બ્રેઇનમાં હૅમરેજ કે સ્ટ્રોકનું કારણ બનતો રોગ આર્ટરીઓવીનસ માલફૉર્મેશન

27 May, 2016 04:58 AM IST  | 

બ્રેઇનમાં હૅમરેજ કે સ્ટ્રોકનું કારણ બનતો રોગ આર્ટરીઓવીનસ માલફૉર્મેશન

DEMO PIC



હેલ્થ-વેલ્થ - જિગીષા જૈન

ગઈ કાલે આપણે જોયું કે મગજમાં લોહીની નળીઓનું ગૂંચળું વળી જાય છે જે દરદી માટે સમય જતાં ઘાતક સિદ્ધ થઈ શકે છે. મગજમાં રહેલા આ ગૂંચળાને આર્ટરીઓવીનસ માલફૉર્મેશન કહે છે જેને ટૂંકમાં AVM કહે છે. આપણે જોયું કે મગજનો આ પ્રૉબ્લેમ જન્મથી જ હોય છે. કોઈ સંજોગોમાં તો એ અમુક ઉંમર પછી ડેવલપ થયો હોય એમ પણ બની શકે છે. વળી એ જન્મથી જ હોય એનો અર્થ એ બિલકુલ નથી કે તરત જ જન્મથી જ લક્ષણો દેખાવા લાગે. ઊલટું કાલે આપણે જોયું કે બને કે જીવન પર્યંત કોઈ લક્ષણો દેખાય જ નહીં. મોટા ભાગે જે લોકોમાં લક્ષણો દેખાતાં હોય છે એ ૧૦થી ૪૦ વર્ષની ઉંમર દરમ્યાન જ દેખાતાં હોય છે. એમાં પણ ખાસ કરીને ૧૫થી ૨૫ વર્ષની ઉંમર દરમ્યાન લક્ષણો દેખાવાની શક્યતા વધુ રહે છે. મગજમાં રહેલાં આ AVM મગજના ટિશ્યુને ધીમે-ધીમે ડૅમેજ કરતાં જાય છે, પરંતુ એક વખત મિડલ-એજમાં પહોંચી ગયા પછી મગજમાં રહેલાં AVM સ્ટેબલ થઈ જાય છે અને એનાં કોઈ ખાસ લક્ષણો દેખાતાં નથી. ઘણી વખત મગજનો AVM ધરાવતી ગર્ભવતી સ્ત્રીને શરીરમાં બ્લડ-વૉલ્યુમ વધવાને કારણે અને બ્લડ-પ્રેશર વધવાને કારણે લક્ષણો દેખાઈ શકે છે. ખ્સ્પ્માં પણ એક ગંભીર પ્રકાર હોય છે જેનું નામ છે ગૅલન ડિફેક્ટ. આ એ પ્રકારનું AVM છે જેમાં જન્મ બાદ તરત જ લક્ષણો દેખાઈ આવે છે, કારણ કે આ પ્રકારમાં મગજની મોટી લોહીની નળીઓ સામેલ હોય છે જેને કારણે મગજમાં પાણી ભરાવા લાગે છે અને માથું સૂજી જાય છે. માથા પર ઊપસેલી નસો, આંચકી આવવી જેવાં કેટલાંક ખાસ લક્ષણો દેખાઈ શકે છે. આવા બાળકમાં હાર્ટ-ફેલ પણ થઈ શકે છે. હકીકત એ છે કે જે કોઈ પણ અસામાન્ય લક્ષણ દેખાય તો ચોક્કસ ડૉક્ટરનો સંપર્ક સાધવો જરૂરી છે.

હૅમરેજ

જે વ્યક્તિને AVM હોય એના કયાં પ્રકારના ખતરા હોઈ શકે છે એ વિશે વાત કરતાં કોકિલાબેન અંબાણી હૉસ્પિટલ-અંધેરીના ઇન્ટરવેન્શનલ ન્યુરોરેડિયોલૉજી ડિપાર્ટમેન્ટના હેડ ડૉ. મનીષ શ્રીવાસ્તવ કહે છે, ‘એક AVM એની સાથે જોડાયેલી ધમની અને બાકીની લોહીની નળીઓ પર ખૂબ પ્રેશર ઉત્પન્ïન કરે છે, જેને લીધે આ નળીઓ પાતળી બનતી જાય છે અને નબળી પડતી જાય છે. એને લીધે AVMની પોતાની નળીઓ કે એની સાથે સંકળાયેલી નળીઓ ફાટવાની શક્યતામાં વધારો થાય છે. નળી ફાટે એટલે મગજમાં બ્લીડિંગ થાય છે અને હૅમરેજ થઈ શકે છે. AVMને કારણે નળી પર થતી અસર દર વર્ષે બે ટકા જેટલી વધે છે. આમ, ઉંમર વધતાં હૅમરેજનો ખતરો વધતો જાય છે. વળી અમુક પ્રકારનાં ખ્સ્પ્માં હૅમરેજ થવાનું રિસ્ક વધારે હોય છે. જો પહેલાં એક વખત AVMની નસો ફાટી હોય અને એમાં વ્યક્તિને બચાવી લેવામાં આવી હોય તો પણ બીજી વખત આવું થવાની શક્યતા રહે છે.’

