06 July, 2015 05:58 AM IST |
જિગીષા જૈન
લોહીમાં હીમોગ્લોબિનની કમી સર્જાય ત્યારે એ રોગને એનીમિયા કહે છે. વિશ્વમાં પાંચ વર્ષથી નીચેનાં બાળકોમાં થતો આ રોગ એક અત્યંત ગંભીર પબ્લિક હેલ્થ ઇશ્યુ છે. વિશ્વમાં કુલ મળીને ૧.૬૨ બિલ્યન લોકો એનીમિક છે જેમાં પાંચ વર્ષથી નીચેનાં બાળકો વિશે જાણીએ તો વિશ્વમાં ૪૭.૪ ટકા બાળકો એનીમિયાગ્રસ્ત છે. સરકારી આંકડાઓ મુજબ ભારતમાં ૮૯,૦૦,૦૦૦ બાળકો એનીમિયાગ્રસ્ત છે. તાજેતરમાં થયેલા નૅશનલ હેલ્થ ફૅમિલી સર્વે મુજબ ૧૨થી ૧૭ મહિનાનાં બાળકો ૩૬થી ૫૯ મહિનાનાં બાળકો કરતાં સિવિયર એનીમિયા હોવાનું સાતગણું વધુ રિસ્ક ધરાવતાં હતાં. આ ઉપરાંત જેમની માતાઓ એનીમિક હતી એ બાળકો પર એનીમિયા થવાનું રિસ્ક જેમની માતાઓ એનીમિક નહોતી તેમનાં બાળકો કરતાં ઘણું વધારે હતું. આ સર્વેના આંકડાઓ મુજબ છથી ૫૯ મહિનાની ઉંમર ધરાવનારાં ૭૦ ટકા બાળકો એનીમિયાગ્રસ્ત છે. એમાંનાં ત્રણ ટકાને સિવિયર એનીમિયા છે, ૪૦ ટકાને મધ્યમ પ્રકારનો એનીમિયા છે અને ૨૬ ટકાને માઇલ્ડ પ્રકારનો એનીમિયા છે. એનીમિયા બાળમૃત્યુ પાછળ જવાબદાર રોગ છે. બાળકના શારીરિક અને માનસિક વિકાસને એ અસર પહોંચાડી શકે છે. આજે જાણીએ પાંચ વર્ષથી નાનાં બાળકોને થતા એનીમિયા પાછળનાં કારણો અને એની ગંભીરતા વિશે.
પ્રકાર
એનીમિયા થવાનાં ઘણાં અલગ-અલગ કારણો હોઈ શકે છે, પરંતુ પાંચ વર્ષથી નાની ઉંમરનાં બાળકોમાં કયાં કારણો થકી એનીમિયા થઈ શકે છે અને એ કયા પ્રકારનો એનીમિયા છે એ વિશે જણાવતાં હીમેટોલૉજિસ્ટ ડૉ. મુકેશ દેસાઈ કહે છે, ‘આટલી નાની ઉંમરમાં જે કારણોસર એનીમિયા થાય એનાં કારણોમાં આયર્ન એટલે કે લોહતત્વની ઊણપ મુખ્ય કારણ હોય છે. બાળકના શરીરમાં કોઈ પણ કારણસર આયર્નનું જરૂરી પ્રમાણ ઘટી જાય તો બાળકને એનીમિયા થઈ શકે છે. આ ઉપરાંત બીજું મહત્વનું કારણ વિટામીન B12ની ઊણપ પણ હોઈ શકે છે અને ત્રીજા કારણમાં જિનેટિક કારણોનો સમાવેશ છે જેમાં થેલેસેમિયા માઇનર જેવા રોગોને કારણે બાળકમાં હીમોગ્લોબિન ઓછું હોય છે. દસમાંથી નવ બાળકોને થતા એનીમિયા પાછળ આયર્નની ઊણપ જવાબદાર ગણાય છે. આમ બાળકોને મોટા ભાગે જે એનીમિયા થાય છે એ પ્રકારને આયર્નની ઊણપને લીધે થતો એનીમિયા ગણવામાં આવે છે.’
કારણ
બાળકમાં આયર્નની ઊણપ પાછળ જવાબદાર કારણો વિશે ડૉ. મુકેશ દેસાઈ કહે છે, ‘બાળક જન્મે અને છ મહિનાના સ્તનપાન બાદ જ્યારે બહારનો ખોરાક ચાલુ કરવામાં આવે ત્યારે બની શકે કે તે વ્યવસ્થિત ખોરાક લેતું ન હોય, તેને યોગ્ય માત્રામાં પોષણયુક્ત ખોરાક અપાતો ન હોય. જેમ કે ગરીબ અને પછાત ઘરોમાં બાળકોને પૂરતું પોષણ મળી રહે એવા ખોરાકનો અભાવ હોય, વ્યવસ્થિત ઘરોમાં જ્યાં પોષણયુક્ત ખોરાક ઉપલબ્ધ હોય પરંતુ બાળકો મૂડી હોય અને વ્યવસ્થિત જમતાં ન હોય, ઘણી જૂની માન્યતાઓ મુજબ દૂધમાં પાણી નાખીને બાળકને અપાતું હોય કે આખી દાળ પીસીને આપવાને બદલે ફક્ત દાળનું પાણી જ બાળકને એક-બે વર્ષ સુધી પીવા માટે અપાતું હોય ત્યારે બાળકને જરૂરી એવું પોષણ અધૂરું મળે છે. આ સિવાય જો બાળક વારંવાર માંદું પડતું હોય, પાચનને લઈને કોઈ સમસ્યા હોય, ઇન્ફેક્શન લાગી જતું હોય એવા સંજોગોમાં બાળકના ખોરાક પર એની સીધી અસર પડે છે અને વ્યવસ્થિત ખોરાક ન મળવાને લીધે કુપોષણને કારણે આયર્નની ઊણપ જન્મે છે.’
