23 July, 2015 05:29 AM IST |
જિગીષા જૈન
આજ સુધી આપણે માનતા આવ્યા છીએ કે જે પદાર્થ કુદરતી છે - જેમ કે ફળ કે શાકભાજી - એ સૌથી હેલ્ધી છે. કોઈ પણ શાકભાજી કે ફળને આપણે અનહેલ્ધી માનતા નથી. નારિયેળ પણ એક પ્રકારનું ફળ છે અને એને આજ સુધી આપણે બધા અત્યંત પોષણ આપનારું માનતા આવ્યા છીએ. કોઈ માણસ માંદો હોય તો તેને બીજું કંઈ આપીએ કે ન આપીએ, નારિયેળનું પાણી ચોક્કસ આપીએ છીએ. આપણા દેશમાં ત્રણ તરફ સમુદ્ર છે અને એક તરફ જમીન આવેલી છે એટલે નારિયેળ અહીં ભરપૂર ઊગે છે. એટલે સુધી કે અડધાથી વધારે દેશવાસીઓ નારિયેળનો ઉપયોગ પોતાના રોજબરોજના જીવનમાં કરે જ છે. આપણે આપણા ભગવાનને પણ શ્રીફળ વધેરીને પૂજીએ છીએ. નારિયેળને એટલું પવિત્ર માનવામાં આવ્યું છે કે કોઈ પણ પૂજામાં એનો સમાવેશ થાય જ છે. પ્રસાદ તરીકે છપ્પનભોગ ભલે હોય, પરંતુ શ્રીફળનું પોતાનું એક સ્થાન છે. આ નારિયેળ પર આજકાલ ઘણા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. પહેલાંના સમયમાં આપણી ડાયટ ટ્રેડિશનલ હતી. આજના સમયમાં એ ફૅશન કે ટ્રેન્ડ-આધારિત બનતી જાય છે. આજકાલ ઘણા લોકો ડાયટિશ્યનને કન્સલ્ટ કરતા હોય છે અને મોટા ભાગના આધુનિક ડાયટિશ્યન ટોપરું ખાવાની ના પાડે છે. ખાસ કરીને જો તમે વેઇટલૉસ પ્રોગ્રામ અંતર્ગત જોડાયા હો તો ટોપરું તો શું, લીલા નારિયેળની મલાઈ ખાવાની પણ સદંતર ના પાડવામાં આવે છે. નારિયેળ ખાવાની મનાઈ શા માટે કરવામાં આવે છે, એની પાછળ કયાં કારણો જવાબદાર છે, કોણ એ ખાઈ શકે અને કોણ ન ખાઈ શકે વગેરે પ્રશ્નોના જવાબ આજે આપણે મેળવીશું.
નારિયેળપાણી
નારિયેળ અત્યંત ગુણકારી ફળ છે એ વાતને કોઈ અવગણી શકે નહીં. એનો ઉપયોગ જુદી-જુદી રીતે થાય છે જેમાં સૌથી વધુ ગુણકારી નારિયેળનું પાણી છે. જોકે આ પાણી સૂર્યાસ્ત પછી પીવાનું ટાળવું જોઈએ. દિવસના સમયે આ પાણી વધુ ગુણકારી છે. નારિયેળપાણી વિશે વાત કરતાં જુહુની ક્રિટિકૅર હૉસ્પિટલનાં ડાયટિશ્યન યોગિતા ગોરડિયા કહે છે, ‘નારિયેળના પાણીમાં ઇલેક્ટ્રોલાઇટ્સ ભરપૂર માત્રામાં રહેલાં છે જે શરીરને પૂરતું હાઇડ્રેટ રાખે છે. વળી આ પાણી ઘણાં જરૂરી મિનરલ્સ શરીરને પૂરાં પડે છે જે શરીરના હલનચલન અને મગજની કામગીરી માટે અત્યંત આવશ્યક હોય છે. કોઈ પણ માંદી વ્યક્તિને નારિયેળનું પાણી આપવામાં આવે છે, કારણ કે એમાં મિનરલ્સનો ખજાનો છે જે શરીરને જરૂરી તાકાત પૂરી પાડે છે. ગરમીમાં ખૂબ પરસેવો વળતો હોય ત્યારે, વર્ક-આઉટ કર્યા પછી, વૉકિંગ પછી નારિયેળપાણી પીવું અત્યંત ગુણકારી છે. પ્રેગ્નન્સીમાં, બાળકને સ્તનપાન કરાવતી વખતે, નાનાં બાળકોના ગ્રોથ-યર્સમાં નારિયેળપાણી અત્યંત ઉપયોગી સાબિત થાય છે. જોકે જે લોકોને બ્લડ-પ્રેશર કે કિડનીની તકલીફ હોય તેમણે આ પાણી પીવાનું ટાળવું જોઈએ.’
