તમારા મેટાબોલિઝમને હાનિ પહોંચાડતો અને બીમારીઓને આવકારતો ખોરાક એટલે વિરુદ્ધ આહાર

16 August, 2016 04:59 AM IST  | 

તમારા મેટાબોલિઝમને હાનિ પહોંચાડતો અને બીમારીઓને આવકારતો ખોરાક એટલે વિરુદ્ધ આહાર


DEMO PIC


જિગીષા જૈન

વ્યક્તિ જો પોતાનો ખોરાક યોગ્ય રાખે તો એની નીરોગી રહેવાની શક્યતા ઘણી વધી જાય, પરંતુ ખોરાકની યોગ્યતા માપવી કઈ રીતે? આ યક્ષ પ્રશ્નનો જવાબ આયુર્વેદ પાસેથી મળી શકે છે. જ્યારે બે કે એથી વધુ પદાર્થોના જુદા-જુદા ટેસ્ટ, એમની તાસીર અને એમની શક્તિ મળે ત્યારે જઠરની અગ્નિમાં વધારો થાય, આખી પાચન સિસ્ટમ ડિસ્ટર્બ થાય અને પાચનના અંતે પોષક તત્વોની સાથે-સાથે ટૉક્સિન્સ ઉત્પન્ન થાય છે. એવું નથી હોતું કે ખોરાક જ ખરાબ હોય, પરંતુ એવું બને છે કે એને જે ખોરાકની સાથે ખાવામાં આવે છે કે પછી જે સંજોગોમાં ખાવામાં આવે છે એ ખોટા હોય. જો યોગ્ય પદ્ધતિથી ખાવામાં આવે તો એ નુકસાન કરતા નથી, ઊલટું જઠરાગ્નિને પ્રજ્વલિત કરે છે, પાચન પ્રક્રિયાને બળ આપે છે અને ઝેરી ટૉક્સિનને દૂર કરે છે. જે ખોટી રીતે એકબીજા સાથે ભળે છે એ ખોરાકને આયુર્વેદમાં વિરુદ્ધ આહાર કહેવામાં આવે છે. ફક્ત બે પ્રકારના આહાર જ નહીં પરિસ્થિતિ અને આહાર, તાસીર અને આહાર, ઉપચાર અને આહાર, સમય અને આહાર પણ એકબીજાની વિરુદ્ધ હોઈ શકે છે. જેમ કે સવારે ઊઠીને આપણે થાળી ભરીને જમી શકતા નથી એ જ રીતે ૩-૪ દિવસના ઉપવાસ પછી જ્યારે ખાવાનું શરૂ કરીએ ત્યારે અત્યંત પૌષ્ટિક હોવા છતાં સીધો બદામનો હલવો ખાઈ શકતા નથી. આયુર્વેદ મુજબ વિરુદ્ધ આહાર ગ્રહણ કરવાથી જાત-ભાતની ઍલર્જી‍ થઈ શકે છે. લાંબા ગાળાની પાચનશક્તિમાં તકલીફ થઈ શકે છે. સ્કિનને લગતા રોગો, ઇન્ફર્ટિલિટી, એપિલેપ્સી, સાઇકોસોમૅટિક ડિસઑર્ડર જેવા જાત-ભાતના રોગો થવાની શક્યતા રહે છે. વિરુદ્ધ આહારને કારણે શરીરનું મેટાબોલિઝમ ગરબડ થાય છે અને એ ગરબડ થવાને કારણે જ રોગોને આમંત્રણ મળે છે. આ વિરુદ્ધ આહારના આયુર્વેદમાં ૧૮ પ્રકાર છે. આજે આયુર્વેદ નિષ્ણાત ડૉ. સંજય છાજેડ પાસેથી સમજીએ આ પ્રકારો વિશે વિસ્તારથી.

