સ્મોકિંગથી થતા નુકસાનનું પ્રમાણ પુરુષો કરતાં સ્ત્રીઓમાં વધુ હોય છે

09 March, 2016 05:30 AM IST  | 

સ્મોકિંગથી થતા નુકસાનનું પ્રમાણ પુરુષો કરતાં સ્ત્રીઓમાં વધુ હોય છે

DEMO PIC



હેલ્થ-વેલ્થ -  જિગીષા જૈન


જ્યારે તમે બહાર નીકળો છો અને કોઈ પાનના ગલ્લે કે થિયેટરના સ્મોકિંગ ઝોનમાં સિગારેટ પીતી સ્ત્રીને જુઓ છો ત્યારે તમે શું અનુભવો છો? કેટલાક રૂઢિચુસ્ત લોકો કહેશે આને કોઈ લાજ-શરમ છે કે નહીં અને ઘણા મૉડર્ન લોકો કહેશે આ નૉર્મલ થઈ ગયું છે આજકાલ. પુરુષસમોવડી બનતી સ્ત્રીઓ આજકાલ સિગારેટ પીતી થઈ ગઈ છે એવું પણ કોઈ નિવેદન કરી શકે છે. હકીકત એ છે કે આપણે ત્યાં ગામડાંઓમાં સ્ત્રીઓ વર્ષોથી બીડી પીવાની આદત ધરાવે છે. એવી સ્ત્રીઓ જેમને ખબર નથી કે બીડી પીવાથી તેમની હેલ્થને નુકસાન થાય છે તે સ્ત્રીઓ બીડીના રવાડે ચડે તો આપણે સમજી પણ શકીએ, પરંતુ ભણેલી-ગણેલી અને કામકાજી સ્ત્રીઓ જ્યારે આ પ્રકારની આદત ધરાવતી હોય ત્યારે આપણને દુ:ખ જરૂર થવું જોઈએ. આ બાબતે કોઈ એવી દલીલ કરે કે ભણેલા-ગણેલા પુરુષો પણ સિગારેટ પીએ છે. હકીકત છે કે એ પણ શરમજનક છે, પરંતુ સ્ત્રીઓ માટે વધુ દુ:ખ થાય છે; કારણ કે સિગારેટ પીવાથી પુરુષોની સરખામણીમાં સ્ત્રીના શરીરને વધુ નુકસાન થાય છે. ઇન્ટરનૅશનલ વિમેન્સ ડે અંતર્ગત આપણે છેલ્લા બે દિવસથી વિમેન્સ હેલ્થ એટલે કે સ્ત્રીના સ્વાસ્થ્ય પર વાત કરી રહ્યા છીએ ત્યારે આજે સ્ત્રીઓમાં વધતું જઈ રહેલું સ્મોકિંગ અને એની અસર પર વાત કરીશું. એની સાથે-સાથે સ્મોકિંગને કારણે સ્ત્રીઓ પર વધતા કૅન્સરના રિસ્ક અને સ્ત્રીઓના જુદા-જુદા કૅન્સરથી બચવાના ઉપાયો પણ જોઈશું.

સ્ત્રીઓમાં વધતુ પ્રમાણ

આજથી ૩૦-૪૦ વર્ષ પહેલાં ભણેલી-ગણેલી સ્ત્રીઓમાં સ્મોકિંગનું પ્રમાણ આજ જેટલું નહોતું એ એક હકીકત છે. આંકડાઓ મુજબ ભારતમાં ૧૯૮૦માં ૫૩ લાખ સ્ત્રીઓ સ્મોકિંગ કરતી હતી અને છેલ્લા ૨૦૧૨ના આંકડાઓ મુજબ સવા કરોડ સ્ત્રીઓ સ્મોકિંગ કરે છે.