સ્ટ્રોક

AVMને કારણે વ્યક્તિ પર તોળાતા ખતરા વિશે વાત કરતાં ડૉ. મનીષ શ્રીવાસ્તવ કહે છે, ‘ઘણાં AVM એવાં હોય છે જેનાં કોઈ લક્ષણો ન દેખાવાને કારણે વ્યક્તિમાં એનું નિદાન જ થયું નથી હોતું, પરંતુ એવું ચોક્કસ બને કે એ ફાટે અને બ્લીડિંગ ખૂબ વધારે થાય જે વ્યક્તિ માટે ઘાતક નીવડે. બાળકો અને યુવાનોમાં હૅમરેજનું મોટું કારણ મગજના AVM હોઈ શકે છે. ફક્ત હૅમરેજ જ નહીં, AVMને કારણે વ્યક્તિને સ્ટ્રોક પણ આવી શકે. સ્ટ્રોકનાં બે મુખ્ય કારણો હોય છે- એક તો લોહીની નળીઓમાં બ્લૉકેજ અને બીજું હૅમરેજ. AVMને કારણે થતા હૅમરેજને કારણે વ્યક્તિને સ્ટ્રોક આવી શકે છે.’

મગજના ટિશ્યુમાં ઑક્સિજનની કમી

AVM હોવાને કારણે લોહી ધમનીમાંથી સીધું શિરામાં જતું રહે છે અને આ દરમ્યાન એનો ફ્લો ઘણો ઝડપી થઈ જાય છે. આ બાબતને ધ્યાનમાં રાખીને પ્રૉબ્લેમ સમજાવતાં ડૉ. મનીષ શ્રીવાસ્તવ કહે છે, ‘હવે આ AVMની આસપાસ રહેલા બ્રેઇન-ટિશ્યુ આ ઝડપી વહી જતા લોહીમાંથી પૂરતી માત્રામાં ઑક્સિજન ગ્રહણ કરી શકતા નથી. પૂરતા ઑક્સિજનના અભાવે બ્રેઇન-ટિશ્યુ નબળા પડે છે અને મૃત્યુ પામે છે. જેને લીધે સ્ટ્રોક જેવાં ચિહ્નો આવી શકે છે. જેમ કે બોલવામાં તકલીફ, નબળાઈ, નિષ્ક્રિયતા, વિઝન-લૉસ અને વધુ માત્રામાં બૅલૅન્સનો અભાવ જોવા મળી શકે છે. આ સિવાય AVMમાંથી ઝડપથી પસાર થતા લોહીને કારણે જેમ વ્યક્તિની ઉંમર વધતી જાય એમ વધુ ધમનીઓ મગજને લોહી પહોંચાડવાનું કામ કરવા લાગે છે, જેને કારણે AVMની સાઇઝ વધતી જાય છે અને મગજના બીજા ટિશ્યુ પર કે બીજા ભાગો પર એ દબાણ કરવાનું ચાલુ કરે છે. એને લીધે મગજના બીજા ભાગો ડૅમેજ થવાનું શરૂ થાય છે.’

ઇલાજ

ખ્સ્પ્ના નિદાન માટે વ્યક્તિને AVM સ્કૅન, સેરિબ્રલ એન્જિયોગ્રાફી અને CT સ્કૅન મદદરૂપ થઈ શકે છે. AVM મગજને નુકસાન પહોંચાડે એ પહેલાં જ જો એનું નિદાન થઈ જાય તો એનો ઇલાજ શક્ય છે. મોટા ભાગે ખ્સ્પ્નો ઇલાજ હૅમરેજને રોકવા માટે થતો હોય છે. બાકી જો કોઈ ખાસ લક્ષણો હોય તો એના માટે પણ ઇલાજ જરૂરી છે. આ રોગનો ઇલાજ વ્યક્તિની ઉંમર, હેલ્થ, AVMની સાઇઝ અને એનું સ્થાન જોઈને જ નક્કી કરવામાં આવે છે. એના ઇલાજ વિશે વાત કરતાં ડૉ. મનીષ શ્રીવાસ્તવ કહે છે, ‘આ રોગમાં સર્જરી કરવી જરૂરી છે. એમાં ત્રણ અલગ પ્રકારની સર્જરી છે જે આ રોગમાં ઉપયોગી થઈ શકે છે. એક તો સર્જિકલ રિમૂવલ એટલે કે જો AVM મગજમાં કોઈ બહારની બાજુએ હોય જ્યાં સરળતાથી પહોંચી શકાય તો પરંપરાગત બ્રેઇન-સર્જરી કરીને આ AVMને કાઢવામાં આવે છે. બીજી સર્જરી છે એન્ડોવૅસ્ક્યુલર એમ્બોલાઇઝેશન. આ સર્જરીમાં કૅથિટરને પગની ધમનીમાં દાખલ કરી દોરા વડે મગજની ધમની સાથે જોડી એક ગુંદર જેવો પદાર્થ એમાં નાખવામાં આવે છે. આ પદાર્થને કારણે AVMને લોહી પહોંચાડતી ધમનીને અને સમગ્ર AVMને બ્લૉક કરી દેવામાં આવે છે. આ પદ્ધતિ ટ્રેડિશનલ પદ્ધતિથી વધુ સેફ છે. આ સિવાય જો આ AVM સાઇઝમાં નાનું હોય તો રેડિયોસર્જરી દ્વારા પણ એનો ઇલાજ થઈ શકે છે, જેમાં રેડિયેશન દ્વારા ખ્સ્પ્નો બ્રેઇનની અંદર જ નાશ કરવામાં આવે છે, જે સૌથી સેફ સર્જરી કહી શકાય. ટેસ્ટ કર્યા બાદ AVM વિશે સંપૂર્ણ જાણકારી મેળવીને ડૉક્ટર સૂચવે છે કે દરદીને કયા પ્રકારની સર્જરીની જરૂર છે. ઘણી વાર સર્જરીનું કૉમ્બિનેશન કરીને ઇલાજ કરવામાં આવે છે.’