દેશ વિરુદ્ધ


ભારતમાં દરેક પ્રાંતનું ભોજન અલગ-અલગ છે. એ ચોક્કસ ભોજન એ પ્રદેશની આબોહવાને અનુકૂળ આવે એ રીતે નક્કી કરવામાં આવે છે. જેમ કે રાજસ્થાન એક શુષ્ક પ્રદેશ છે એટલે ત્યાંના લોકો પોતાના ભોજનમાં ઘીનો પ્રયોગ વધુ કરે છે. હવે જો ત્યાંના લોકો આ ઘી ખાવાનું બંધ કરી દે તો એને દેશ વિરુદ્ધ કહેવાય છે. એ જ રીતે સાઉથ ઇન્ડિયન લોકો દરરોજ આથાવાળી વસ્તુ એટલે કે ઇડલી કે ઢોસા ખાય છે, કારણ કે તેમના પ્રદેશને એ અનુકૂળ છે. એ જ વસ્તુ દરરોજ મહારાષ્ટ્રના લોકો ખાવા લાગે તો તકલીફદાયક બની શકે છે. આમ તમે જ્યાં રહેતા હો એ પ્રદેશથી વિરુદ્ધનું ભોજન તમારા માટે યોગ્ય ગણાતું નથી.

કાળ વિરુદ્ધ

કાળ એટલે સમય કે સીઝન. ઠંડી હોય ત્યારે ઠંડા અને સૂકા પદાર્થો અને ગરમી હોય ત્યારે ગરમ, તીખા અને મસાલેદાર પદાર્થો ખાવા એ વિરુદ્ધ આહાર છે. આ ઉપરાંત કાળ વિરુદ્ધમાં એ પણ સમજવાનું છે કે કુદરત આ સમયે જે આપણને આપતી હોય એનું જ સેવન કરવાનું. મુંબઈ જેવા શહેરમાં કશું જ સીઝનલ નથી હોતું. બારે માસ બધું જ મળે છે, પરંતુ દરેક વસ્તુનું સેવન બારે માસ ન કરાય. જેમ કે રીંગણ ગરમીમાં ન ખવાય, તરબૂચ વરસાદમાં ન ખવાય, કેરી શિયાળામાં ન ખવાય, ગાજર ચોમાસામાં ન ખવાય, ચેરી કે સ્ટ્રૉબેરી ગરમીમાં ન ખવાય. ખાસ કરીને શાકભાજી અને ફળોમાં આ ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. આ સિવાય ધાન્યમાં પણ એવું જ છે. બાજરો અને મકાઈ ગરમીમાં નહીં ઠંડીમાં ખવાય, જુવાર ઠંડીમાં નહીં ગરમીમાં ખવાય. કુદરત જે ઋતુમાં આપણને પાક આપે છે એ પાકને એ જ ઋતુમાં ખવાય. જો બીજી ઋતુમાં ખાઈએ તો એ વિરુદ્ધ આહાર થયો.

અગ્નિ વિરુદ્ધ

અગ્નિ એટલે આપણા શરીરનો પાચકરસ. પાચન જ્યારે નબળું હોય ત્યારે હેવી ખાઓ અને પાચન એકદમ સ્ટ્રૉન્ગ હોય ત્યારે હળવું ખાઓ એ બન્ને વસ્તુ વિરુદ્ધ આહારમાં જ ગણાય છે. જ્યારે આપણે બીમારીમાંથી ઊઠીએ છીએ ત્યારે કોઈ આપણને મગની દાળનો શીરો ખાવા નથી આપતું, ખીચડી જ આપે છે. જ્યારે આપણે મસ્ત એક્સરસાઇઝ કરીને કે બે કલાક ક્રિકેટ રમીને ઘરે આવ્યા હોઈએ ત્યારે કોઈ આપણને સૂપ અને સૅલડ આપી દે ખાવા માટે તો આપણું શું થાય? પાચકરસ ખૂબ ઍક્ટિવ છે એવું ત્યારે ખબર પડે જ્યારે તમને કકડીને ભૂખ લાગી હોય. પાચકરસ મંદ છે એ ત્યારે ખબર પડે કે જ્યારે વ્યક્તિને ભૂખ ઓછી લાગે કે લાગે જ નહીં. આ વિરુદ્ધ આહારમાં એ પણ સમજવું કે માણસ સવારે ઊઠે ત્યારે એનો પાચકરસ ખૂબ જ ઍક્ટિવ હોય છે માટે ત્યારે વધુ ખાવું અને રાત્રે એ મંદ હોય છે એટલે ઓછું ખાવું. જ્યારે સવારે કોઈ નાસ્તો કરતું નથી અને રાત્રે ભરપેટ થાળી જમે છે ત્યારે એ વિરુદ્ધ આહાર છે.