૨૦૧૨-’૧૩માં સ્મોકિંગનું પ્રમાણ ભારતમાં ઘટ્યું હતું. વાર્ષિક ૧૦ બિલ્યન સિગારેટનું સેવન ઘટ્યું હતું એમ આંકડાઓ કહે છે. આમ સ્મોકિંગનું પ્રમાણ સરેરાશ ઘટ્યું છે, પરંતુ સ્ત્રીઓમાં સ્મોકિંગનું પ્રમાણ ઘણું વધ્યું છે અને વધતું જ જાય છે. સ્ત્રીઓમાં વધી રહેલું સ્મોકિંગનું પ્રમાણ ચિંતાજનક શા માટે છે એ વાત કરતાં ફોર્ટિસ હીરાનંદાની હૉસ્પિટલ, વાશીનાં ગાયનેકોલૉજિસ્ટ ડૉ. બંદિતા સિંહા કહે છે, ‘પુરુષો સ્મોકિંગ કરે છે એટલે આપણે પણ કરી શકીએ આ વિચાર જ ખોટો છે. સ્મોકિંગ એક ખરાબ આદત છે અને એ કોઈએ જ ન અપનાવવી જોઈએ, પછી તે પુરુષ હોય કે સ્ત્રી. જો સરખામણી કરવી જ હોય તો કહી શકાય કે પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓનું શરીર નાજુક હોય છે. આપણું મેટાબોલિઝમ જુદું હોય છે. પુરુષને એક દિવસમાં ૩૦૦૦ કિલો કૅલરીની જરૂર રહે છે અને સ્ત્રીને ૧૮૦૦ કિલો કૅલરીની. સ્ત્રીઓનું વજન, તેમની રોગપ્રતિકારક શક્તિ, તેમની શારીરિક રચના પુરુષો કરતાં ઘણી જુદી છે અને એટલે જ તેને વધુ કૅરની જરૂર રહે છે. આમ જો એક સ્ત્રી અને પુરુષ બન્ને દિવસની ૧૦ સિગારેટ પીએ તો નુકસાનનું પ્રમાણ સ્ત્રીમાં વધુ જ હોવાનું.’

નુકસાન

ઘણી યુવાન સ્ત્રીઓ માનતી હોય છે કે સ્મોકિંગ તે પ્રેગ્નન્ટ હોય ત્યારે તેના અને તેના બાળક માટે નુકસાનકારક બને છે એટલે તેઓ વિચારે છે કે ત્યારે સ્મોકિંગ છોડી દેશે તો ચાલશે. હકીકત એ છે કે સ્મોકિંગ અને ઇન્ફર્ટિલિટીને સીધો સંબંધ છે. આ વાત કરતાં ડૉ. બંદિતા સિંહા કહે છે, ‘આવી સ્ત્રીઓ જો પ્રેગ્નન્ટ બની પણ ગઈ તો આદત હોવાને કારણે સરળતાથી સ્મોકિંગ છોડી શકતી નથી. પ્રેગ્નન્સીમાં સ્મોકિંગને કારણે મિસકૅરેજ, મેન્ટલી રિટાર્ડેડ બાળક, પ્રી-ટર્મ ડિલિવરી, મરેલું બાળક જન્મવા જેવાં ઘણાં રિસ્ક રહે છે. આ ઉપરાંત બર્થ કન્ટ્રોલ પિલ્સ અને સ્મોકિંગ બન્નેનું કૉમ્બિનેશન ઘણું ઘાતક પુરવાર થઈ શકે છે. જે સ્ત્રીઓ આ ગોળીઓ લે છે અને સ્મોકિંગ પણ કરે છે તેમના પર હાર્ટ-અટૅકનું રિસ્ક ૪૦ ગણું વધી જાય છે. આ કૉમ્બિનેશન નાની ઉંમરે સ્ત્રીઓને મૃત્યુ સુધી દોરી જઈ શકે છે. ખાસ કરીને જે સ્ત્રીઓ આ ગોળીઓ લેતી હોય તેમણે સ્મોકિંગ ન જ કરવું જોઈએ.’

કૅન્સરનું રિસ્ક

સ્મોકિંગ કરતી સ્ત્રીઓમાં કૅન્સરનું રિસ્ક ઘણું વધારે રહે છે. સ્ત્રીઓમાં બ્રેસ્ટ-કૅન્સરનું પ્રમાણ સૌથી વધુ છે અને બીજા નંબરે મોઢાનું કૅન્સર આવે છે જે થવા પાછળ સ્મોકિંગ અને તમાકુની આદત મુખ્ય કારણ હોઈ શકે છે. જે સ્ત્રીઓ હેલ્ધી લાઇફ-સ્ટાઇલ સાથે જીવે અને આલ્કોહૉલ, સ્મોકિંગ અને તમાકુની આદતથી દૂર રહે છે તેમના પર કૅન્સરનું રિસ્ક ઘણું ઓછું રહે છે. સ્ત્રીઓના કૅન્સરમાં બ્રેસ્ટ-કૅન્સર, સર્વાઇકલ કૅન્સર અને ઓવૅરિયન કૅન્સરનો સમાવેશ થાય છે. બ્રેસ્ટ-કૅન્સર અને સર્વાઇકલ કૅન્સરમાં જલદી નિદાન શક્ય છે, પરંતુ ઓવૅરિયન કૅન્સરમાં એવું થતું નથી. આથી જ ઓવૅરિયન કૅન્સરને કારણે મૃત્યુ પામતી સ્ત્રીઓનું પ્રમાણ ખૂબ વધારે છે. જાણીએ કઈ રીતે સ્ત્રીઓ જાગ્રત બનીને બ્રેસ્ટ-કૅન્સર અને સર્વાઇકલ કૅન્સરથી બચી શકે છે.