હેલ્થ-ડિક્શનરી


સામે પડેલી ચીજ આપણી આંખ કઈ રીતે જોઈ શકે છે?

ગઈ કાલે આપણે જોયું કે જે-તે ચીજ પર પ્રકાશનાં કિરણો પડે તો જ એ પરાવર્તિત થઈને આંખમાં ઝિલાય છે. પ્રકાશનાં કિરણો કીકીના સેન્ટર દ્વારા આંખમાં પ્રવેશે છે. પ્રકાશ વધુ હોય તો કીકીના સેન્ટરની આસપાસની આઇરિસ તરીકે ઓળખાતી રિંગ સંકોચાય અને જો અંધારું હોય તો બરાબર જોઈ શકાય અને પૂરતો પ્રકાશ કીકીના કેન્દ્ર પર પડી શકે એ માટે આ રિંગ પહોળી થાય. વધુપડતા પ્રકાશથી આંખને નુકસાન ન થાય એ માટે કુદરતી રીતે જ આંખ આ બદલાવો કરે છે.

પ્રકાશનું કિરણ આંખની કીકીની પાછળ રહેલા લેન્સ પર પડે છે. આ લેન્સ ફ્લેક્સિબલ હોય છે. પ્રકાશનું કિરણ લેન્સમાંથી પસાર થઈને સહેજ વંકાઈને પાછળની તરફ આવેલા રેટિના એટલે કે આંખના પડદા પર ઝિલાય છે. એને કારણે એનું પ્રતિબિંબ રેટિના પર અમુક ચોક્કસ જગ્યાએ જ ઝિલાય છે. લેન્સમાંથી રેટિના પર પ્રકાશનું કિરણ ઝિલાવાની ઘટના આપણે પ્રોજેક્ટરના પડદા પર ઝિલાતા દૃશ્ય જેવી ટેક્નિક ધરાવે છે. જોકે દૂરનું કે નજીકનું જોવાનું આવે ત્યારે આ લેન્સ એની જાડાઈ ઍડ્જસ્ટ કરે છે. લેન્સની આ મૂવમેન્ટ એને ઝીલનાર સિલિયરી મસલ્સની મૂવમેન્ટને કારણે થાય છે. એ ફ્લેક્સિબલ રહે તો જ યોગ્ય પ્રતિબિંબ પડદા પર ઝિલાય અને આપણને સ્પષ્ટ દેખાય. જો દૂર પડેલી ચીજ જોવાની હોય તો એ માટે લેન્સ પાતળો રહે છે અને ખૂબ નજીકની ચીજ જોવાની હોય તો લેન્સ જાડો થાય છે.

રેટિનામાં લાખોની સંખ્યામાં લાઇટ-સેન્સિટિવ સેલ્સ આવેલા છે. જેવો આ સેલ્સ પર પ્રકાશ ઝિલાય એટલે તરત જ ઇલેક્ટિÿકલ સિગ્નલ નીકળે છે જે ખાસ નર્વ દ્વારા મગજ સુધી પહોંચે છે. એ પછી મગજ એ ઇલેક્ટ્રિક સિગ્નલને ઇમેજના રૂપમાં ટ્રાન્સલેટ કરીને પાછું મોકલે છે જેને કારણે સામે પડેલી ચીજ આપણે જોઈ શકીએ છીએ.

આટલી બધી ક્રિયાઓ એકસાથે લયબદ્ધ રીતે કામ કરે ત્યારે જ આપણી આંખ જોઈ શકે છે.