06 May, 2016 05:15 AM IST |
હેલ્થ-વેલ્થ - જિગીષા જૈન
આવતા રવિવારે વલ્ર્ડ ઓવેરિઅન કૅન્સર ડે છે. એ નિમિત્તે આપણે ગઈ કાલે ઓવેરિઅન કૅન્સર અને એના પ્રકારો વિશે વિસ્તૃતમાં જાણ્યું. આપણે એ પણ જોયું કે ઓવેરિઅન કૅન્સર એક સાઇલન્ટ કિલર છે, કારણ કે એનાં શરૂઆતી કોઈ લક્ષણો હોતાં જ નથી. માટે એ કૅન્સરને શરૂઆતના પહેલા-બીજા સ્ટેજમાં પકડવું અઘરું છે, પરંતુ એક લક્ષણ છે જે અનુસાર પેટની નીચેનો ભાગ સતત ભારે લાગે તો આ કૅન્સર હોઈ શકે છે. આજે આપણે આ કૅન્સરનાં બીજાં લક્ષણો, જરૂરી ટેસ્ટ અને એના ઇલાજ વિશે વિસ્તારથી જાણીશું.
લક્ષણો
ઓવેરિઅન કૅન્સરમાં આમ તો દરદીને જ્યાં સુધી કૅન્સર ત્રીજા-ચોથા સ્ટેજમાં ન પહોંચે ત્યાં સુધી કોઈ ખાસ લક્ષણો બહાર નથી આવતાં. કૅન્સર વધી ગયા પછી જે બહાર આવે છે એ લક્ષણો જણાવતાં ર્ફોટિસ હૉસ્પિટલ-મુલુંડના ઑન્કૉલૉજિસ્ટ ડૉ. અનિલ હેરૂર કહે છે, ‘આ કૅન્સરને કારણે દરદીનું પેટ ફૂલેલું રહે છે. ઘણા બીજા રોગોમાં પણ પેટ ફૂલી જઈ શકે છે, પરંતુ એ બધા રોગોમાં ક્યારેક ફૂલે અને ક્યારેક નહીં. જોકે આ કૅન્સરમાં પેટ હંમેશાં જ ફૂલેલું રહે છે. આ સિવાય પેટમાં નિશ્ચિત જગ્યાએ દુખાવો થાય, ખોરાક ઘટી જાય, ખાવામાં અરુચિ લાગે જેને કારણે વ્યક્તિનું વજન એકદમ જ ઘટી જાય. આવી સ્ત્રીઓના ખાસ હાથ-પગ દોરડી જેવા અને પેટ ગાગરડી જેવું દેખાતું હોય છે. આ સિવાય આમાંની કેટલી સ્ત્રીઓને જળોદર એટલે કે પેટમાં પાણી ભરાવાની સમસ્યા પણ થતી હોય છે. આ સિવાય ઘણી વખત યુરિન પાસ કરવા વારે-વારે જવું પડે અને હંમેશાં જ અર્જન્સી લાગે એટલે કે એવું લાગે કે જલદી જવું પડશે. આ સિવાય અમુક સંજોગોમાં કમરનો દુખાવો, પેટમાં ગરબડ કે સેક્સ દરમ્યાન પેઇનની તકલીફ પણ આવી શકે છે.’
કોને થઈ શકે?
