હાર્ટ-અટૅકનાં લક્ષણોને સમયસર ઓળખી લઈને અટૅકથી બચી શકાય છે

27 September, 2016 06:26 AM IST  | 

હાર્ટ-અટૅકનાં લક્ષણોને સમયસર ઓળખી લઈને અટૅકથી બચી શકાય છે




જિગીષા જૈન

વર્લ્ડ હાર્ટ ફેડરેશન મુજબ હાર્ટ-ડિસીઝ એ લોકોના મૃત્યુ માટેનાં કારણોમાં ઘણું જ આગળ પડતું છે. દર વર્ષે દુનિયાભરમાં ૧૭.૫ મિલ્યન લોકો હાર્ટ-ડિસીઝથી મૃત્યુ પામે છે. ૨૦૩૦ સુધીમાં આ આંકડો ૨૩ મિલ્યન સુધી પહોંચવાની તૈયારીમાં છે. કાર્ડિયોવૅસ્ક્યુલર ડિસીઝથી મૃત્યુ પામનારા લોકોમાં ૧/૩ લોકો ૭૦ વર્ષથી નાની ઉંમરના હોય છે. એટલે કે ઍવરેજ આયુષ્ય એ લોકો ભોગવી નથી શકતા અને વહેલા મૃત્યુ પામે છે. હાર્ટ સંબંધિત રોગોમાં કૉરોનરી આર્ટરી ડિસીઝ એક એવો રોગ છે જેનો વ્યાપ ઘણો વધતો જાય છે. ગયા વર્ષે બૃહન્મુંબઈ મહાનગરપાલિકાએ એક રાઇટ ટુ ઇન્ફર્મેશનની અરજીના પ્રતિભાવમાં માર્ચ-૨૦૧૪થી લઈને માર્ચ-૨૦૧૫ સુધીમાં મુંબઈમાં લોકોના મૃત્યુ માટે જવાબદાર પહેલાં પાંચ રોગો વિશેના આંકડા બહાર પાડ્યા હતા. આ ટૉપ ફાઇવ કિલર્સમાં સૌથી પહેલું નામ હાર્ટ-અટૅકનું છે. મુંબઈમાં દરરોજ ઍવરેજ ૮૦ લોકો હાર્ટ-અટૅકથી મૃત્યુ પામે છે. સૌથી મહત્વની વાત એ છે કે મુંબઈમાં છેલ્લાં ૧૫ વર્ષથી હાર્ટ-અટૅક મરણ માટેનું મુખ્ય કારણ રહ્યું છે. નિષ્ણાતોના મત મુજબ મુંબઈમાં જેમને હાર્ટ-અટૅક આવે છે એમાંની ૫૦ ટકા વ્યક્તિઓ અટૅક આવ્યા પછી હૉસ્પિટલમાં પહોંચે એ પહેલાં જ એમનું મૃત્યુ થઇ જાય છે અને ૫૦ ટકા વ્યક્તિઓ એવી છે જે સદ્ભાગ્યે હૉસ્પિટલમાં પહોંચે છે અને બચી જાય છે. સમયપર હૉસ્પિટલમાં પહોંચવા માટે સમયપર હાર્ટ-અટૅકનાં લક્ષણોને ઓળખવાં જરૂરી છે. સમય પર એને ઓળખી શકાય એ માટે પહેલેથી જાણકારી લઈ રાખો કે હાર્ટ-અટૅક આવે તો એનાં લક્ષણો શું હોઈ શકે છે. આજે આપણે જાણીશું અટૅકનાં લક્ષણો વિશે વિસ્તારથી.

