મોઢામાં જ્યારે દુખાવો અને બળતરા થાય

22 June, 2017 06:09 AM IST  | 

મોઢામાં જ્યારે દુખાવો અને બળતરા થાય

જિગીષા જૈન

શરીરમાં અમુક એવા પ્રૉબ્લેમ્સ ઊભા થઈ જતા હોય છે કે આપણને સમજાતું નથી કે કેમ ઊભા થયા છે અને છતાં એ સતત હેરાન કરતા હોવાથી અસહ્ય બની જતા હોય છે. વળી આવા પ્રૉબ્લેમ માટે કયા ડૉક્ટરને બતાવવું એની પણ સ્પષ્ટતા આપણને ન હોય ત્યારે દરદી ખૂબ જ હેરાન થાય છે. અંધેરીમાં રહેતાં હિનાબહેન સાથે આવું જ થયું. તેમને સતત મોઢામાં બળતરા અનુભવાતી હતી. એમને લાગ્યું કે આ કંઈક પાચનને લગતી સમસ્યા છે એટલે અમુક જાતે વિચારીને આયુર્વેદિક દવાઓ ચાલુ કરી દીધી. તેમને લાગ્યું પિત્ત વધતું હશે. ઍસિડિટી આમ પણ રહે જ છે તો કદાચ એને લીધે મોઢામાં પણ દુખે છે અને બળતરા થાય છે. શરૂઆતમાં તકલીફ સહ્ય હતી, પરંતુ એને અસહ્ય બનતાં વાર ન લાગી. ફૅમિલી-ડૉક્ટરને બતાવ્યું, પેટના ડૉક્ટરને બતાવ્યું; પરંતુ ફાયદો થયો નહીં. અંતે કોઈએ સલાહ આપી કે મોઢામાં બળતરાની તકલીફ માટે ડેન્ટિસ્ટની મદદ લેવી પડે. પછી એ ડેન્ટિસ્ટ પાસે ગયા અને ઇલાજ ચાલુ કર્યો. એ હકીકત છે કે અમુક રોગો જ એવા હોય છે જે મૂંઝવી નાખે કે આ રોગ માટે કયા નિષ્ણાત પાસે જવું યોગ્ય ગણાય. આજે જાણીએ હિનાબહેનને થયેલા બર્નિંગ માઉથ સિન્ડ્રૉમ વિશે.

લક્ષણો


એક આંકડા મુજબ ભારતમાં દર ૧૦૦૦ વ્યક્તિએ એક વ્યક્તિ આ રોગનો ભોગ બને છે, પરંતુ જરૂરી નથી કે દરેક વ્યક્તિ એનો ઇલાજ કરાવતી હોય. જેને માઇલ્ડ લક્ષણો છે એ વ્યક્તિ સહન કર્યા કરતી હોય છે. આ રોગ શું છે? એ પ્રશ્નનો જવાબ આપતાં ફોર્ટિસ હૉસ્પિટલ, વાશીના ડેન્ટિસ્ટ ડૉ. અજય માથુર કહે છે, ‘આ રોગને એનાં લક્ષણો દ્વારા ઓળખી શકાય છે. આ રોગમાં મોઢામાં એટલે કે જીભમાં, હોઠ ઉપર કે તાળવામાં દુખાવો કે બળતરા થતી હોય છે. દુખાવા સિવાય ક્યાંક એવું પણ બને કે જીભ પર સેન્સેશન આવે, એ ભાગ ખોટો પડી ગયો હોય એમ લાગે, સ્વાદમાં તફાવત લાગે, સ્વાદની અનુભૂતિ જુદી રીતે થઈ હોય એમ લાગે કે પછી મોઢું એકદમ સૂÊકું થઈ ગયું હોય એમ લાગે. આ ઉપરાંત એવું પણ જોવા મળ્યું છે કે આ રોગનાં લક્ષણો કે તકલીફ મોટા ભાગે સવારે ઠીકઠાક હોય, દિવસ ચડતાં એ વધે અને પછી સાંજ પડતાં એ ઓછી થઈ જતી હોય છે.’