આમ તો કોઈ પણ સ્ત્રીને આ રોગ થઈ શકે. ખાસ કરીને ૫૦ વર્ષથી ઉપરની સ્ત્રીઓમાં એટલે કે પોસ્ટ-મેનોપૉઝલ સ્ત્રીઓમાં જ આ રોગ વધુ જોવા મળે છે. આ સિવાય બીજા રિસ્ક-ફૅક્ટરની વાત કરતાં ડૉ. અનિલ હેરૂર કહે છે, ‘જે સ્ત્રીઓના ઘરમાં ખાસ કરીને મમ્મી, માસી, નાની કે
ફઈબા-દાદી કોઈ પણને આ રોગ થયો હોય તો વંશાનુગત એ જ જીન્સ તેનામાં આવ્યા હોય જેને લીધે તે આ રોગનો શિકાર થઈ શકે છે. આ ઉપરાંત જે સ્ત્રીઓને ક્યારેક બ્રેસ્ટ-કૅન્સર થયું છે તેમને ભવિષ્યમાં ઓવેરિઅન કૅન્સર થવાની શક્યતા રહેલી છે. આજકાલ એક જિનેટિક ટેસ્ટ આવે છે જે અનુસાર ખબર પડી શકે છે કે સ્ત્રીની અંદર BRCA-૧ અને BRCA-૨ નામના જીન્સ છે કે નહીં. જો એ હોય એનો અર્થ એ થયો કે આ સ્ત્રીઓને ભવિષ્યમાં ઓવેરિઅન કે બ્રેસ્ટ-કૅન્સર થઈ શકે છે. આ સિવાય અમુક રિસર્ચ મુજબ ઓબેસિટી પણ કૅન્સરપ્રેરક ઘટક છે.’
ટેસ્ટ
કોઈ પણ પ્રકારનાં લક્ષણો સામે આવે અને સ્ત્રી ડૉક્ટરને મળે ત્યારે તેની અમુક ટેસ્ટ કરવામાં આવે છે જેમાં પેટ અને પેલ્વિસની અલ્ટ્રાસાઉન્ડ સોનોગ્રાફી, CT સ્કૅન, MRI અને જરૂર લાગે તો ટ્રાન્સવજાઇનલ સોનોગ્રાફી પણ કરવામાં આવે છે. આ સિવાય એક બ્લડ-ટેસ્ટ છે જેનું નામ છે CA-૧૨૫. આ ટેસ્ટ કરાવવાથી ઘણું જ ચોક્કસ નિદાન કરી શકાય છે કે સ્ત્રીને ઓવેરિઅન કૅન્સર છે કે નહીં. આ સિવાય જો સ્ત્રીને પેટમાં પાણી ભરાતું હોય તો બાયોપ્સી કરવી પણ જરૂરી છે. ઓવેરિઅન કૅન્સરનું જલદી નિદાન શક્ય નથી બનતું, કારણ કે એનાં કોઈ ખાસ લક્ષણો સામે નથી આવતાં, પરંતુ એક બીજો પ્રૉબ્લેમ એ પણ છે કે પ્રિવેન્શન માટે એવી કોઈ ખાસ ટેસ્ટ છે નહીં જે સ્ત્રીઓ વર્ષે-બે વર્ષે કરાવીને જાણી શકે કે તેમને આ પ્રકારનો કોઈ પ્રૉબ્લેમ છે કે નહીં. એ વિશે સલાહ આપતાં ડૉ. અનિલ હેરૂર કહે છે, ‘ગાઇડલાઇન્સ એવું કહેતી નથી છતાં જો વ્યક્તિને પોસાતું હોય તો ૫૦ વર્ષની ઉંમર પછી સ્ત્રીએ દર વર્ષે એક વખત પેટ અને પેલ્વિસની સોનોગ્રાફી કરાવવી જોઈએ. આમ તો ટ્રાન્સવજાઇનલ સોનોગ્રાફી કરાવવી વધુ સારી. જોકે આ ટેસ્ટ પણ ૧૦૦ ટકા એવું ન કહી શકે કે સ્ત્રીને ઓવરિયન કૅન્સર છે કે નહીં, પરંતુ કેટલીક હદે એ ફાયદાકારક સાબિત થઈ શકે છે.’
