10 April, 2012 06:20 AM IST |
ઉનાળાના ચાર મહિના ગરમીને કારણે નાનાં બાળકોમાં ઝાડા, ઊલટીનું પ્રમાણ ખૂબ વધી જાય છે. મુંબઈ જેવા ભેજ સાથેની ગરમીવાળા શહેરમાં તો પેશાબમાં ઇન્ફેક્શન અને અછબડાનું પ્રમાણ પણ વધે છે. આપણને લાગે છે કે ડાયેરિયા જ સ્તો છે, પણ એ બાળકનો જીવ પણ લઈ શકે છે. ખાસ કરીને બે-ત્રણ વર્ષથી નાનાં બાળકોમાં આ કાળજી રાખવી ખૂબ જરૂરી છે. ગૅસ્ટ્રો અને ડિસેન્ટ્રી જેવી તકલીફો મોટા ભાગે તો વાઇરસથી થાય છે, પણ કોઈ વખત બૅક્ટેરિયા જેવાં જંતુ પણ આ કરી શકે. વાઇરલ ઇન્ફેક્શન હોવાથી કોઈ દવા અસર નથી કરતી, પરંતુ માત્ર શરીરમાંથી પોષકતત્વો સાવ ઓછાં ન થઈ જાય એની કાળજી રાખવી જરૂરી બની જાય છે.
રોગનાં લક્ષણો
મરડો : નાનાં બાળકોને ઝાડા, ઊલટીની તકલીફ વધારે હેરાન કરે છે. જો ઝાડામાં પરુ કે લોહી જાય તો એને મરડો કહેવાય. મરડો એટલે ડિસેન્ટ્રી. જાણે કે નળમાંથી પાણી છૂટ્યું એટલા બધા જુલાબ થાય. પેટમાં પણ ચૂંક આવીને ખૂબ દુ:ખે.
ગૅસ્ટ્રો : આ થાય ત્યારે ખૂબ જ ઊલટીઓ થાય અને ઝાડા એકદમ પાણી જેવા થાય. ઊલટી તો એટલી બધી થાય કે દવા શું, કંઈ પણ પીવડાવો તો બાળક બહાર કાઢી નાખે. ઊલટી શરૂઆતમાં ૧૨થી ૨૪ કલાક રહે. ઊલટીને કારણે બાળકની ભૂખ સાવ જ મરી જાય. તેને કંઈ પણ ખાવાનું કે પીવાનું ન ગમે. જ્યારે બીજી બાજુ કંઈ પણ ખાધા-પીધા વગર પાણી જેવા ઝાડા છૂટી જતા હોવાથી શરીરમાં ખૂબ જ અશક્તિ આવી જાય. ઝાડા પીળા કે લીલા રંગના અને એકદમ પાણી જેવા હોય. ક્યારેક તાવ પણ આવે.
નિવારણ ઉકાળેલું પાણી
આ સીઝનમાં બાળકોને ડાયેરિયા, મરડો, ઊલટી, ગૅસ્ટ્રો કે પેટની આવી બીમારીઓથી બચાવવું હોય તો આ સીઝન દરમ્યાન પાણીની ચોખ્ખાઈ બાબતે વિશેષ કાળજી રાખવી. પાણીનું પ્રદૂષણ બારે મહિના હોવાથી પાણીને ઉકાળીને પીવું એ જ સલાહભર્યું છે. પાણીને ઉકાળીને પિવડાવવાનો અર્થ ગરમ પાણી પિવડાવવું એવો નથી. પાણીને રાતે સૂતાં પહેલાં ૨૦ મિનિટ ઉકાળી લેવું. પછી એને આખી રાત ઠંડું થવા દઈને સવારે માટલામાં મૂકીને પીવડાવી શકાય. આ સીઝનમાં બાળકને પૂરતું પાણી પિવડાવવું જરૂરી છે, નહીંતર પિત્ત વધી જવાને કારણે પણ ડાયેરિયા થઈ શકે છે.
ઓરલ રીહાઇડ્રેશન સૉલ્યુશન
જ્યારે પણ કોઈ પણ કારણસર બાળકને ઝાડા અને ઊલટી થવા લાગે ત્યારે સૌથી પહેલું કામ ડીહાઇડ્રેશન અટકાવવાનું કરવું જરૂરી છે. એ માટે ઓરલ રીહાઇડ્રેશન સૉલ્યુશન આપવું.
ખાંડ-મીઠાનું આ મિશ્ર પાણી વિશ્વ આરોગ્ય સંસ્થા (હૂ) દ્વારા ઓઆરએસના નામે જાણીતું છે. ઓઆરએસ પાઉડરનું એક નાનું પૅકેટ (૮ ઔંસ) એક ગ્લાસ પાણીમાં નાખવું. આ પાણી થોડા-થોડા પ્રમાણમાં વારંવાર પિવડાવવાથી શરીરમાંથી પાણી અને જરૂરી ખનીજ ક્ષારો ઓછાં નહીં થાય. જો એકસાથે વધારે પીવડાવી દીધું તો તરત જ ઊલટી થઈ જશે. એટલે થોડુંક-થોડુંક પિવડાવવું જરૂરી છે.
એક વાર ઓઆરએસનું પાણી પેટમાં ટકવા લાગે એટલે બીજું પ્રવાહી પણ પીવડાવી શકાય. પાતળી છાશ, લીંબુનું શરબત, દાડમ કે સફરજનનો રસ, નાળિયેરનું પાણી કે ભાતનું ઓસામણ જેવાં બધાં જ પ્રવાહીઓમાં થોડીક ખાંડ અને ચપટીક મીઠું નાખવું. ખાંડ નાખવાથી શક્તિ મળે છે અને મીઠાથી ક્ષાર મળે છે.
અન્ય કાળજીઓ
ડીહાઇડ્રેશન ન થવું જોઈએ:
મા-બાપને ડીહાઇડ્રેશનની જાણ હોવી ખૂબ જ જરૂરી હોય છે. શરૂઆતમાં બાળકને પેશાબ ઓછો થાય છે. તે થોડુંક સુસ્ત થઈ જાય છે. જે બાળક હંમેશાં મસ્તીમાં હોય તે એક જ જગ્યાએ પડી રહે. જીભ સુકાઈ જાય અને આંખો થોડી અંદર ઊતરી જાય. શરીર થોડું ગરમ થઈ જાય અને પેશાબ ઓછો અને ખૂબ જ પીળો થાય. આવા સંજોગોમાં ડૉક્ટરને બતાવીને હૉસ્પિટલમાં દાખલ કરવું સલાહભર્યું છે.
બ્રેસ્ટ-ફીડિંગ અને ખોરાક: સ્તનપાન કરતી માતાઓએ સ્તનપાન ચાલુ રાખવું. એનાથી પોષણ મળવાની સાથે રોગ સામે લડવાની તાકાત પણ મળે છે. જે બાળકો ખાતાં-પીતાં હોય તેમને થોડો હળવો ખોરાક આપવો. દહીં-ભાત, નરમ ખીચડી, પાકી ગયેલાં કેળાં, સફરજન કે દાડમ જેવાં ફળો પચવામાં સહેલાં હોય છે. માખણ લગાડ્યા વગરનો ખાખરો આપી શકાય. થોડો ખોરાક આપતાં રહેવું જરૂરી છે, જેથી બાળકનું માંદગી દરમ્યાન વજન ન ઘટે અને માંદગી પછી અશક્તિ ન આવે.