02 May, 2016 06:35 AM IST |
હેલ્થ-વેલ્થ - જિગીષા જૈન
મુંબઈના કૉર્પોરેટ સેક્ટરમાં કામ કરતી ૪૦ વર્ષની એક સ્ત્રી છેલ્લાં બે વર્ષથી વિચિત્ર દુખાવાથી પીડાતી હતી. તેને પેટના નીચેના ભાગમાં સખત દુખાવો રહેતો હતો. આ ભાગ સતત ભારે હોય એવું લાગ્યા કરતું હતું. તેણે અમુક ડૉક્ટર્સને બતાવ્યું અને યુરિન ઇન્ફેક્શનથી માંડીને પાચનમાં તકલીફ જેવાં ઘણાં જુદાં-જુદાં કારણો હોઈ શકે એમ માનીને તેણે એની દવાઓ પણ લીધી, પરંતુ તેના દુખાવામાં ખાસ કોઈ ફરક પડ્યો નહીં. ચાલવામાં કે કોઈ બીજું કામ કરવામાં એ સ્ત્રીને વધુ દુખાવો થવા લાગ્યો. યુરિનને લગતા પ્રૉબ્લેમ્સ પણ ખૂબ જ વધી ગયા. માસિક વખતે પણ ખૂબ જ વધારે બ્લીડિંગ થવા લાગ્યું. સેક્સ કરતી વખતે પણ તેનો દુખાવો ખૂબ વધવા લાગ્યો. એ જગ્યાએ ખૂબ જ ખંજવાળ આવતી અને સફેદ પાણીની સમસ્યા પણ ચાલુ થઈ ગઈ હતી, આ સિવાય તેને એવું લાગતું કે મારે તાત્કાલિક યુરિન પાસ કરવા જવું જ પડશે, પરંતુ બાથરૂમમાં જાય ત્યારે ખબર પડે કે યુરિન તો એકઠું થયું જ નહોતું. આ બધી જ સમસ્યાઓ સાથે કામ કરવું એ સ્ત્રી માટે કઠિન હતું. છેવટે ઘણાબધા જુદા-જુદા રિપોર્ટ્સ કરાવ્યા પછી ખબર પડી કે તેના ગર્ભાશયમાં ૧૦ સેન્ટિમીટર લાંબી ફાઇબ્રૉઇડ્સની ગાંઠ છે. આ પરિસ્થિતિ શું હતી અને કઈ રીતે સર્જાઈ એ વિશે આજે વિસ્તારથી સમજીએ.
કૉમન પ્રૉબ્લેમ
ફાઇબ્રૉઇડ્સ એટલે સ્ત્રીઓની રીપ્રોડક્ટિવ સિસ્ટમમાં ઉદ્ભવતી ગાંઠો. ગાંઠને બધા સામાન્ય રીતે કૅન્સર સાથે જ જોડતા હોય છે, પરંતુ એવું હોતું નથી. ગાંઠ બે પ્રકારની હોય છે - એક બિનાઇન એટલે કે સૌમ્ય અને બીજી મૅલિગ્નન્ટ એટલે કે જીવલેણ. ફાઇબ્રૉઇડ્સ મુખ્યત્વે બિનાઇન પ્રકારની ગાંઠો હોય છે. ૯૯ ટકા કેસમાં આ સૌમ્ય ગાંઠ હોય છે અને જીવલેણ નીકળતી નથી. વળી સૌમ્ય પ્રકારની ગાંઠો ધીમે-ધીમે વિકાસ પામતી ગાંઠો હોય છે જે હાનિકારક જ હોય એવું જરૂરી નથી. એ વિશે વાત કરતાં ડૉ. બંદિતા સિંહા કહે છે, ‘રીપ્રોડક્ટિવ એજ ધરાવતી એટલે કે ૨૦-૩૫ વર્ષ સુધીની લગભગ પચાસ ટકા સ્ત્રીઓને ફાઇબ્રૉઇડ્સની સમસ્યા રહે જ છે. પરંતુ જરૂરી નથી કે બધી જ સ્ત્રીઓને આ ફાઇબ્રૉઇડ્સ પ્રૉબ્લેમ કરે. અને એ પણ જરૂરી નથી કે પ્રૉબ્લેમ ન જ કરે. વળી ઘણા લોકો આ ગાંઠને ગર્ભાશયનું કૅન્સર સમજી બેસે છે, જે એક ભૂલ છે.’
કેમ ઉદ્ભવે?
ગર્ભાશયમાં આ ગાંઠો કેમ ઉદ્ભવે એનું કારણ સમજાવતાં ડૉ. બંદિતા સિંહા કહે છે, ‘સ્ત્રીઓના શરીરમાં ખાસ કરીને જ્યારે તે ૨૦-૩૫ વર્ષની હોય ત્યારે ઘણા હૉર્મોનલ બદલાવ આવે છે. આ બદલાવના ફળસ્વરૂપે ગર્ભાશયમાં આ ગાંઠો આકાર લે છે. હૉર્મોન્સ જ એકમાત્ર કારણ હોવાને કારણે આ પ્રૉબ્લેમ સ્ત્રીઓમાં કૉમન દેખાય છે. પરંતુ જેમ-જેમ તે મેનોપૉઝ તરફ ઢળે છે એમ-એમ તેમનાં સ્ત્રી હૉર્મોન્સનું લેવલ પણ ઘટતું જાય છે અને એને લીધે જ આ ગાંઠો એની મેળે ગાયબ થતી દેખાય છે. હૉર્મોન્સ ઘટી જવાને કારણે આ ગાંઠોની સંખ્યા પણ ઘટી જાય છે.’
