સ્ટ્રોકને લીધે જો લકવો થયો હોય તો આ દરદીને મદદરૂપ થઈ શકે છે ન્યુરો-રીહૅબ

02 November, 2016 07:02 AM IST  | 

સ્ટ્રોકને લીધે જો લકવો થયો હોય તો આ દરદીને મદદરૂપ થઈ શકે છે ન્યુરો-રીહૅબ



જિગીષા જૈન 

દર ત્રણ હાર્ટ-અટૅકે ભારતમાં બે મગજના સ્ટ્રોક થાય છે એટલે આમ જોઈએ તો હાર્ટ-અટૅકનું પ્રમાણ આપણે ત્યાં સૌથી વધુ ગણાય છે તો સ્ટ્રોકનું સ્થાન એના તરત પછીનું છે, છતાં હાર્ટ-અટૅકની સરખામણીએ લોકોમાં સ્ટ્રોક બાબતે જાણકારી ઘણી ઓછી જોવા મળે છે. ભારતમાં દર મિનિટે ત્રણ પુખ્ત વ્યક્તિઓ સ્ટ્રોકનો ભોગ બને છે. આશરે ૫૦ લાખ લોકો દુનિયામાં ફક્ત સ્ટ્રોકને કારણે અપંગ બને છે. મલેરિયા, ટીબી અને એઇડ્સ આ ત્રણેય રોગોની સાથે મૃત્યુદર લઈએ તો એના કરતાં પણ સ્ટ્રોકનો મૃત્યુદર વધુ છે, છતાં સ્ટ્રોક વિશે કે સ્ટ્રોકના દરદીઓની કઈ રીતે સારસંભાળ લેવી જોઈએ એ વિશે જોઈએ એટલી જાગૃતિ જોવા નથી મળતી. સ્ટ્રોકને કારણે વ્યક્તિને પૅરૅલિસિસ થઈ જતો હોય છે, જેને આપણે સાદી ભાષામાં લકવો કહીએ છીએ. આ લકવાને લીધે વ્યક્તિ શારીરિક રીતે અક્ષમ બની જતી હોય છે. આ લકવાની જેવી અસર એ મુજબ વ્યક્તિ પર એની અસર દેખાય છે. ઘણાનું એક તરફનું અંગ એટલે કે જમણું કે ડાબું અંગ કામ કરતું બંધ થઈ જાય છે જેમાં સંપૂર્ણ અંગ પર અસર હોય તો વ્યક્તિ પથારીવશ થઈ જાય છે. જો ફક્ત હાથ કે પગ પર અસર હોય તો હલન-ચલન પર અસર પડે છે. ઘણાને મોઢા પર વધુ અસર હોય તો બોલવાનું બંધ થઈ જાય છે અથવા તો બોલવામાં મુશ્કેલી પડતી હોય છે.

ન્યુરો-રીહૅબ

સ્ટ્રોક આવ્યાના જો એક કલાકમાં દરદીને તાત્કાલિક હૉસ્પિટલમાં પહોંચાડવામાં આવે તો સ્ટ્રોકની અસરને ઓછી કરી શકાય છે, પરંતુ જ્યારે એવું બનતું નથી અને વ્યક્તિને પૅરૅલિસિસ થઈ જાય ત્યારે મહત્વની વાત એ છે કે મગજના જે ભાગ પર અસર થઈ છે અને એ અસરને દૂર કરવાની પ્રક્રિયા હૉસ્પિટલમાંથી ઘરે આવ્યા પછી પણ ખતમ નથી થતી. આપણે ત્યાં કેટલાક લોકો એવા છે જેને લાગે છે કે ઇલાજ હૉસ્પિટલમાં જ થતો હોય છે. સ્ટ્રોક જેવી મોટી આપત્તિમાંથી પસાર થઈ જ્યારે પૅરૅલિસિસ સાથે દરદી ઘરે આવે છે ત્યારે તેને લાગે છે કે બસ, હવે દુનિયા ખતમ થઈ ગઈ. તેના ઘરના લોકો પણ પડી ભાંગે છે અને અહીંથી આગળ વધી શકાય છે એવું તેમને સૂઝતું જ નથી, પણ હકીકત એ છે કે શરીરનો જે ભાગ ખોટો પડી ગયો છે એને ફરીથી ચાલતો-ફરતો કરવા માટે જે અથાગ મહેનત અને પરિશ્રમ તથા સતત પ્રયત્નો કરવાનો સમય છે એ હૉસ્પિટલ પત્યા પછી જ શરૂ થાય છે. આ ખોટા પડેલા ભાગને ફરી જીવંત કરવા માટે કોઈ દવા નથી મળતી. આ પરિસ્થિતિમાં જે સૌથી વધુ ઉપયોગી છે એ છે ન્યુરો-રીહૅબ. આ ન્યુરો-રીહૅબમાં શેનો-શેનો સમાવેશ થઈ શકે છે એ આજે સમજીએ.

