કૉલેસ્ટરોલ ઘટાડવું હોય તો જવને ફણગાવ્યા ને સૂકવ્યા પછી લોટ બનાવીને ખાઓ

16 June, 2016 05:00 AM IST  | 

કૉલેસ્ટરોલ ઘટાડવું હોય તો જવને ફણગાવ્યા ને સૂકવ્યા પછી લોટ બનાવીને ખાઓ



હેલ્થ-વેલ્થ - સેજલ પટેલ

પૌરાણિક આયુર્વેદનાં આપણાં શાસ્ત્રોમાં પણ ઘઉંને બદલે જવનો ઉપયોગ કરવાનું વષોર્ પહેલાંથી કહેવાયું છે જેને આપણે બહુ ગણકારતા નથી. આપણને તો છોડાવાળા જવને બદલે મસ્ત પૉલિશ્ડ અને ચકચકિત ઘઉં જ વધુ માફક આવે છે. જ્યારથી ફાસ્ટ-ફૂડ અને જન્ક-ફૂડનું ચલણ વધ્યું છે ત્યારથી તો ઘઉં પણ નહીં, એને રિફાઇન્ડ કરીને બનાવેલો મેંદો જ વધુ વપરાય છે. કૅનેડિયન રિસર્ચરોએ તાજેતરમાં આ બાબતે લાલ બત્તી કરતાં આંકડાઓનું વિશ્લેષણ કરીને તારવ્યું છે કે છેલ્લાં દસ વર્ષમાં પહેલાંની સરખામણીએ જવ ખાવાનું પ્રમાણ ઘટી રહ્યું છે. રિસર્ચરોનું કહેવું છે કે ફાઇબરથી ભરપૂર આ ધાન્ય નિયમિત લેવામાં આવે તો લો ડેન્સિટી લિપોપ્રોટીન એટલે કે શરીર માટે નુકસાનકારક ચરબીનું પ્રમાણ ઘટે છે. શરીરમાં જ્યારે લો ડેન્સિટી લિપોપ્રોટીનનું પ્રમાણ વધે છે ત્યારે એ રક્તવાહિનીઓને સાંકડી અને કઠણ બનાવે છે. ખરાબ ચરબીની જમાવટ જવના નિયમિત સેવનથી ઘટતી હોવાથી કાર્ડિયોવૅસ્ક્યુલર ડિસીઝનું જોખમ સાત ટકા જેટલું ઘટે છે. આ અભ્યાસ કોઈ એક જગ્યાએ નહીં, સાત દેશોના વૈજ્ઞાનિકોએ કર્યો છે. લગભગ ૧૪ અલગ-અલગ યુનિવર્સિટીઓમાં આ અભ્યાસ થયો છે જેમાં જવને કૉલેસ્ટરોલ ઘટાડવા ઉપરાંત ટાઇપ-ટૂ પ્રકારનો ડાયાબિટીઝ ધરાવતા દરદીઓ માટે વરદાનરૂપ ગણવામાં આવ્યા છે. રોજનું ત્રણ ગ્રામ ફાઇબર શરીરને મળે એ માટે લગભગ ૩૦થી ૪૦ ગ્રામ જવ લેવા પડે. આટલું ફાઇબર શરીરના ટોટલ કૉલેસ્ટરોલને ઘટાડે છે.

વિદેશોમાં મોટા ભાગે જવમાંથી ઓટ્સ બનાવીને લેવામાં આવે છે. એને કારણે પ્યૉર જવમાં જે ફાઇબરનું પ્રમાણ હોય છે એ ઘટી ગયેલું હોય છે. ભારતમાં ઓટ્સનું ચલણ ઓછું છે ત્યારે જવથી આવા ફાયદા કઈ રીતે થાય એ વિશે વાત કરતાં જુહુની ક્રિટીકૅર હૉસ્પિટલનાં ફિટનેસ-એક્સપર્ટ કમ ડાયટિશ્યન યોગિતા ગોરડિયા કહે છે, ‘ડેફિનેટલી જવ ખૂબ જ ફાયદાકારક છે, પણ એનું સેવન કઈ રીતે કરવામાં આવે છે એ પણ એટલું જ અગત્યનું છે.’

