કેવી રીતે ને ક્યારે ખાશો તરબૂચ

10 May, 2012 07:04 AM IST  | 

કેવી રીતે ને ક્યારે ખાશો તરબૂચ

સેજલ પટેલ

એક સમય હતો જ્યારે તરબૂચ એટલે લાલચટક ગરવાળું ફળ ગણાતું, પણ હવે વિદેશી હાઇબ્રિડ તરબૂચ લીલા, પીળા, ઑરેન્જ રંગનાં પણ આવવા લાગ્યાં છે. અલબત્ત, એ બધાંમાં વધુ વિટામિન્સ અને મિનરલ્સ હોવાનો દાવો પણ થતો આવ્યો છે. આવાં વિદેશી વૉટરમેલન્સ મોટા અને મોંઘા સ્ટોર્સમાં જ મળે છે. આ રંગબેરંગી તરબૂચમાં લાયકોપેન નામનું રંજકદ્રવ્ય, વિટામિન ‘બી-૬’, ‘સી’ અને ‘એ’ નૉર્મલ તરબૂચ કરતાં વધુ માત્રામાં હોવાનો દાવો થયો છે.

ઉનાળાની સીઝન છે ત્યારે બપોરના સમયે ફ્રૂટ-ડિશમાં તરબૂચનો સમાવેશ કરવો બેસ્ટ ગણાય છે. ઠંડકની સાથે શરીરને જરૂરી પોટૅશિયમ અને સોડિયમ જેવાં મિનરલ્સ પણ એમાંથી મળી રહે છે એ એનો બેવડો ફાયદો છે. સામાન્ય રીતે ગરમીમાં પરસેવો થાય એટલે શરીરમાંથી આ મિનરલ્સ પરસેવા વાટે નીકળી જતાં એની કમી થઈ જાય છે. એની સરભર તરબૂચથી થઈ શકે છે. જોકે એનો મતલબ એ નથી કે ગરમીમાં તમે ગમે ત્યારે તરબૂચ ખાઓ. ક્યારે અને કેવી રીતે ખાવાથી બેસ્ટ ફાયદા મળે એ જાણવા માટે પહેલાં એના ગુણધમોર્ જાણવા જરૂરી છે.

ગુણધર્મો

આયુર્વેદના મતે તરબૂચ સ્વભાવે ઠંડું અને શીતળ છે. એ પિત્ત ઘટાડે છે, કફ કરે છે અને બળતરા મટાડે છે. એ રેચક છે અને મળ બાંધે છે. તરબૂચ કાચું હોય તો પિત્ત કરે છે અને ગરમ પડે છે. પાકું તરબૂચ પિત્ત શમાવે છે, કફ કરે છે અને ઠંડું છે.

ન્યુટ્રિશનની દૃષ્ટિએ જોઈએ તો કાપેલા તરબૂચના ૧૦૦ ગ્રામ ટુકડામાં ૩૦ કૅલરી હોય છે, ૦.૧૫ ગ્રામ એટલે કે ઑલમોસ્ટ ઝીરો ફૅટ હોય છે અને ૯૨ ગ્રામ પાણી હોય છે. ૬.૨૦ ગ્રામ શુગર, ૭.૫૫ ગ્રામ કાબોર્હાઇડ્રેટ અને ૦.૬૧ ગ્રામ પ્રોટીન હોય છે. ઉત્તમ માત્રામાં વિટામિન સી (૯.૬ મિલીગ્રામ) અને કૅલ્શિયમ (૮ મિલીગ્રામ) હોય છે. ગરમીમાં શરીરમાંથી વહી જતાં મિનરલ્સ પોટૅશિયમ ૧૧૬ મિલીગ્રામ અને સોડિયમ ૩ મિલીગ્રામ જેટલાં હોય છે.

૯૦ ટકા મૉઇસ્ચર ધરાવતું હોવાથી ગરમીમાંથી આવીને તરબૂચ ખાવાથી ગળામાં શોષ પડતો અટકે છે. તરબૂચમાં પોટૅશિયમ અને મૅગ્નેશિયમ વધુ માત્રામાં છે, પરંતુ સોડિયમ ખૂબ નહીંવત્ પ્રમાણમાં છે. આને કારણે બ્લડપ્રેશર વધતું અટકે છે. તરબૂચ શરીરનું ઓવરઑલ ટેમ્પરેચર ઘટાડવામાં કામ આવે છે.

તરબૂચ કઈ-કઈ રીતે ખવાય?

કચુંબર : બપોરના ભોજનમાં કાંદા અને તરબૂચનું કચુંબર બેસ્ટ રહે. શરીરને રીહાઇડ્રેટ કરવામાં તરબૂચ અને આકરા લુખ્ખા તાપની લૂથી બચાવવામાં કાંદાથી મદદ થાય છે. ૨૦૦ ગ્રામ તરબૂચના ખૂબ ઝીણા નહીં અને ખૂબ મોટા નહીં એવા ટુકડા કરો. એમાં નાના કદના એક કાંદાની ઊભી પાતળી ચીરીઓ સમારો. એના પર સ્વાદ અનુસાર સિંધાલૂણ, જીરું

અને કાળાં મરી ભભરાવીને સૅલડ તરીકે ખાવું. કાંદા અને તરબૂચ ગરમીની સીઝનમાં બેસ્ટ ગણાય છે.

જૂસ પણ ચાલે : આ એક જ ફળ એવું છે જેનો જૂસ હોય કે ટુકડા ખાસ ફરક નથી પડતો. અલબત્ત, ઘણા લોકો તરબૂચને ક્રશ કરીને એનો ગર ગાળીને પાતળો જૂસ બનાવે છે, એ ઠીક નથી. આખા ટુકડાને ક્રશ કરવાથી જે ગાઢો પલ્પ નીકળે એને જ જૂસની જેમ પીવો. કાળાં મરી અને ચપટીક નમક નાખીને લેવાથી એ વધુ સુપાચ્ય બને છે.

ક્યારે ખવાય, ક્યારે નહીં?

બપોરે બેસ્ટ : જમ્યા પહેલાં કે જમ્યા પછી ફ્રૂટડિશ તરીકે લઈ શકાય. બપોરે ચાર-પાંચ વાગ્યાના સ્નૅક્સના સમયમાં પણ આ બેસ્ટ ઑપ્શન છે. એનાં બી ગરમ પડે છે એટલે બી ખાવાં યોગ્ય નથી.

સાંજ પછી નહીં : તરબૂચના ગુણ અનુસાર સાંજ પછી ખાવાથી એ વધુ કફ કરે છે. ઘણા લોકોને રાતના જમ્યા પછી સૂતાં પહેલાં ભૂખ લાગે ત્યારે તરચૂબ ખાવાની આદત હોય છે, જે ખોટી છે. જો સાંજના છ-સાત વાગ્યા પછી ખાવાથી કફ થાય છે. ગરમીના દિવસોમાં પણ સાંજ ઢળ્યાં પછી વાતાવરણમાં ઠંડક થઈ જાય છે. વળી, સાંજનો સમય પણ કફકારક ગણાય છે. એવા સમયે શીતળ ચીજ લેવાથી શરીરમાં કફ ગુણ વધે છે. ધારો કે સાંજે ખાવું જ હોય તો નમક અને કાળાં મરી છાંટીને જ લેવું. એ પણ રોજિંદી આદત બનાવીને નહીં.