માત્રા વિરુદ્ધ

જે લોકો રસોઈ બનાવે છે એને ખબર છે કે કોઈ પણ વાનગીમાં માત્રા કેટલી મહત્વની હોય છે. આયુર્વેદ અનુસાર ઘી અને મધ બન્નેની માત્રા એકસરખી લઈને ક્યારેય ગ્રહણ કરાય નહીં. માત્રા વિરુદ્ધ આહારમાં આ એક જ ઉદાહરણ શાસ્ત્રોમાં નક્કી કરવામાં આવ્યું છે. એના સિવાય બીજા કોઈ પદાર્થ માત્રા વિરુદ્ધ આહારની અંદર આવતા નથી.

સાત્મ્ય વિરુદ્ધ

સાત્મ્ય વિરુદ્ધ એટલે વર્ષોથી જે આદત પડી હોય વ્યક્તિને ખોરાકની એ આદતની વિરુદ્ધનો ખોરાક. જેમ કે જે વ્યક્તિને તીખું ખાવાની બિલકુલ આદત ન હોય એને આપણે જબરદસ્ત તીખું ભોજન કરાવીએ તો એની હાલત ખરાબ થઈ જાય છે. એ હાલત આપણને દેખાય છે એટલે આપણે સમજીએ છીએ કે એ હેલ્થવિરોધી છે, પરંતુ જે વ્યક્તિ ખૂબ જ ગરમ અને તીખું ખાવા ટેવાયેલી હોય એ ઠંડો અને મીઠો ખોરાક ખાય તો પણ એના માટે એ વિરુદ્ધ આહાર બની જશે.  

દોષ વિરુદ્ધ

આયુર્વેદ અનુસાર દરેક માણસની એક પ્રકૃતિ હોય છે. જેમ કે કફ, પિત્ત અને વાત. આ ત્રણેય પ્રકૃતિમાંથી કોઈ એક કે પછી પ્રકૃતિઓનું કૉમ્બિનેશન વ્યક્તિને લાગુ પડતું હોય છે. એ પ્રકૃતિ મુજબનો જ ખોરાક એ વ્યક્તિએ લેવો જોઈએ. એના ચોક્કસ નિયમો છે. જો કફ પ્રકૃતિના લોકો હોય તેમણે કફવર્ધક વસ્તુઓ ખવાય નહીં. એ નિયમો વિરુદ્ધ જે ખોરાક લે એ દોષ વિરુદ્ધ ખોરાક કહેવાય છે. આ માટે વ્યક્તિએ આયુર્વેદના જાણકાર પાસે જઈ પોતાની પ્રકૃતિ જાણી લેવી અને એ મુજબ એ શું ખાઈ શકે અને શું ન ખાવું જોઈએ એ બાબતનું નાડી પરીક્ષણ કરાવી લેવું જોઈએ.

સંસ્કાર વિરુદ્ધ

સંસ્કાર એટલે જેમ વ્યક્તિને સંસ્કારિત કરવામાં આવે છે એમ અન્નને પણ પકવીને સંસ્કારિત કરવામાં આવે છે. જેમાં અન્નનું પકવવું, શેકવું, તળવું, એનો વઘાર વગેરે દરેક બાબતનો સમાવેશ થાય છે. ઘણી વખત વઘારમાં રાઈ બરાબર કકડે નહીં કે તેલ ગરમ જ ન થયું હોય તો એવી નાની ભૂલો પણ ખોરાકને વિરુદ્ધ આહાર બનાવી દે છે. પહેલાંના લોકો એટલા માટે જ ખોરાક બાબતે ખૂબ જ ચોકસાઈ રાખતા. વઘાર થાય અને એની સુગંધ પરથી જણાવી દેતા કે આજનો વઘાર એટલે કે અન્નનો સંસ્કાર બરાબર થયો છે કે નહીં.

(આ હતા વિરુદ્ધ આહારના સાત પ્રકાર. આવતી કાલે જોઈએ વિરુદ્ધ આહારના બીજા ૧૧ પ્રકારો વિશે.)