ટોપરું
આજકાલના ડાયટિશ્યન ટોપરું ખાવાની કે ટોપરાની ચટણી ખાવાની ના પાડે છે એની પાછળ ટોપરામાં રહેલી કૅલરી અને ફૅટ્સ જવાબદાર છે. ઘણા લોકો માને છે કે આ ફૅટ્સ સારી છે અને ઘણા કહે છે કે આ સૅચુરેટેડ ફૅટ્સ છે જે શરીરને અત્યંત નુકસાન કરે છે. આ બાબતે હજી કોઈ ઠોસ તારણ સામે આવતું નથી જેનાથી ૧૦૦ ટકા કહી શકાય કે ટોપરામાં રહેલી ફૅટ્સ સારી જ છે કે ખરાબ. પોતાનો અનુભવ વર્ણવતાં મલાડનાં ડાયટિશ્યન પ્રિયા ખન્ના કહે છે, ‘ટોપરું ખાવાની સલાહ હું મારા દરદીઓને નથી આપતી. ખાસ કરીને જે લોકો કૉલેસ્ટરોલ ધરાવે છે, ઓબીસ છે તેમને જ્યારે હું ટોપરું બંધ કરવાનું કહું છું ત્યારે તેમના રિપોર્ટ્સમાં ઘણા યોગ્ય ઇચ્છિત ફેરફારો જોવા મળે છે. આમ ટોપરું ન ખાવાથી કૉલેસ્ટરોલ અને ફૅટ્સના પ્રૉબ્લેમમાં ચોક્કસ રાહત જણાય છે.’
અડધાથી વધારે લોકો હિન્દુસ્તાનમાં દરરોજ ખોરાકમાં ટોપરું વાપરે છે તો બધાને કેમ કૉલેસ્ટરોલ કે ફૅટ્સનો પ્રૉબ્લેમ થતો નથી? ટ્રેડિશનલ સાઉથ ઇન્ડિયન ફૂડમાં અને તટવર્તી રાજ્યોની ખાસ રેસિપીમાં નારિયેળનું તેલ, એનું દૂધ, ખમણેલું લીલું કે સૂકું ટોપરું વાપરવામાં આવે જ છે. આ બાબતે પ્રકાશ પાડતાં યોગિતા ગોરડિયા કહે છે, ‘અમુક જગ્યાનું ફૂડ એ જગ્યાના લોકોને સદતું હોય છે. તેમનો બાંધો એવો હોય છે કે આ ખોરાક તેમના માટે સંપૂર્ણ બની જતો હોય છે. જોકે બધા માટે એક જ થિયરી લાગુ ન પડી શકે. તમે ક્યાંના છો, કેટલી મહેનત કરો છો, તમારું રૂટીન શું છે, તમને કયા રોગ છે એ બધા પર તમારી ડાયટ નક્કી થઈ શકે. એક માટે જે વસ્તુ સારી એ બીજા માટે ખરાબ પણ હોઈ શકે છે.
ટોપરા માટે કહી શકાય કે જે વ્યક્તિને બૅલૅન્સ બનાવીને ખાતાં આવડે છે તે ટોપરું ખાઈ શકે છે. જેમ કે ઇડલી બાફેલી હોય અને સાંભાર ઓછા તેલનો હોય તો ચોક્કસ એની જોડે નારિયેળની ચટણી ખાઈ શકાય, પરંતુ બટરમાં લથબથતા ઢોસા સાથે નારિયેળની ચટણી ન ખાવી વધુ સારી.’
નારિયેળના પ્રકાર
લીલા નારિયેળના ત્રણ પ્રકાર બજારમાં મળે છે. તમે બજારમાં જાઓ એટલે નારિયેળ માગો તો તરત જ નારિયેળવાળો તમને પૂછશે કે કેવું નારિયેળ આપું? પાણીવાળું, પાણી અને મલાઈવાળું કે ફક્ત મલાઈવાળું? ઘણા લોકો સ્પેસિફિક જવાબ આપે છે તો ઘણા લોકો કહે છે તારે જે આપવું હોય એ આપી દે. આ ત્રણેય પ્રકારમાં ઘણો ફરક છે અને ત્રણેય પ્રકાર દરેક વ્યક્તિ માટે યોગ્ય નથી હોતા. આયુર્વેદ-નિષ્ણાત ડૉ. રવિ કોઠારી પાસેથી જાણીએ કયું નારિયેળ કોના માટે યોગ્ય છે.
પાણીવાળું : લગભગ દરેક ઉંમરની વ્યક્તિ નારિયેળનું પાણી પી શકે છે, કારણ કે એ ગુણકારી છે. આમાં ધ્યાનમાં રાખવા જેવી બાબત એ છે કે નારિયેળપાણી સારું છે એમ માનીને ત્રણ-ચાર નારિયેળ પી જવાં બિલકુલ યોગ્ય નથી. એ અંતે નુકસાન કરે છે.
પાણી અને મલાઈવાળું : આ પ્રકારના નારિયેળનું પાણી દૂબળા લોકો પી શકે છે, કારણ કે મલાઈમાં ભરપૂર પોષણ છે. એ એક પ્રકારની ફૅટ છે જે દૂબળા લોકોને પોષણ આપે છે. જાડા લોકોએ આ પ્રકારના નારિયેળનું પાણી પસંદ કરવું નહીં. જે લોકો પોતાની હેલ્થ મેઇન્ટેઇન રાખવા માગે છે તેમના માટે પણ પાણીવાળું નારિયેળ જ બેસ્ટ છે, મલાઈવાળું નહીં.
ફક્ત મલાઈવાળું : લગભગ ટોપરું બની ગયું હોય એવું લીલું નારિયેળ પણ ઘણા લોકોને ભાવતું હોય છે. જો તમે ઓબેસિટી, બ્લડ-પ્રેશર, કૉલેસ્ટરોલ કે હાર્ટ-ડિસીઝના દરદી હો તો આ પ્રકારનું નારિયેળ પસંદ ન જ કરાય. આ નારિયેળ એ લોકો ખાઈ શકે છે જે ખૂબ મહેનત કરે છે. શારીરિક શ્રમ જેમના જીવનમાં ઘણો વધારે છે એવા લોકો આ મલાઈ પચાવી શકે છે.