બ્રેસ્ટ-કૅન્સર

બ્રેસ્ટ-કૅન્સરને ઓળખવા માટે ત્રણ રીત મહત્વની છે. એમાં સેલ્ફ-એક્ઝામિનેશન, ક્લિનિકલ ચેકઅપ અને મૅમોગ્રાફી આ ત્રણ વસ્તુ આવે છે. આ વિશે જણાવતાં ફોર્ટિસ હૉસ્પિટલ, મુલુંડના હેડ ઑફ સર્જિકલ ઑન્કૉલૉજી ડૉ. અનિલ હેરુર કહે છે, ‘સેલ્ફ-એક્ઝામિનેશનમાં સ્ત્રી પોતે બ્રેસ્ટને ટેસ્ટ કરી શકે છે અને જો શંકા લાગે તો ક્લિનિકલ ચેકઅપમાં બ્રેસ્ટ-એક્સપર્ટ પાસે કરાવી શકે છે. આ ચેકઅપ રેગ્યુલર ચેકઅપની જેમ પચીસ વર્ષની ઉંમર પછી દર ત્રણ વર્ષે અને ૩૫ વર્ષની ઉંમર પછી દર વર્ષે કરાવવું જરૂરી છે. એને લીધે બ્રેસ્ટ-કૅન્સરને શરૂઆતની પ્રક્રિયામાં જ પકડી શકાય અને સમયસર ઇલાજ શરૂ કરી શકાય. આ સિવાય જ્યાં સુધી મૅમોગ્રાફીનો સવાલ છે, ãકલનિકલ ચેકઅપમાં જરૂર લાગે ત્યારે આ ટેસ્ટ કરાવવામાં આવે છે જે લગભગ ૯૦ ટકા કૅન્સરની ગાંઠને ઓળખી શકે છે. ૫૦ વર્ષની ઉંમરથી લઈને ૬૫ વર્ષની ઉંમર સુધી સ્ત્રીએ દર વર્ષે મૅમોગ્રાફી કરાવવી જ જોઈએ, કારણ કે આ એ ઉંમર છે જ્યારે બ્રેસ્ટ-કૅન્સર થવાનું રિસ્ક સૌથી વધુ રહે છે.’

સર્વાઇકલ કૅન્સર

૯૦ ટકા સર્વાઇકલ કૅન્સર હ્યુમન પૅપિલોમાવાઇરસને કારણે થતો રોગ છે અને આ વાઇરસ પર કાબૂ મેળવવા માટે રસીકરણ ઉપયોગી છે. આ વિશે હોલી સ્પિરિટ હૉસ્પિટલ, અંધેરીનાં કન્સલ્ટન્ટ મેડિકલ ઑન્કૉલૉજિસ્ટ ડૉ. નિર્મલ રાઉત કહે છે, ‘આ રસી સ્ત્રીને ૮-૧૮ વર્ષની અંદર લગાવવી જોઈએ. ખાસ કરીને સેક્સ્યુઅલી ઍક્ટિવ થાય એ પહેલાં જ તેને આ રસી આપવી જરૂરી છે. આ રસીના ત્રણ ડોઝ હોય છે જે એક વખત આપ્યા બાદ એક મહિને અને પછી ફરી છ મહિના બાદ આપવામાં આવે છે. તમામ છોકરીઓએ આ રસી લેવી જ જોઈએ. બાળકો આ બાબતે જાગરૂક ન હોય તો મમ્મી-પપ્પાએ સમજીને રસી અપાવડાવવી જોઈએ. જે સ્ત્રીઓએ રસી લીધી નથી તેમણે પૅપ-સ્મીઅર નામની એક ટેસ્ટ છે જેનાથી ગર્ભાશયના મુખ પાસે જે કોષો રહેલા છે એ કોષોમાં કોઈ ખામી આવેલી હોય તો એ જાણી શકાય છે. આથી ૨૫-૩૦ વર્ષની ઉંમર દરમ્યાન દર વર્ષે અને ૩૦-૪૫ દરમ્યાન દર ત્રણ વર્ષે એક વાર આ ટેસ્ટ કરાવવી જોઈએ.’