કારણ

આ પ્રકારનાં કોઈ પણ લક્ષણો દેખાય તો દરદીએ ડેન્ટિસ્ટને મળવું જોઈએ. મહત્વનું એ છે કે આ લક્ષણો દ્વારા જ નિદાન થઈ શકે છે. એવી કોઈ ટેસ્ટ નથી જેના દ્વારા આ રોગનું નિદાન થઈ શકે. પરંતુ આ રોગ પાછળનાં કારણો શું છે એ જણાવતાં ડૉ. અજય માથુર કહે છે, ‘આ રોગ પાછળ એક નહીં, હંમેશાં એકથી વધુ પ્રકારનાં કારણો જવાબદાર હોય છે. આ રોગ પાછળનાં કારણોમાં ગૅસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ એટલે કે પાચન સંબંધિત, યુરોજિનાઇટલ, સાઇકિયાટ્રિક, મગજને સંબંધિત, મેટાબોલિક ડિસઑર્ડર સંબંધિત, પોષણની કમી, ખોટી સાઇઝનાં ચોકઠાં અથવા કોઈ ખાસ દવાઓ પણ હોઈ શકે છે. તમાકુ અને દારૂ પણ આ રોગનાં મહત્વનાં કારણ છે. કયા દરદીને કયાં કારણોસર આ થયું છે એ ચકાસવું પડે છે અને એ રીતે એનો ઇલાજ કરવો પડે છે.’

પ્રકાર

આ રોગ મુખ્યત્વે બે પ્રકારના જોવા મળે છે. આ રોગના પ્રકાર સમજાવતાં લીલાવતી હૉસ્પિટલ અને રિસર્ચ સેન્ટર તથા વન્ડરસ્માઇલ ક્લિનિક, અંધેરીના ઑર્થોડોન્ટિસ્ટ ડૉ. રાજેશ કામદાર કહે છે, ‘એક તો પ્રાઇમરી બર્નિંગ માઉથ સિન્ડ્રૉમ છે, જેમાં આ રોગનું કારણ બીજો કોઈ રોગ હોતો નથી; પરંતુ આ રોગ પોતે જ આપોઆપ સામે આવે છે. બીજો પ્રકાર છે સેકન્ડરી બર્નિંગ માઉથ સિન્ડ્રૉમ એટલે કે કોઈ બીજી તકલીફને કારણે આ પ્રકારનાં ચિહ્નો જોવા મળી રહ્યાં છે. આ કેસમાં જરૂરી છે કે એ બાબતે તપાસ કરવી કે આ રોગ સેકન્ડરી છે કે પ્રાઇમરી. જો પ્રાઇમરી હોય તો લક્ષણોને આધારે ઇલાજ કરી શકાય. જો સેકન્ડરી હોય તો પહેલાં એ તકલીફ મટાડવી જરૂરી છે, જેને લીધે આ પ્રૉબ્લેમ શરૂ થયો છે.’

લાળગ્રંથિ


આ રોગ થવા પાછળ લાળગ્રંથિ પર થતી અસર ખૂબ મહત્વની છે એ વાત સમજાવતાં ડૉ. રાજેશ કામદાર કહે છે, ‘આપણા મોઢામાં આવેલી લાળગ્રંથિ પર અસર થાય એટલે લાળ ઝરવાનું ઓછું થાય, જેને લીધે મોઢું સૂÊકું થાય છે. આ પરિસ્થિતિ લાંબો સમય રહે તો બર્નિંગ માઉથ સિન્ડ્રૉમમાં પરિણમતી હોય છે. લાળગ્રંથિ પર અસર શા કારણે થઈ એ દર વખતે આપણે જાણી શકતા નથી, પરંતુ અસર થઈ છે એ ખબર પડે એટલે ઇલાજમાં આપણે લાળને વધારવાના ઉપાય કરીને આ રોગને અને એનાં લક્ષણોને કાબૂમાં લાવી શકીએ છીએ. ખાસ કરીને હાલમાં આવતી લાળ વધારવાની ગોળીઓ ઘણી અસરકારક સાબિત થાય છે. આ સિવાય મોઢું સતત ભીનું રહે એવા પ્રયાસો પણ મદદરૂપ થાય છે, જેમ કે અમે દરદીને કહીએ છીએ કે તેમને માફક આવે તો તે બરફ ચૂસી શકે છે. વારંવાર પાણી પીવું કે મોઢું સાફ પણ કરી શકો છો.’

