21 March, 2012 06:42 AM IST |
મોટા ભાગે ઊંચાઈ વારસામાં પણ મળે છે એવી માન્યતા છે. એ ખોટી નથી, પરંતુ બાળપણમાં યોગ્ય શારીરિક પ્રવૃત્તિઓની આદત કેળવવાથી શરીરને વધુ હાઇટ માટે તૈયાર જરૂર કરી શકાય છે.
જો તમે ઇચ્છતા હો કે તમારું સંતાન પણ સરસ હાઇટ મેળવે તો અત્યારથી જ એ માટે કેટલીક તરકીબો અજમાવવાનું શરૂ કરી દો. ફિઝિકલ ઍક્ટિવિટી અને ડાયટ બન્ને બાબતે પૂરતી કાળજી રાખવામાં આવે તો તમે બાળકની બેથી પાંચ ઇંચ જેટલી હાઇટ ચોક્કસપણે વધારી શકો છો.
૧. લંગડી રમો
આ સૌથી સરળ કસરત છે ને એ તમે ગમે ત્યાં હો ત્યારે થઈ શકે છે. ટીવી જોતાં-જોતાં સ્પૉટ પર કે પછી એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય ત્યારે પણ ચાલીને જવાને બદલે તમે લંગડી કરીને જઈ શકો છો. સ્કૂલમાં રિસેસમાં પણ કરી શકાય અને ઘરની નીચેના કમ્પાઉન્ડમાં પણ. જો વધુ ફાયદો મેળવવો હોય તો બન્ને પગે વારાફરતી સરખા સમય માટે એક જ પગ પર કૂદકો મારો. સાથે હાથ ઊંચા આકાશ તરફ રાખો. એમ કરવાથી સ્ટ્રેચિંગ પણ થશે.
ફાયદો : બૉડી બાઉન્સિંગ ઍક્ટિવિટીથી બ્રેઇન ડેવલપમેન્ટ થાય છે. એનાથી પગના સ્નાયુઓ અને હાડકાં પણ મજબૂત થાય છે અને ગ્રોથ હૉમોર્ન્સનો સ્રાવ થાય છે.
૨. કૅટ સ્ટ્રેચ
એક બિલાડી આળસ ખાતી હોય ત્યારે જે આસનો કરે છે એ પ્રકારની મૂવમેન્ટ એટલે કૅટ સ્ટ્રેચ. ઘૂંટણિયે પડીને ચાર પગે બેસવું. હથેળી અને હાથને એ જ જગ્યા પર રાખીને પગ પર બેસવાની કોશિશ કરવી. એમ કરવાથી ખભા, હાથ અને કરોડરજ્જુ સ્ટ્રેચ થશે. બે-ચાર સેકન્ડ પછી મૂળ જગ્યા પર આવી જવું.
બીજી પોઝિશન છે કે જેમાં ચાર પગે બેસીને જસ્ટ ગરદનને જ આગળ-પાછળ સ્ટ્રેચ કરવાની છે. એમ કરવાથી કરોડરજ્જુ પર ખેંચાણ આવશે.
ત્રીજી પોઝિશનમાં તમે વારાફરતી એક-એક પગને ખેંચીને સીધો કરવાની કોશિશ કરો. પગ પછી એક-એક હાથ પણ આગળ સીધો કરીને બૉડીને બૅલેન્સ કરો.
ફાયદો : આ કસરતથી કરોડરજ્જુ સ્ટ્રેચ થાય છે. ખભા સ્ટ્રૉન્ગ થાય છે. પેટના સ્નાયુઓ પર સ્ટ્રેસ આવે છે અને જાંઘના સ્નાયુઓ મજબૂત થાય છે. એકસાથે ઘણાબધા અવયવોને કસરત મળતી હોવાથી બ્લડ સક્યુર્લેશન વધે છે.