વધુપડતું ફાઇબર

જવ એટલે ઘઉંની ઉપરના છોતરા સાથેનો દાણો. આ છોતરાંમાંના ફાઇબરને વૈજ્ઞાનિકોએ કૉલેસ્ટરોલ માટે સારું ગણાવ્યું છે. જોકે એમાં વધુપડતું અનસૉલ્યુએબલ ફાઇબર હોય છે જે ક્યારેક પાચનશક્તિ પર આડઅસર કરી શકે છે એમ જણાવતાં યોગિતા ગોરડિયા કહે છે, ‘પાચનક્રિયાને સરળ બનાવવા તેમ જ મળસારણ માટે થોડીક માત્રામાં ન પચે એવું ફાઇબર હોવું જરૂરી છે, પણ જવમાં વધુ માત્રામાં ન પચે એવું ફાઇબર હોય છે એટલે જો એકલા જવ ખાવામાં આવે તો એનાથી ગૅસ થઈ શકે છે. ન પચે એવું ફાઇબર ખાધા પછી ઘણા લોકોને ગૅસ અને ભાર ફીલ થાય છે એટલે જવને પ્રોસેસ કરીને લેવા જરૂરી છે. સાદા જવને દળીને ખાવા હોય તો એ ઘઉં કે અન્ય ધાન્યની સાથે મેળવી લેવાય. ઘઉંના લોટમાં દસ ટકા જવનો લોટ ભેળવી શકાય. બાકી એકલા જવનો બેસ્ટ ફાયદો જોઈતો હોય તો એની ઉપરના અત્યંત કડક છોડા જેવા આવરણને કાઢી નાખીને તૈયાર થતા પર્લ બાર્લી વાપરી શકાય. એમાં સૉલ્યુબલ ફાઇબર વધુ અને અનસૉલ્યુબલ ફાઇબર ઓછું હોય છે.’

થોડુંક ફાઇબર ધરાવતા જવ એકલા અથવા તો અન્ય ધાન્ય સાથે મિક્સ કરીને લેવાથી પાચન સરળ બને છે અને કબજિયાત હોય તો દૂર થાય છે. જોકે અનપ્રોસેસ્ડ જવ ખાવામાં આવે તો નબળી પાચનશક્તિવાળા લોકોમાં ગૅસ અને કબજિયાત વધી જાય એવું પણ બને.

સૉલ્યુબલ ફાઇબરના ફાયદા

જેમાં વધુ માત્રામાં સૉલ્યુબલ ફાઇબર હોય એવા પ્રોસેસ્ડ જવ વાપરવામાં આવે તો એ ડાયાબિટીઝના દરદીઓ તેમ જ વેઇટ-લૉસ માટે પણ ફાયદાકારક છે. એ વિશે યોગિતા ગોરડિયા કહે છે, ‘જવની ખાસિયત એ છે કે સૉલ્યુબલ ફાઇબર ખૂબ ધીમે-ધીમે પચે છે. એને કારણે જવની રોટલી ખાધા પછી લાંબા સમય સુધી પેટ ભરાયેલું રહે છે. ખાતાની સાથે જ લોહીમાં શુગર-લેવલ શૂટ-અપ થતું નથી, પણ ધીમે-ધીમે પાચન થતું હોવાથી લાંબા સમય સુધી શુગર-લેવલ જળવાય છે. સાથે જ પેટ ભરેલું લાગે છે એને કારણે વારે ઘડીએ ખાધા કરવાનું મન નથી થતું.’

કૉલેસ્ટરોલમાં કેવી રીતે મદદરૂપ?

