17 April, 2014 06:07 AM IST |
જિગીષા જૈન
જ્યારે કોઈ પણ વ્યક્તિ પડે કે તેને કોઈ ઘા થાય ત્યારે શરીરમાંથી લોહી વહેવા માંડે છે. આ વહેતા લોહીને રોકવામાં ન આવે તો ઘણી મુશ્કેલી ઊભી થાય છે. આ લોહીને રોકવા માટે શરીર પાસે એક સિસ્ટમ છે જેને કારણે થોડું લોહી વહેવાનું શરૂ થાય કે તરત એ પોતાની મેળે જામી જાય છે અને વહેવાનું બંધ થઈ જાય છે. દેખાવમાં સહજ લાગતી આ પ્રક્રિયા ખૂબ જ આવશ્યક પ્રક્રિયા છે. જો લોહી જામવાની આ સિસ્ટમમાં ખોટ આવે તો? તો વહેતું લોહી બંધ જ ન થાય અને એને કારણે માણસનો જીવ જોખમમાં મુકાય. આ પરિસ્થિતિ કે રોગને હીમોફિલિયા કહે છે. આજે સમગ્ર દુનિયામાં વલ્ર્ડ હીમોફિલિયા દિવસ મનાવવામાં આવે છે. આજે જાણીએ આ રોગ કેટલો ગંભીર છે.
જરૂરી પ્રોટીન
જે વ્યક્તિને હીમોફિલિયા હોય તેનું લોહી જામવા માટે સામાન્ય વ્યક્તિ કરતાં વધુ સમય લે જેને કારણે જો ઇન્જરી થાય તો ઘણુંબધું લોહી વહી જાય અથવા એવું પણ હોઈ શકે કે તેનું લોહી જામી શકવાની ક્ષમતા જ ન ધરાવતું હોય તો પરિસ્થિતિ ગંભીર થઈ જાય. શરીરમાં લોહી જામવાની પ્રક્રિયા વિશે સમજાવતાં બોરીવલીના જાણીતા હીમૅટૉલૉજિસ્ટ ડો. મુકેશ દેસાઈ કહે છે, ‘મહત્વની વાત એ છે કે જ્યારે લોહી વહે ત્યારે એ ક્ષણે જ અને શરીરના ફક્ત એ ભાગમાં જ લોહી જામવાની પ્રક્રિયા શરૂ થઈ જાય. આમ શરીરમાં નિãષ્ક્રય પડેલા અમુક ઘટક જેવું લોહી વહેવા લાગે કે તરત સક્રિય થઈ જાય છે. એ સક્રિય થતા ઘટક અમુક પ્રકારનાં પ્રોટીન છે જેને ક્લૉટિંગ ફૅક્ટર કહે છે જે બે પ્રકારના છે - ફૅક્ટર-૮ અને ફૅક્ટર-૯. આ ફૅક્ટર્સ પ્લેટલેટ્સ એટલે કે લોહીના અમુક પ્રકારના કણો સાથે મળીને લોહીને જામવા માટે મદદ કરે છે. શરીરમાં આ ફૅક્ટર્સની કમી એટલે જ હીમોફિલિયા. હિમોફિલિયાના બે પ્રકાર છે : (૧) હીમોફિલિયા-A, (૨) હિમોફિલિયા-B. જો શરીરમાં ફૅક્ટર-૮ની કમી હોય તો એને હીમોફિલિયા-A કહે છે જે મોટા ભાગે ૮૦ ટકા લોકોમાં જોવા મળે છે અને ફૅક્ટર-૯ની કમી હોય તો એને હિમોફિલિયા-B કહે છે.’
વંશાનુગત રોગ
હીમોફિલિયા જેને નથી તેના શરીરમાં ફૅક્ટર-૮ પૂરેપૂરું ૧૦૦ ટકા કામ કરતું હોય છે. જેને સિવિયર હીમોફિલિયા-A છે તેના શરીરમાં આ ફૅક્ટર-૮ ફક્ત ૧ ટકા અને ક્યારેક એનાથી પણ ઓછું કામ કરતું જોવા મળે છે. હીમોફિલિયા-Aના ૧૦ દરદીઓમાંથી ૭ આવા સિવિયર પ્રૉબ્લેમથી પીડિત જોવા મળે છે. આ રોગ થવા પાછળનું મૂળભૂત કારણ સમજાવતાં ડૉ. મુકેશ દેસાઈ કહે છે, ‘આ રોગ વંશાનુગત છે. એટલે કે માતા કે પિતાને હોય તો બાળકને હોઈ શકે છે. આ ઉપરાંત ઘણી વાર માતા-પિતાને ન હોય, પરંતુ કુટુંબમાં કોઈને પણ આ રોગ હોય તો પણ એ ફરીથી કોઈ બાળકમાં આવી શકે છે. જોકે કમનસીબે પરિવાર કે માતા-પિતા બન્નેને આ રોગ ન હોય તો પણ ક્યારેક કોઈ બાળક આ રોગ સાથે જન્મી શકે છે. બાળક જન્મે ત્યારે તે નૉર્મલ હેલ્ધી હોય છે. જેમ-જેમ મોટું થતું જાય અને ક્યારેક પડી જાય, કંઈક વાગી જાય ત્યારે લોહી બંધ ન થાય ત્યારે ટેસ્ટ દ્વારા ખબર પડે છે કે આ બાળકને હીમોફિલિયા છે. જોકે હવે ઍડ્વાન્સ ટેસ્ટ પણ આવી ગઈ છે જેના દ્વારા ગર્ભમાં જ ખબર પડી શકે છે કે બાળકને આ પ્રકારની કોઈ ખામી છે કે નહીં. ખાસ કરીને જેના કુટુંબમાં કોઈને આ પ્રૉબ્લેમ હોય અથવા પિતાને આ પ્રૉબ્લેમ હોય કે માતા એની વાહક હોય તો બાળક કરતાં પહેલાં પણ અમુક જરૂરી ટેસ્ટ કરાવી અમુક સ્પેશ્યલ ટ્રીટમેન્ટ વડે નૉર્મલ બાળક પેદા કરી શકાય છે.
ઇન્ટર્નલ બ્લીડિંગ
શરીરના બહારના ભાગમાં ઈજા થાય અને લોહી વહે એ તો સમજી શકાય, પરંતુ શરીરના અંદરના ભાગમાંથી પણ લોહી વહેવા માંડે ત્યારે હીમોફિલિયાના દરદીની હાલત વધુ ગંભીર થાય છે જે સમજાવતાં ડૉ. મુકેશ દેસાઈ કહે છે, ‘હીમોફિલિયાના દરદીને ઇન્જરી થયા વગર પણ ક્યારેક પોતાની મેળે અંદર કોઈ પણ ભાગમાંથી લોહી વહેવા માંડે છે. મોટા ભાગે સ્નાયુઓને જોડતા ભાગોમાં આવું થઈ શકે છે જેથી તેમને ત્યાં સખત દુખાવો ઊપડે કે સોજો આવી જાય. જો આ લોહીને તરત જ અટકાવવામાં ન આવે તો એ અંગને ઘણું મોટું નુકસાન પહોંચી શકે છે. ઉપરાંત જો આ પરિસ્થિતિ મગજમાં સર્જાય એટલે કે મગજમાં અંદરથી લોહી વહેવાનું શરૂ થઈ જાય તો તે દરદીનો જીવ જોખમમાં મુકાઈ જાય.’