તંદુરસ્તી તમારા મસાલિયામાં છે

29 March, 2019 11:51 AM IST  | 

તંદુરસ્તી તમારા મસાલિયામાં છે

મસાલા

ઘા વાગ્યો હોય અને લોહી વહેતું હોય તો એના પર સૂકી ચા ભભરાવી દો. ચાનો કષાય રસ તરત લોહીને વહેતું અટકાવી દેશે. વહેતા લોહીને અટકાવવા હળદર પણ અકસીર છે.

અપચો અને ગૅસ થયો હોય તો જીરું, અજમો, સંચળ, વરિયાળીનો ભૂકો અને ચપટીક ખાવાનો સોડા લીંબુના પાણીમાં મેળવીને પી જવો.

કફ બહુ થયો હોય તો તુલસીના રસમાં સૂંઠ, મધ, સંચળ નાખીને દિવસમાં બેથી ત્રણ વાર ચાટવું.

ઊલટી થતી હોય તો જીરું અને વરિયાળી ચાવીને ચૂસવાં.

મરડો થયો હોય તો સૂંઠ અને ધાણાજીરું પાતળી છાશમાં મેળવીને દર બે-ત્રણ કલાકે લેવાથી ઝાડા બંધ થાય છે.

સહેજ નવશેકા પાણીમાં નમક અને લીંબુનો રસ પીવાથી મરડો મટે છે.

મરડાને કારણે પેટમાં ચૂંક આવ્યા કરતી હોય તો અજમો, હરડે, સિંધવ અને હિંગની ફાકી લેવાથી અમળાટ શમે છે.

અર્જીણ અને અપચો રહેતો હોય તો લીંબુ કાપીને એક ફાડિયા પર સંચળ અને કાળાં મરી નાખીને સહેજ ગરમ કરવું અને પછી રસ ચૂસી જવો.

મેથી અને સૂવા સરખે ભાગે લઈ બન્નેને શેકીને અધકચરા ખાંડી પાંચ ગ્રામ ચૂર્ણ ગરમ પાણી સાથે ફાકવાથી ઓડકાર અને આફરો મટે છે.

ઍસિડિટી રહેતી હોય તો સૂંઠ, ખડી સાકર અને આમળાંનું ચૂર્ણ લેવું.

ધાણાજીરું અને એક ગ્રામ ખાવાનો સોડા પાણીમાં મેળવીને લેવાથી ઍસિડિટી મટે છે.

ધાણાજીરુંનું ચૂર્ણ ખાંડ સાથે લેવાથી જમ્યા પછી ઍસિડિટીને કારણે છાતીમાં થતી બળતરા મટે છે.

સૂકી ખાંસી આવતી હોય તો મીઠાની ગાંગડી મોંમાં મૂકીને ચૂસવાથી મટે છે અને કફ છૂટો પડે છે.

ચોમાસામાં સૂંઠ અને ગોળની લાડુડી બનાવી રોજ ચણીબોર જેટલી માત્રામાં લેવાથી ચેપી રોગો સામે રોગપ્રતિકારક શક્તિ વધે છે.