પ્રોસેસિંગ કરીને અનસૉલ્યુબલ ફાઇબરનું પ્રમાણ ઘટાડી નાખ્યું હોય એવા પર્લ બાર્લી ખાવામાં આવે તો એનું પાચન પણ સરળ થાય છે અને કૉલેસ્ટરોલ ઘટાડવામાં પણ મદદ કરે છે. એમાં માત્ર ફાઇબરનો ફાયદો તો છે જ, એમાં રહેલા પોષક ઘટકો પણ જવાબદાર છે. એ વિશે વધુ માહિતી આપતાં યોગિતા ગોરડિયા કહે છે, ‘જવમાં વિટામિન B કૉમ્પ્લેક્સના મુખ્ય ઘટકો નાયાસિન અને થાયામિન સારીએવી માત્રામાં હોય છે. આ ઉપરાંત સેલેનિયમ, કૉપર અને મૅગ્નેશિયમ આ ત્રણ ખનિજદ્રવ્યોનું યુનિક કૉમ્બિનેશન હોય છે જે રક્તવાહિનીઓમાં કૉલેસ્ટરોલની જમાવટને અટકાવે છે. સામાન્ય રીતે ખરાબ કૉલેસ્ટરોલ લોહીને જાડું બનાવે છે. એ લોહીમાં ક્લૉટિંગ કરે છે જે પ્લાકરૂપે રક્તવાહિનીઓની આભ્યંતર ત્વચા પર ચોંટીને અમુક ચોક્કસ ભાગોને બ્લૉક કરી દે છે અથવા તો રક્તવાહિનીને કડક બનાવે છે. ઍથેરોસ્ક્લેરોસિસ તરીકે જાણીતી આ તકલીફ કાર્ડિયોવેસ્ક્યુલર ડિસીઝનું સૌથી મોટું કારણ છે. કૉપર, સેલેનિયમ અને મૅગ્નેશિયમ આ ત્રણ ખનિજો સંયુક્તપણે કામ કરીને રક્તવાહિનીઓને સાફ રાખે છે. એ બ્લડ-ક્લૉટિંગ ન થવા દેતું હોવાથી રક્તવાહિનીઓ કડક અને સાંકડી થતી અટકે છે. આ કૉમ્બિનેશન શરીરનો રેઝિસ્ટન્સ પાવર વધારે છે. મૅગ્નેશિયમ એક પ્રકારનું નર્વ ટૉનિક હોવાથી મેન્ટલ-હેલ્થ સુધારે છે.’

જવ ખાવાની બેસ્ટ રીત

આ ધાન્યને એમ જ પૂરેપૂરાં ફોતરાં સાથે ખાવાનું અવૉઇડ કરવું જોઈએ. ઉત્તમ વિકલ્પ આપતાં યોગિતા ગોરડિયા કહે છે, ‘પર્લ બાર્લીને એક દિવસ પલાળી રાખવા અને એક દિવસ ફણગાવા મૂકવા. ફણગી ગયેલા જવને સૂકવીને એનો લોટ બનાવીને વાપરવામાં આવે એ ઉત્તમ. એમ કરવાથી જવમાં વિટામિન્સ અને ખનિજદ્રવ્યો વધુ સુપાચ્ય અને શરીરમાં તરત જ શોષાઈ જાય એવા ફૉર્મમાં આવી જાય છે. ફણગાવવાથી એમાં વિટામિન B૧૨ પણ ડેવલપ થાય છે જે વેજિટેરિયન્સને રૅરલી મળતું હોય છે.’

ટૉક્સિન્સ દૂર કરવા બાર્લી વૉટર

જવમાં ભરપૂર માત્રામાં ઍન્ટિ-ઑક્સિડન્ટ્સ હોય છે જેની કામગીરી વિશે યોગિતા ગોરડિયા કહે છે, ‘એમાં શરીરમાં ઠેર-ઠેર પેદા થતાં ટૉક્સિન્સને બાઇન્ડ કરવાની ક્ષમતા છે. એટલે જવને પલાળીને અને બાફીને તૈયાર કરવામાં આવતું પાણી પીવામાં આવે તો એ ડાઇયુરેટિક પણ છે. એ શરીરમાં પેદા થતાં ટૉક્સિન્સને બાઇન્ડ કરીને યુરિન વાટે બહાર ફેંકી દેવામાં મદદરૂપ થાય છે. જોકે કૉલેસ્ટરોલમાં ફાયદો જોઈતો હોય તો સૉલ્યુબલ ફાઇબર સાથે જ જવ ખાવા જોઈએ.’