ઇલાજમાં ઉપયોગી

બર્નિંગ માઉથ સિન્ડ્રૉમ જો તમને હોય તો તમારે તમાકુ અને દારૂથી દૂર રહેવું અનિવાર્ય છે, નહીંતર તકલીફ વધી શકે છે. આ સિવાય ખાટી કે આથાવાળી એટલે કે શરીરમાં ઍસિડ જન્માવે એવી વસ્તુઓ પણ ન ખાવી. આવા નાના-નાના ફેરફારો પણ ઘણા ઉપયોગી સાબિત થઈ શકે છે. સ્ટ્રેસ આ રોગનું કારણ હોઈ શકે છે. સ્ટ્રેસ તમને અમુક પ્રકારના બિહેવ્યરલ ફેરફારો કરાવડાવે છે. આ બાબતે ડૉ. અજય માથુર કહે છે, ‘એવું પણ બને કે આવા દરદીઓને માનસિક પ્રૉબ્લેમ હોવાને કારણે આ તકલીફ ઊભી થઈ હોય. આવી પરિસ્થિતિમાં તેમનો માનસિક ઇલાજ પણ જરૂરી છે; જેમાં નિષ્ણાતની મદદ લઈને બિહેવ્યરલ થેરપી, રિલૅક્સેશન કે પછી ક્યારેક કોઈ કેસમાં ઍન્ટિડિપ્રેસન્ટ મેડિસિનની પણ જરૂર પડી શકે છે.’

રોગનું કારણ બીજી તકલીફો

કઈ બીજી તકલીફોને કારણે બર્નિંગ માઉથ સિન્ડ્રૉમ આવી શકે છે એ જાણીએ ડૉ. રાજેશ કામદાર પાસેથી.

૧. મોટા ભાગે જોવા મળ્યું છે કે રેડિયેશન થેરપી લેતા દરદીઓમાં આ પ્રકારની તકલીફ વધુ જોવા મળે છે. એનું કારણ એ છે કે રેડિયેશનને કારણે લાળગ્રંથિ પર અસર થાય છે અને લાળ ઓછી ઝરે તો મોઢું સૂÊકું થઈ જવાને કારણે આ રોગ ધીમે-ધીમે ડેવલપ થાય છે.

૨. મોટા ભાગના શાકાહારી લોકોને વિટામિન B૧૨ની ઊણપ હોય છે અથવા ઝિન્ક કે ફોલિક ઍસિડનું પ્રમાણ ઘટી જાય છે. તો આવા લોકોને પણ આ તકલીફ ઉદ્ભવી શકે છે. આવા કેસમાં એ ઊણપ સપ્લિમેન્ટ્સ એટલે કે ગોળીઓ દ્વારા પૂરી કરીને દરદીને રાહત આપી શકાય છે.

૩. શરીરમાં અમુક પ્રકારનાં ઇન્ફેક્શન થઈ ગયાં હોય અને એની અસર સ્વરૂપે આવું થયું હોય એમ પણ બનતું હોય છે, જે કેસ-હિસ્ટરી જાણ્યા પછી જ સમજાય છે.

૪. હાઇપરટેન્શન એટલે કે હાઈ બ્લડ-પ્રેશરની અમુક દવાઓ પણ લાળગ્રંથિ પર અસર કરે છે, જેને કારણે આ રોગ થઈ શકે છે. આવા સંજોગોમાં અમે એ દવા બદલી કાઢીએ છીએ, જેથી પરિણામ મળતું હોય છે.

૫. ઉંમરને કારણે પણ લાળગ્રંથિ પર અસર થાય અને એને કારણે આ તકલીફ ઊભી થઈ શકે છે, જેમાં ખાસ ઉપાય હોતો નથી. પરંતુ લક્ષણો સંબંધિત દવાઓ ચોક્કસ આપી શકાય છે.

૬. ડાયાબિટીઝ કે થાઇરૉઇડને કારણે આવી અસર થઈ હોય તો પહેલાં આ રોગોને કાબૂમાં લાવવા જરૂરી છે. પછી જ આ પરિસ્થિતિ દૂર કરી શકાય.