ઓવેરિઅન સિસ્ટ
ઓવરીમાં ગાંઠ હોવી એ સ્ત્રીઓમાં જોવા મળતી અત્યંત સામાન્ય પરિસ્થિતિ છે. આવી ગાંઠો ઘણી સ્ત્રીઓમાં જોવા મળતી હોય છે. જો સ્ત્રી અલ્ટ્રાસાઉન્ડ કરાવે અને તેની ઓવરીમાં ગાંઠ દેખાય એ સમયે સમજવા જેવી બાબત એ છે કે દરેક ગાંઠ કૅન્સર નથી હોતી, પરંતુ એ કૅન્સરની ગાંઠ હોવાની જો ૨-૩ ટકા પણ શક્યતા હોય તો એને ગંભીરતાથી લેવી જ જોઈએ, કારણ કે એને અવગણવી ભારે પડી શકે છે. આ બાબતે સમજાવતાં ડૉ. અનિલ હેરૂર કહે છે, ‘મોટા ભાગે ઓવરીમાં દેખાતી ગાંઠ સામાન્ય જ હોય છે એટલે ઘણા ગાયનેક આવી ગાંઠોને અવગણી દેતા હોય છે ખાસ કરીને જ્યારે આ ગાંઠ કોઈ નુકસાન ન પહોંચાડતી હોય, પરંતુ આવું કરવું ભૂલભરેલું છે. આ ગાંઠ કૅન્સરની છે કે નહીં એ જાણવા માટે જરૂરી ચોક્કસ ટેસ્ટ કર્યા પછી જ નિશ્ચિત થઈ શકે, એ પહેલાં નહીં જ. આ ઉપરાંત જ્યારે સિસ્ટ હોય એટલે કે સામાન્ય ગાંઠ હોય ત્યારે ઓવરીને લેપ્રોસ્કોપિક સર્જરી દ્વારા કાઢવામાં આવે છે, પરંતુ જ્યારે કૅન્સર હોય ત્યારે આ સર્જરી કરીએ તો કૅન્સર ફેલાવાની પૂરી શક્યતા રહે છે. માટે જ્યારે ગાંઠને કારણે ઓવરી કાઢવાની હોય ત્યારે એ જાણી લેવું અત્યંત જરૂરી છે કે આ ગાંઠ સામાન્ય છે કે કૅન્સરની.’
ઇલાજ
બીજા કૅન્સરની જેમ આ કૅન્સરમાં પણ કીમોથેરપી અને સર્જરી બન્ને મુખ્ય ઇલાજમાં ગણી શકાય, પરંતુ એક ફરક એ છે કે ઓવેરિઅન કૅન્સર મોટા ભાગે ત્રીજા કે ચોથા સ્ટેજમાં જ સામે આવે છે માટે દરદીને પહેલાં કીમોથેરપી આપવી જરૂરી બને છે અને પછી સર્જરી કરવામાં આવે છે. આ સાથે ડૉ. અનિલ હેરૂર કહે છે, ‘આ સર્જરીમાં ઓછામાં ઓછું બન્ને ઓવરી, ફેલોપિયન ટ્યુબ્સ, ગર્ભાશય, એની સાથે જોડાયેલા લિમ્ફ નોટ્સ અને પેટમાં રહેલું ઓમેન્ટમ દૂર કરવામાં આવે જ છે. આ સિવાય બીજાં જે અંગ અસર પામ્યાં હોય એ ભાગને પણ દૂર કરવામાં આવે છે. આ સર્જરી ખૂબ જ પેચીદી હોઈ શકે છે, કારણ કે ઓવેરિઅન કૅન્સર એવું છે જે સીધું પેટના ગમે એ અંગમાં ચારે બાજુ ફેલાઈ શકે છે જેને લીધે લિવર, કિડની, આંતરડું અને ક્યારેક ફેફસાં પણ કૅન્સરગ્રસ્ત બની શકે છે. માટે જ એ રોગ ઘાતક છે; કારણ કે એ આખા શરીરમાં ખૂબ ઝડપથી ફેલાય શકે છે.’
બનાવ
મુંબઈની એક સ્ત્રીને તેના ગાયનેકૉલૉજિસ્ટે જણાવ્યું કે તેની ઓવરીમાં ગાંઠ છે, પરંતુ સાથે-સાથે તેણે એમ પણ કહ્યું કે ચિંતા ન કરો, એ સામાન્ય ગાંઠ છે. એકાદ વર્ષ એમ ને એમ પસાર થઈ ગયું. એના પછી કોઈ કારણોસર જ્યારે ફરીથી સોનોગ્રાફી કરાવી ત્યારે ખબર પડી કે આ ગાંઠ તો ઘણી વધારે મોટી થઈ ગઈ છે અને એ જોઈને જ્યારે બીજી જરૂરી ટેસ્ટ કરાવી ત્યારે ખબર પડી કે આ તો કૅન્સર જ છે. એ પણ ત્રીજા સ્ટેજનું. તાજેતરમાં જ તે સ્ત્રીની સર્જરી થઈ છે અને ઇલાજ ચાલુ છે, પરંતુ આ કૅન્સરની લડાઈમાં તે બચી શકશે કે નહીં એ કહી શકાય નહીં, કારણ કે એનું નિદાન મોડું થયું. જો પહેલી વાર ઓવરીમાં દેખાયેલી ગાંઠને અવગણવામાં આવી ન હોત તો શક્યતા હતી કે આ રોગનું નિદાન જલદી થયું હોત અને દરદીની રિકવરીની શક્યતા પણ વધી જાત.