૮૦ ટકા કેસમાં ચિહ્નો દેખાય 


મોટા ભાગના લોકો માને છે કે હાર્ટ-અટૅક અચાનક આવતી તકલીફ છે. કંઈ જ હોય નહીં અને એકદમ જ કંઈક તકલીફ આવી જાય એ જ હાર્ટ-અટૅક એવું માનનારા લોકો ઘણા છે, પરંતુ હકીકત એ નથી. ઘણાં જુદાં-જુદાં સંશોધનો દ્વારા મેડિકલ સાયન્સે તારવ્યું છે કે ૮૦ ટકા હાર્ટ-અટૅકનાં લક્ષણો અટૅક પહેલાંના ચાર અઠવાડિયાંથી લઈને અટૅકના એક કલાક પહેલાં સુધીમાં સામે આવી જાય છે. જરૂર છે એને ઓળખવાની. આ બાબત સાથે સહમત થતાં હેડ ઑફ રીહૅબ અને સ્પોટ્ર્સ મેડિસિન ડિપાર્ટમેન્ટ, સર એચ. એન. રિલાયન્સ ફાઉન્ડેશન હૉસ્પિટલના કાર્ડિયોલૉજિસ્ટ ડૉ. આશિષ કૉન્ટ્રૅક્ટર કહે છે, ‘હાર્ટ-અટૅક હંમેશાં અચાનક આવતી બીમારી તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ એ એટલી પણ અચાનક આવતી નથી. જે લોકોને ડાયાબિટીઝ છે તેમના માટે હાર્ટ-અટૅક પહેલાં કોઈ ખાસ લક્ષણો જોવા ન મળે એવું બને. બાકીના દરદીઓમાં એ દેખાય છે. જો એને સાચી રીતે ઓળખી કાઢવામાં આવે તો ઘણા ફાયદા થઈ શકે છે, પરંતુ દુખની વાત એ જ છે કે લોકો આ લક્ષણોને ઓળખી શકતા નથી અને સામાન્ય બીમારી સમજી એને અવગણી નાખવામાં આવે છે. આ વિશે દરેક વ્યક્તિએ થોડી જાગૃતિ કેળવવી જરૂરી છે. જો તમે તમારા શરીરને વ્યવસ્થિત જાણતા હો તો આ લક્ષણો ઓળખવાં સહેલાં છે.’

અઠવાડિયા પહેલાં


અટૅક આવવાનો હોય એના પહેલાંના અઠવાડિયે પણ અમુક પ્રકારનાં ચિહ્નો વ્યક્તિમાં જોવા મળી શકે છે. જરૂરી નથી કે બધી જ વ્યક્તિમાં આ ચિહ્નો જોવા મળે જ, પરંતુ ઘણા લોકોમાં આ ચિહ્નો જોવા મળે જ છે. જો આ ચિહ્નોને ઓળખી લો અને ડૉક્ટર પાસે પહોંચી જાઓ તો અટૅકથી બચવું શક્ય છે. આ ચિહ્નો વિશે વાત કરતાં એસ. એલ. રાહેજા ર્ફોટિસ હૉસ્પિટલ-માહિમના ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલૉજિસ્ટ ડૉ. હરેશ મહેતા કહે છે, ‘આ લક્ષણો મોટા ભાગે ક્ષણિક અથવા થોડી મિનિટો માટે જ દેખાય છે. એ સમય જતો રહે પછી પાછી વ્યક્તિ નૉર્મલ ફીલ કરે છે. માટે જ મોટા ભાગના લોકો એને અવગણી નાખતા હોય છે જે એક મોટી ભૂલ છે. આ સમયે અમુક લોકોને ચાલે કે પગથિયાં ચડે ત્યારે છાતીમાં ભીંસ આવતી હોય કે દુખાવો થતો હોય એમ લાગે અથવા છાતીમાં સામાન્ય એવી ડિસકમ્ફર્ટ જણાય. આ દુખાવો પીઠમાં પણ થઈ શકે છે. ખૂબ જ ઓછું ચાલ્યા હોય તો પણ એકદમ જ થાકી જવાય. કામ વધુ ન કર્યું હોય પણ થાક અતિશય લાગે. થોડોકઅમથો પરિશ્રમ કરો ત્યાં પરસેવો વળી જાય. અંદરથી સાઇકોલૉજિકલી એવું લાગે કે કાલે દુનિયા ખતમ થઈ જશે કે કશું ખૂબ જ ખરાબ થઈ જશે.’

શું કરવું?


જ્યારે તમને થોડાં પણ લક્ષણો શંકાસ્પદ લાગે ત્યારે કોઈ રિસ્ક ન લેવા સમજાવતાં વૉકહાર્ટ હૉસ્પિટલ-મુંબઈ સેન્ટ્રલના કાર્ડિયોલૉજિસ્ટ ડૉ. પ્રતીક સોની કહે છે, ‘પાંચ મિનિટથી વધારે છાતીમાં દુખે અને તમને લાગે કે આ ગૅસ નથી જ અટૅક જેવું કંઈ હોઈ શકે છે તો પહેલાં તો વ્યક્તિએ ડિસ્પિરિન, સૉર્બિટ્રેટ, ક્લૉપીડોગ્રિલ, સ્ટેટીનની એક-એક ગોળી લઈ જ લેવી અને તાત્કાલિક ઘરના લોકોને જાણ કરવી. કોઈ પણની મદદથી બને ત્યાં સુધી જાતે ડ્રાઇવ ન કરીને નજીકના દવાખાને તાબડતોબ પહોંચો અને જઈને ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ કઢાવી જ લેવો, જેના દ્વારા અટૅક હોય તો તરત ખબર પડે છે. ગોળીઓ લેવાથી ફાયદો એ છે કે હાર્ટને અટૅકથી થતું ડૅમેજ તરત જ ઓછું થઈ જાય છે. કદાચ કોઈ કારણોસર તમને હૉસ્પિટલમાં પહોંચવામાં મોડું થાય તો હાલત ગંભીર બનતી અટકાવે છે. વળી આ દવાઓ સેફ છે. હૉસ્પિટલમાં પહોંચીને જો તમને ખબર પડે કે અટૅક નથી તો પણ કોઈ પ્રૉબ્લેમ નથી.’