ફિઝિયોથેરપી

ખાસ કરીને જે વ્યક્તિને લકવો થયો છે એના માટે ફિઝિયોથેરપી ખૂબ જ મહત્વની છે. આ વાતને સમજાવતાં નાઇટઇન્ગેલ્સ હોમ હેલ્થ સ્પેશ્યલિસ્ટનાં હેડ અને ફિઝિયોથેરપિસ્ટ ડૉ. વિજયા બાસ્કર કહે છે, ‘લકવાને લીધે વ્યક્તિની ઘણીબધી મૂવમેન્ટ અસર પામે છે. આ મૂવમેન્ટને બને એટલી પહેલાં જેવી કરવાનું કામ ફિઝિયોથેરપી કરે છે. ખાસ કરીને મસલ્સને મજબૂત કરવાનું કામ એનું છે. લકવાના દરદીઓમાં જે સૌથી વધુ ઉપયોગી બને છે એ આ જ થેરપી છે. જેનાથી પથારીગ્રસ્ત વ્યક્તિ ફરી ચાલતી થઈ શકવાની શક્યતા ઘણી વધી જાય છે. આ થેરપી છે જે વર્ષો સુધી વ્યક્તિએ લેવી જરૂરી છે. એને વચ્ચેથી છોડી દેવાથી જોઈતાં પરિણામ નથી મળતાં. વળી આ કોઈ ક્રૅશ ર્કોસ નથી કે એક મહિનામાં ઇચ્છિત પરિણામ મળી જ જાય. આમ મહેનત, પ્રયત્ન અને એની સાથે ધીરજ પણ અહીં એટલી જ જરૂરી છે.’

ઑક્યુપેશનલ થેરપી

લકવાના દરદીઓને ઑક્યુપેશનલ થેરપી પણ આપવી જોઈએ. ભારતમાં જ્યાં પરિવારનો સર્પોટ ખૂબ વધારે છે લકવાગ્રસ્ત દરદીને હેલ્પ મળી રહે છે માટે તેને ઑક્યુપેશનલ થેરપીની તાતી જરૂર વર્તાતી નથી, પરંતુ વિદેશોમાં આ થેરપી ખૂબ જ અનિવાર્ય માનવામાં આવે છે. એનું કારણ સમજાવતાં ડૉ. વિજયા બાસ્કર કહે છે, ‘ઑક્યુપેશનલ થેરપીથી દરદી દૈનિક કાર્યો ખાસ કરીને ખાવા-પીવા, કંઈ પણ વસ્તુ પકડવા, મૂકવા, બટન બંધ કરવા કે ચમચી પકડીને જમવા જેવાં કામો તે જાતે કરી શકવાની ક્ષમતા ડેવલપ કરે છે. હાથના, આંગળીની નાની-નાની મૂવમેન્ટ્સ જેમાં ફાઇન મોટર સ્કિલ્સની જરૂર પડતી હોય છે એ કામો કરવા માટે દરદીને ટ્રેઇન કરી શકાય છે.’

સ્પીચથેરપી

લકવાના દરદીઓમાં સૌથી ખરાબ હાલત એ દરદીની હોય છે જેમની લકવાને લીધે સ્પીચ અસર પામી હોય છે, કારણ કે એ લોકો કોઈ પણ વસ્તુ વ્યક્ત નથી કરી શકતી. કોઈની જોડે કમ્યુનિકેટ પણ નથી કરી શકતી. એથી આવા દરદીઓ ખૂબ જલદી ડિપ્રેશનમાં જતા રહે છે. આ માટે સ્પીચથેરપી ઉપયોગમાં લેવામાં આવે છે, જેની મદદથી એવો પ્રયાસ થાય છે કે વ્યક્તિને ફરી પહેલાંની જેમ બોલતી કરી શકાય.

મુશ્કેલીઓ અને જરૂરિયાત

સ્ટ્રોકના દરદીઓમાં ફિઝિયોથેરપી, ઑક્યુપેશનલ થેરપી, સ્પીચથેરપી જેવી જુદી-જુદી થેરપી વડે ઘણું ઇમ્પ્રૂવમેન્ટ લાવી શકાય છે. તેમને ફરી બેઠા કરી શકાય છે. તેમને ફરી પહેલાં જેવા કરવાનો પૂરો પ્રયત્ન ન્યુરો-રીહૅબમાં થતો હોય છે, પરંતુ દરેક સ્ટ્રોકનો દરદી લાંબા સમય સુધી ચાલતી આ થેરપીનો લાભ નથી લઈ શકતો, કારણ કે ઘણાં વર્ષો સુધી સતત ચાલતી આ થેરપી દરેક દરદીને પોસાતી નથી. બીજું એ કે આ થેરપીમાં ઘણી મહેનત લાગે છે અને ધીરજ જોઈએ છે જે સાઇકોલૉજિકલી હતાશ અને ફિઝિકલી થાકેલી વ્યક્તિઓ માટે મુશ્કેલ બની જતી હોય છે. આ બાબતે વાત કરતાં ડૉ. વિજયા બાસ્કર કહે છે, ‘સમજી શકાય છે કે ધારીએ એટલું સહેલું નથી આ, પરંતુ ઘણા લોકો છે જે સમજે છે કે આખું જીવન જો સ્વસ્થ રહેવું હશે તો તેમને આ થેરપીઝ ખાસ કરીને ફિઝિયો-એક્સરસાઇઝ કરતી રહેવી ખૂબ જ જરૂરી છે. મારી પાસે એક દરદી હતા જે છેલ્લાં ૨૩ વર્ષથી તેમના માટે જરૂરી ફિઝિયો-એક્સરસાઇઝ વગર ચૂકે કરે છે જે લકવાની અસરથી દૂર થયા પછી પણ વર્ષો સુધી આ એક્સરસાઇઝ છોડી નથી રહ્યા, કારણ કે તેમને ખબર છે કે આજે તે એક નૉર્મલ લાઇફ જીવી રહ્યા છે એનું કારણ આ એક્સરસાઇઝ જ છે.’