૩. હૅન્ગ ઑન
મૂળ હાઇટ કરતાં થોડીક ઊંચી હાઇટ પર બાંધેલા સળિયા કે ઝાડની ડાળી પર લટકી જવું ને હાથ પર આખા શરીરનું વજન ઝીલીને હીંચકા ખાવા. પેટ અને જાંઘના સ્નાયુઓને એકદમ ટાઇટ કરવા. પગના અંગૂઠા જમીન તરફ ખેંચેલા રાખવા.
ફાયદો : આ કસરત ખભા અને હાથના મસલ્સ સ્ટ્રૉન્ગ કરે છે.
૪. અંગૂઠા પર ચાલવું
પગનાં આંગળાં અને પાની પર ચાલવું. સીધા ટટ્ટાર ઊભા રહેવું. બે હાથ ઊંચા કરીને ઉપરની તરફ ખેંચાયેલા રાખવા. હવે પગના પંજા પર ઊભા થઈને ચાલવું. એમ થવાથી સ્ટ્રેચિંગ થશે. થાક લાગે એટલે વચ્ચે આરામ લેવો. એ પછી પગની એડી જમીન પર અને પંજા જમીનથી અધ્ધર રહે એમ ઊભા રહો. હવે એડી પર પણ ઊભા રહીને ચાલો. આમ બન્ને રીતે જેટલું લાંબો સમય ચાલી શકાય એટલું ચાલો.
ફાયદો : તમામ બૉડીના મસલ્સ સ્ટ્રૅચ થતા હોવાથી કુદરતી રીતે હાઇટ વધે છે.
૫. જમ્પિંગ કે સ્કિપિંગ
બને એટલા લાંબા કૂદકા મારવા. ત્રણ-ચાર જણ ભેગા થઈને કોણ સૌથી લાંબો કૂદકો મારે છે એની કૉમ્પિટિશન થઈ શકે. લાંબા કૂદકા મારવાથી મસલ્સ સ્ટ્રેચ થાય છે. જ્યાં ઊભા છો ત્યાં જ બાળકો પાસે બને એટલા ઊંચા કૂદકા મરાવવા. દોરડા પણ કૂદી શકાય.
ફાયદો : જમ્પિંગ વાઇબ્રેશનથી ગ્રોથ હૉમોર્ન્સનો સ્રાવ થાય છે અને હાઇટ વધે છે.
ડાયટમાં શું કાળજી રાખવી?
શું લેવું? : દસ વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોએ દિવસમાં ચારથી પાંચ વાર અને એનાથી મોટી ઉંમરનાં બાળકોએ છથી સાત વાર થોડું-થોડું કંઈક ને કંઈક ખાતાં રહેવું.
ઓછામાં ઓછું દિવસમાં એક વાર પુષ્કળ પ્રોટીન મળે એવાં કઠોળ લેવાં. એક મુઠ્ઠી ફણગાવેલા મગ ચાવી-ચાવીને ખાવા એ પ્રોટીન મેળવવા માટે શ્રેષ્ઠ ઉપાય છે.
સોયામિલ્ક, એમાંથી દહીં અને પનીર બનાવીને એને વિવિધ વાનગીઓમાં વાપરવું. રોટલી/ભાખરીના લોટમાં પણ તમે સોયાબીન ઉમેરી શકો.
ગોળમાં બનાવેલી સિંગદાણા, દાળિયા, તલ, કોપરા અને ડ્રાયફ્રૂટ્સની ચિક્કી લઈ શકાય. દૂધ, દહીં અને છાશ પુષ્કળ પ્રમાણમાં લેવાં. બૉઇલ્ડ કૉર્નભેળ નાસ્તા માટે ઉત્તમ છે.
શું ન લેવું? : બ્રેડ અને મેંદાની, પ્રિઝર્વેટિવ્ઝવાળી ચીજો ન ખાવી. જેમાં વધુપડતી શુગર હોય છે એવી ચીજો એટલે કે આઇસ ટી, કૅન જૂસ, સોફ્ટ ડ્રિન્ક્સ ન લેવાં.