અર્થ એ થયો કે બધા જ પુરુષોમાં આ પ્રક્રિયા થાય જ છે. તેમની ઉંમર વધે ત્યારે તેમની પ્રોસ્ટેટ મોટી થાય જ છે, પરંતુ દરેક પુરુષમાં એ મોટી થવાનું પ્રમાણ જુદું-જુદું હોઈ શકે છે. ૫૦-૫૫ વર્ષે પ્રોસ્ટેટનું વજન લગભગ ૧૮થી ૨૩ ગ્રામ જેટલું હોય છે. ધીમે-ધીમે એ વજન વધતું જાય છે. ઍવરેજ પુરુષમાં પ્રોસ્ટેટ વધે તો ૬૦ ગ્રામ સુધી વધે છે. અંદાજિત આંકડો લઈએ તો ૧૦માંથી ૬ પુરુષોમાં પ્રોસ્ટેટ વધે ત્યારે ૬૦ ગ્રામ જેટલી વધે છે. બાકીના પુરુષોમાં ૩૦-૪૦ ગ્રામથી લઈને ૨૫૦-૪૦૦ ગ્રામ જેટલી પ્રોસ્ટેટ મોટી થઈ શકે છે. આ એક મોટી રેન્જ છે. સમજી શકાય એવી બાબત એ છે કે પ્રોસ્ટેટ જેટલી વધારે મોટી થાય એટલી તકલીફ વધુ રહેવાની છે.’
ઇલાજ
જરૂરી ચિહ્નો દેખાય ત્યારે એને ઉંમરને લીધે આવી પરિસ્થિતિ થઈ હશે એમ માનીને બેસી ન રહેવું. પ્રોસ્ટેટ મોટી થવાને કારણે જે ચિહ્નો દેખાય છે એ ચિહ્નો બીજી ઘણી જુદી-જુદી બીમારીનાં પણ ચિહ્નો છે. જો વ્યક્તિને બ્લૅડર કૅન્સર હોય, મૂત્રાશયને લગતા બીજા પ્રૉબ્લેમ્સ કે કિડનીની તકલીફમાં પણ આ જ ચિહ્નો હોઈ શકે છે. એ સિવાય રાત્રે વારંવાર યુરિન માટે ઊઠવાની તકલીફ ડાયાબિટીઝને કારણે પણ હોઈ શકે છે. આ ચિહ્નોને અવગણ્યા વગર નિષ્ણાત ડૉક્ટર પાસે જઈ જરૂરી ચેકઅપ કરાવવું જોઈએ જે વિશે જણાવતાં ડૉ. અનુપ રામાણી કહે છે, ‘આવાં ચિહ્નો સાથે જ્યારે દરદી આવે છે ત્યારે ઘણીબધી શક્યતાઓને અમારે ચકાસવી જરૂરી છે. એને માટે જુદી-જુદી ટેસ્ટ કરાવવી પડે છે. ખાસ કરીને પેટ અને પેલ્વીસની સોનોગ્રાફી કરાવીએ તો જાણી શકાય કે દરદીની પ્રોસ્ટેટ મોટી હોવાને કારણે આ તકલીફ થાય છે. આ પ્રોસ્ટેટ કેટલી મોટી થઈ છે એ પણ જાણવામાં આવે છે. મોટા ભાગના દરદીઓને આ તકલીફમાં દવા આપવામાં આવે છે જેને કારણે તેમને ઘણી રાહત રહે છે. આ દવા તેમણે જીવનભર લેવી પડે છે. જો એવું ન થાય તો લેઝર સર્જરી દ્વારા પ્રોસ્ટેટનો વધેલો ભાગ કાપી નાખવામાં આવે છે. આ સમાન્ય સર્જરી છે, જેમાં સાત દિવસમાં વ્યક્તિ ઠીક થઈ જાય છે.’
હેલ્થ-ડિક્શનરી : એક્સ-રે કેવી રીતે કામ કરે છે?
કંઈક પડવા-આખડવાને કારણે હાડકામાં દુખે છે કે પગ મંડાતો નથી? ખૂબ લુખ્ખી ખાંસી આવે છે અને રોકી રોકાતી નથી? દાંતમાં સડો થયો છે? હાડકાં નબળાં પડી રહ્યા છે? ફેફસાંમાં ઇન્ફેક્શન થયું છે? પેટમાં દુખાવો થાય છે કે ગરબડ થઈ રહી છે?
નાની-મોટી ઘણી સમસ્યાઓમાં નિદાન માટે ડૉક્ટર જે-તે અવયવનો એક્સ-રે કરવાનું કહે છે. આ એક્સ-રે છે શું અને કેવી રીતે રોગનું નિદાન કરવામાં હેલ્પ કરે છે? આવો જાણીએ. રેડિયો તરંગો, ઇન્ફ્રારેડ કિરણોત્સર્ગ, અલ્ટ્રાવાયલેટ કિરણોત્સર્ગ અને માઇક્રોવેવ તરંગોની જેમ એક્સ-રે પણ એક પ્રકારના ઇલેક્ટ્રોમૅગ્નેટિક કિરણોત્સર્ગનો પ્રકાર છે. આપણા શરીરની આંતરિક તસવીરો પાડીને અંદરની સ્થિતિ સમજવામાં એક્સ-રે મદદ કરે છે.
૧૮૯૫માં જર્મનીની વુર્ઝબર્ગ યુનિવર્સિટીના કોર્નાડ રોએન્ટેન નામના પ્રોફેસરે એક્સ-રે ટેક્નિકની શોધ કરી હતી. સ્વિટ્ઝરલૅન્ડના શરીરરચના વિજ્ઞાનના નિષ્ણાત આલ્બર્ટ વૉન કૉલિકરે સૌથી પહેલી વાર પોતાના જ પંજાનો એક્સ-રે કાઢીને લોકોમાં આ વિશે જાગૃતિ લાવવાની કોશિશ કરેલી. કિરણોની ફ્રીક્વન્સી અને તરંગલંબાઈમાં બદલાવ લાવીને શરીરની વિવિધ તકલીફોનું નિદાન કરવા માટે જાતજાતની પદ્ધતિઓ વિકસાવવામાં આવી છે. એવી ઘણી નિદાન-પદ્ધતિઓ છે જેમાં એક્સ-રેનો ઉપયોગ થાય છે.
વિશિષ્ટ તરંગલંબાઈ ધરાવતાં કિરણો શરીરમાંથી આરપાર થાય એ દરમ્યાન એની ઇમેજ લેવામાં આવે છે જે બ્લૅક ફિલ્મ પર અંકિત થઈ જાય છે. સામાન્ય રીતે મેડિકલ સ્થિતિના નિદાન માટે ૦.૧થી ૧૦ નૅનોમીટરની ફ્રીક્વન્સી રાખવામાં આવે છે. અવયવની ડેન્સિટી અનુસાર કિરણોની તીવ્રતા અને ફ્રીક્વન્સી નક્કી થાય છે. એક્સ-રેમાં ફેફસાંની હવા કાળી ડિબાંગ દેખાય છે, પાંસળીઓ હળવી ગ્રે દેખાય છે; જ્યારે ચરબી અને સ્નાયુઓ વિવિધ ગ્રે શેડનાં વર્તાય છે.