હેલ્થ-ડિક્શનરી


મોંમાંની લાળ શરીરની કઈ ક્રિયાઓમાં મહત્વપૂર્ણ છે?

ગઈ કાલે આપણે જોયું કે લાળ કેટલી અને ક્યારે પેદા થાય છે અને એનું મુખ્ય કામ પાચનમાં મદદ કરવાનું છે. ખોરાક મોંમાં જાય એટલે એ લાળથી પલળીને સૉફ્ટ થાય છે જેને કારણે ગળા નીચે ઉતારવાનું કામ સરળ થઈ જાય છે. આ ઉપરાંત લાળમાં રહેલાં અમાઇલેઝ નામનાં એન્ઝાઇમ્સ ખોરાકમાં ભળે છે. એને કારણે ખોરાકમાંના સ્ટાર્ચનું પાચન થવાની શરૂઆત થઈ જાય છે. જો આ એન્ઝાઇમ મોંમાં ભળે નહીં એમ જ ખોરાક ગળા નીચે ઉતારી દેવામાં આવે તો ખોરાકમાંથી અમુક પોષક તત્વો આખી પાચનક્રિયા દરમ્યાન બ્રેકડાઉન થયા વિના જ પાચનતંત્રમાંથી પસાર થઈને મળ વાટે બહાર નીકળી જાય છે. મતલબ કે ખાધેલા ખોરાકનું પૂરતું ન્યુટ્રિશન મળતું નથી.

લાળમાં રહેલા મ્યુસિન નામના પ્રોટીનની હાજરીને કારણે મોંની સ્વચ્છતા જળવાય છે અને આપણને બોલવા, ચાવવા અને ખોરાક ગળવામાં મદદ થાય છે. આ પ્રોટીન દાંતને વળગી રહે છે અને નુકસાનકારક બૅક્ટેરિયા અને ખોરાકમાંના ઍસિડથી દાંતને પ્રોટેક્ટ કરે છે. જો આ પ્રોટેક્શન ન મળે તો દાંત વહેલા સડી જાય. મતલબ કે સલાઇવામાં રહેલું પ્રોટીન મોંમાં ઍસિડનું બૅલૅન્સ જાળવીને દાંત અને પેઢાં બન્નેને લુબ્રિકેશનની ઢાલ પૂરી પાડે છે.

લાળમાં કેટલાક ઍન્ટિ-બૉડીઝ પણ રહેલાં છે જે જંતુઓ સામે ફાઇટ કરે છે. એમાં લોહીને રોકી શકે એવું પ્રોટીન હોય છે અને ત્વચાના કોષોનો વિકાસ કરવાની ક્ષમતા પણ હોય છે. એટલે જ ક્યાંક ઘા વાગે અને બીજું કંઈ જ હાથવગું ન હોય ત્યારે એના પર થૂંક ચોપડવાથી ઘામાંથી વહેતું લોહી અટકી જાય છે અને ઘા રુઝાવાની શક્યતાઓ વધી જાય છે. એટલે જ મોંમાં કંઈ પણ વાગે ત્યારે શરીરના અન્ય ભાગની સરખામણીએ એનું હીલિંગ ઝડપી થાય છે.

લાળને તપાસીને કેટલાક રોગોનું નિદાન કરવાની પ્રમાણભૂત પદ્ધતિઓ પણ શોધાઈ છે. હ્યુમન ઇમ્યુનોડેફિશ્યન્સી વાઇરસ અને હેપેટાઈટિસ C વાઇરસની તપાસ મોંમાંના થૂંકના સૅમ્પલ પરથી બહુ સરળતાથી થઈ શકે છે.