હેલ્થ-ડિક્શનરી
રોજ અલગ-અલગ રંગનાં ફળો-શાકભાજી કેમ ખાવાં જોઈએ?
અમેરિકન કૅન્સર સોસાયટીના રેકમેન્ડેશન અનુસાર રોજ ત્રણથી પાંચ રંગનાં ફળો અને શાકભાજીનું સેવન કરવું જોઈએ. એનું કારણ છે વિવિધ રંગ ધરાવતાં ફાઇટોકેમિકલ્સની હાજરી. ગઈ કાલે આપણે ફાઇટોકેમિકલ્સ શું છે એ જોયું. આ કેમિકલ્સ એકલાં કશું જ નથી કરી શકતાં જો એની સાથે કૉમ્બિનેશનમાં જરૂરી વિટામિન્સ અને ખનિજ તkવોનો સાથ ન મળે તો. એટલે જ આખાં ફળો અને શાકભાજી કુદરતી ફૉર્મમાં ખાવામાં આવે એ જરૂરી છે.
બ્લુ અને પર્પલ રંગનાં ફળો જેમ કે બ્લુબેરીઝ, બ્લૅકબેરીઝ, પ્લમ, રીંગણ, પર્પલ કોબી જેવી ચીજોમાં ઍન્થોસાયાનિન્સ અને ફેનોલિક્સ તરીકે ઓળખાતાં ફાઇટોકેમિકલ્સ હોય છે જે મેમરી સુધારવામાં તેમ જ કૅન્સર અને યુરિનરી ટ્રૅક્ટના સ્વાસ્થ્યમાં મદદરૂપ છે.
કિવી, પેર, દ્રાક્ષ, ઍપલ, અવાકાડો, બ્રૉકલી, સેલરી જેવાં લીલા રંગનાં ફળો અને શાકભાજીમાં લ્યુટેન અને ઇન્ડોલ્સ નામનાં કેમિકલ્સ હોય છે જે સ્ટ્રૉન્ગ હાડકાં અને દાંત માટે સારાં છે.
કેળાં, લસણ, આદું, કોબી, સફેદ પીચ, બટાટા, મશરૂમ્સ જેવાં સફેદ રંગનાં ફળો અને શાકમાં ઍલિસિન નામનું કેમિકલ હોય છે જે હાર્ટ-હેલ્થ સુધારે છે.
એપ્રિકોટ, પીળાં કિવી, પપૈયાં, ઑરેન્જ, પીચ, કોળું, પીળાં ટમેટાં જેવાં ફળો અને શાકભાજી આંખ અને હાર્ટની હેલ્થ સુધારે છે.
લાલ સફરજન, ચેરીઝ, ક્રેનબેરીઝ, તરબૂચ, બ્લડ ઑરેન્જ, સ્ટ્રૉબેરી, રાસબેરી, બીટ, ટમેટાં, લાલ કૅપ્સિકમ જેવાં ફળો અને શાકભાજીમાં લાઇકોપેન અને ઍન્થોસાયાનિન પ્રકારનાં કેમિકલ્સ રહેલાં છે જે હાર્ટ, મેમરી અને યુરિનરી ટ્રૅક્ટની હેલ્થ સુધારે છે.
તમામ પ્રકારનાં ફાઇટોકેમિકલ્સ કૅન્સર અને ક્રોનિક રોગોથી રક્ષણ આપે છે.