વિકાસમાં અવરોધ
આયર્નનું મહત્વ શરીરમાં ફક્ત હીમોગ્લોબિનના નિર્માણ પૂરતું જ નથી. બાકી પણ ઘણાં કાર્યોમાં એ જરૂરી છે. બાળકને આયર્નની ઊણપને લીધે એનીમિયા થાય છે ત્યારે એની સીધી અસર તેના શારીરિક અને માનસિક વિકાસ પર પડે છે. એ વિશે ડૉ. મુકેશ દેસાઈ કહે છે, ‘બાળકનો શારીરિક વિકાસ પહેલા વર્ષમાં સૌથી વધુ થાય છે, કારણ કે તેના જન્મથી ત્રણગણું વજન તે એક વર્ષમાં વધારે છે. એના પછી બીજા વર્ષે એનાથી અડધું અને ત્રીજા વર્ષે વધુમાં ત્રણ-ચાર કિલો વજન વધે છે. જો મગજની વાત કરીએ તો મગજનો સૌથી વધુ વિકાસ પહેલાં બે વર્ષમાં થાય છે. આમ શરૂઆતનાં વર્ષો બાળકના વિકાસનાં વર્ષો છે. આ સમયે એનીમિયા તેના વિકાસમાં અવરોધક બને છે, તેના શારીરિક અને માનસિક વિકાસને અવરોધે છે. સિવિયર એનીમિયા શરીરના કોઈ પણ અંગ જેમ કે હાર્ટ કે કિડની પર અસર કરી શકે છે. ક્યારેક એને કારણે બાળકને શ્વાસ લેવામાં તકલીફ પણ થઈ શકે છે. આ ઉંમરમાં બાળકને એનીમિયા થવાને કારણે તેની બુદ્ધિમત્તા ઘટી જાય છે, કારણ કે મગજનો વિકાસ અધૂરો રહી જાય છે.’
લક્ષણો
જો બાળકને સિવિયર એનીમિયા હોય તો લક્ષણો દેખાય છે. મધ્યમ પ્રકારના એનીમિયામાં લક્ષણો દેખાય તો છે, પરંતુ એ એટલાં સિવિયર હોતાં નથી. જાગૃતિના અભાવે મોટા ભાગે આ લક્ષણોને લોકો ટાળતા હોય છે. માઇલ્ડ એનીમિયામાં લક્ષણો ભાગ્યે જ દેખાય છે. બાળકોમાં સામાન્ય રીતે દેખાતાં એનીમિયાનાં લક્ષણો જણાવતાં ડૉ. મુકેશ દેસાઈ કહે છે, ‘બાળક સાવ ફિક્કું લાગે. ક્યારેક ચહેરો એકદમ પીળો લાગે, જાણે કમળો થઈ ગયો હોય. ખૂબ જલદી થાકી જાય. એનર્જી સતત ઓછી લાગ્યા કરે. કોઈ પણ એક જગ્યા પર ધ્યાન ન આપી શકે, ફોકસ ન કરી શકે, અટેન્શન ન રાખી શકે. ખૂબ ચીડચીડિયું રહે. મોઢામાં ચાંદાં પડી જાય એવું બની શકે.’
શું કરવું?
બાળકમાં કોઈ લક્ષણો દેખાય તો ચોક્કસપણે બાળકના નિષ્ણાત ડૉક્ટર પાસે તેને લઈ જઈને તેમની સલાહ મુજબ બાળકને આયર્નનાં સપ્લિમેન્ટ્સ આપવાં જોઈએ. મોટા ભાગે એ ત્રણથી છ મહિનાનો ર્કોસ હોય છે જે ઘણો ઉપયોગી છે. એ લેવાથી બાળકના વિકાસને એનીમિયાને કારણે અવરોધ આવતો નથી. એ વિશે ડૉ. મુકેશ દેસાઈ કહે છે, ‘આદર્શ રીતે બાળક નવ મહિનાથી લઈને એક વર્ષનું થાય ત્યાં સુધીમાં એક વખત કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ (CBC)ની ટેસ્ટ કરાવવી ઇચ્છનીય છે જેથી જાણી શકાય કે બાળક એનીમિક છે કે નહીં. એ જાણ્યા પછી એની ટ્રીટમેન્ટ કરાવી શકાય છે. ટેસ્ટ કરાવવાની ઇચ્છા ન હોય પરંતુ લક્ષણો પરથી શંકા જાય અને ડૉક્ટર પોતાની સમજ મુજબ બાળકને આયર્ન સપ્લિમેન્ટ્સ આપે તો એ પણ બાળક માટે હિતકારી છે. બાળકનાં મમ્મી-પપ્પા બન્નેમાંથી કોઈ પણ એક થેલેસેમિયા માઇનર હોય તો એક વર્ષની ઉંમર સુધીમાં બાળકની ટેસ્ટ કરાવવી જરૂરી છે, કારણ કે બાળક પણ જિનેટિકલી થેલેસેમિયા માઇનર હોઈ શકે છે. જો એમ હોય તો બાળકને ફોલિક ઍસિડનાં સપ્લિમેન્ટસ આપવાં જરૂરી છે, કેમ કે થેલેસેમિયા માઇનર વ્યક્તિમાં જો ફોલિક ઍસિડની ઊણપ પણ આવી તો તેનું હીમોગ્લોબિન ખૂબ નીચે જતું રહેવાનું રિસ્ક રહે છે એટલે એ માટે ટેસ્ટ ફરજિયાત છે.’