(આવતી કાલે આપણે જાણીશું હાર્ટના દરદીઓને બીજા કયા પ્રકારના રોગોનો ખતરો રહે છે.)

સ્પષ્ટ લક્ષણો


ડૉ. પ્રતીક સોની પાસેથી જાણીએ કેટલાંક ખાસ લક્ષણો જે સૂચવે છે કે તમને હાર્ટ-અટૅક આવશે અથવા તો આવી ચૂક્યો છે માટે આ ચિહ્નોને જરાપણ અવગણ્યા વગર તરત જ ઓળખીને ડૉક્ટર પાસે પહોંચી જવું જરૂરી છે. તમારી સમયસૂચકતા તમારી જિંદગીને બચાવી શકે છે.

૧. છાતીમાં દુખાવો મોટા ભાગે છાતીના મધ્યમાં થાય છે. ઘણી વખત દરદીને દુખાવો થતો નથી, પરંતુ તે છાતીમાં ટાઇટનેસ અનુભવે છે. જાણે કોઈ તેમને ભીંસી રહ્યું હોય, કોઈ પ્રકારનો છાતી પર ખૂબ ભાર અનુભવાય કે લાગે કે કોઈ ભારે દબાણ અનુભવાય તો આ પ્રકારનું છાતીનું ડિસકમ્ફર્ટ પણ હાર્ટ-પ્રૉબ્લેમનાં લક્ષણોમાં જ ગણાય.

૨. આ દુખાવો જુદા-જુદા સમયે થઈ શકે છે. ક્યારેક તમે ચાલો, પગથિયાં ચડો, ભાર ઉપાડો ત્યારે છાતીમાં અમુક પ્રકારનું પેઇન થાય જે આરામ કરવાથી જતું રહે તો એ પરિસ્થિતિને સ્ટેબલ એન્જાઇના કહે છે. આ સિવાય જો જમીને ચાલો ત્યારે છાતીમાં કે બગલમાં દુખાવો થાય અને પછી થોડી વારમાં એ દુખાવો પોતાની મેળે ઘટી જાય. આ પણ એક ખૂબ મહત્વનું લક્ષણ છે.

૩. ઘણી વાર લોકો છાતીમાં થતા દુખાવાને હાર્ટ સંબંધિત ન ગણતાં ગૅસ કે ઍસિડિટીને કારણે થતો દુખાવો સમજવાની ભૂલ કરી બેસતા હોય છે. આ બન્ને દુખાવા વચ્ચેનો મૂળ ફરક એ છે કે ગૅસથી જે દુખાવો થતો હોય એ કન્ડિશનમાં જો ચાલીએ તો ખૂબ સારું લાગે છે. જ્યારે દુખાવો હાર્ટ સંબંધિત હોય તો વ્યક્તિ ચાલે તો એને વધુ દુખાવો થાય અને ખૂબ થાક લાગે. આ મૂળભૂત તફાવતને સમજી લઈએ તો ગેરસમજથી બચી શકાય.

૪. જો તમે રેગ્યુલર બે કિલોમીટર વગર થાકે ચાલી શકતા હો અથવા ત્રણ માળ પગથિયાં દરરોજ ચડતા હો અને અચાનક એટલા જ અંતરમાં થાક લાગવા માંડે અથવા હાફ ચડવા માંડે.

૫. ઘણા લોકોને જડબું એકદમ પકડાઈ જાય કે દુખવા લાગે એવું બને. ફક્ત છાતી જ નહીં, પીઠમાં પણ દુખાવો શરૂ થઈ જાય છે. ઘણા લોકોને છાતી અને પીઠ બન્નેમાં સાથે દુખાવો થાય છે. આ સિવાય અચાનક વ્યક્તિ ખૂબ થાકી જાય કે એકદમ જ પરસેવો વળી જાય. શ્વાસ ચડે કે શ્વાસ ટૂંકો પડે અને વ્યક્તિ હાંફી જાય. માથું ભારે લાગવું, ચક્કર આવવાં, નબળાઈ લાગવી, બેચેની, ગભરામણ થવી.