સાઇઝ અને સ્થાન
દરેક સ્ત્રીના ગર્ભાશયમાં રહેલાં ફાઇબ્રૉઇડ્સ જુદાં-જુદાં હોય છે. ઘણાં ફાઇબ્રૉઇડ્સ સાવ નાનાં હોય છે અન સોનોગ્રાફીમાં પકડી શકાતાં નથી તો ઘણાં રબ્બરના બૉલ જેટલાં મોટાં પણ હોય છે જે સોનોગ્રાફીમાં અલગ જ તરી આવે છે. ઘણાં પહેલાં નાનાં હોય અને પછી ધીમે-ધીમે મોટું સ્વરૂપ ધારણ કરે એવું પણ બને. ફાઇબ્રૉઇડ્સ થયાં છે અને સોનોગ્રાફી કરાવવી જ પડશે એવી ખબર કેમ પડે? આ પ્રશ્નનો જવાબ આપતાં ડૉ. બંદિતા સિંહા કહે છે, ‘જરૂરી નથી કે ફાઇબ્રૉઇડ્સ થયાં હોય તો એ કોઈ ચિહ્નો દ્વારા સામે આવે. ઘણી વખત ફાઇબ્રૉઇડ્સ એવી જગ્યાએ થયાં હોય અને સાઇઝમાં નાનાં હોય જેને લીધે કોઈ ખાસ નુકસાન પહોંચતું ન હોય તો કોઈ ચિહ્નો પણ સામે આવે નહીં. ઘણી વાર એ સાઇઝમાં તો નાનાં હોય, પણ એ જગ્યાએ થયાં હોય કે અંગને નુકસાન પહોંચાડતાં હોય તો તરત જ ચિહ્ન સામે આવી શકે. આમ ફાઇબ્રૉઇડ્સની સાઇઝ અને એ કઈ જગ્યાએ થયાં છે એ ખૂબ જ મહત્વનું છે.’
ચિહ્નો અને સમસ્યા
ફાઇબ્રૉઇડ્સને કારણે કઈ-કઈ સમસ્યાઓ ઉદ્ભવી શકે છે અને એ કયાં ચિહ્નો સ્વરૂપે બહાર આવે છે એ સમજાવતાં ડૉ. બંદિતા સિંહા કહે છે, ‘મોટા ભાગે જે સ્ત્રીને ફાઇબ્રૉઇડ્સની તકલીફ હોય તેને માસિક દરમ્યાન હેવી બ્લીડિંગ, અનિયમિત માસિક, પેટમાં બ્લોટિંગ કે સતત રહેતું ડિસકમ્ફર્ટ, યુરિન અને સ્ટૂલ સંબંધિત કોઈ પણ જાતની તકલીફ, કમરનો દુખાવો જેવાં કોઈ પણ સામાન્ય ચિહ્નો દેખાઈ શકે છે. પરંતુ અમુક ખાસ કેસિસમાં એ ઇન્ફર્ટિલિટી માટે પણ જવાબદાર હોઈ શકે છે. વળી જો પ્રેગ્નન્સી દરમ્યાન આ તકલીફ વધી તો સ્ત્રીને મિસકૅરેજ, બ્લીડિંગ, પ્રી-મેચ્યૉર લેબર, ગર્ભની પોઝિશનમાં બદલાવ જેવી સમસ્યા પણ આવી શકે છે.’
ઇલાજ
ફાઇબ્રૉઇડ્સ ગમે ત્યારે થાય અને ધીમે-ધીમે વધતાં જાય એટલે રૂટીન રેગ્યુલર ચેક-અપ જરૂરી છે. એક વખત પકડાય કે આ સ્ત્રીને ફાઇબ્રૉઇડ્સની તકલીફ છે અને એને કારણે સ્ત્રીને કોઈ પણ પ્રકારની તકલીફ થઈ રહી છે ત્યારે અમુક હૉર્મોનલ દવાઓ આપવામાં આવે છે જેથી એને વધતાં અટકાવી શકાય અને થોડી માત્રામાં નાનાં પણ કરી શકાય. આ વિશે વધુ સમજાવતાં ડૉ. બંદિતા સિંહા કહે છે, ‘જેવી રીતે કૉપર-ટી હોય છે એવું જ એક સાધન છે મિરેના, જેને ગર્ભાશયમાં એવી રીતે રાખવામાં આવે છે જેનાથી હૉર્મોન્સને બૅલૅન્સ કરી શકાય અને ફાઇબ્રૉઇડ્સની તકલીફને કાબૂમાં લઈ શકાય. પરંતુ જ્યારે તકલીફ વધુ હોય ત્યારે ગર્ભાશય કાઢવું જરૂરી બની જાય છે. પરંતુ જો સ્ત્રીની ઉંમર નાની હોય અને તેને બાળક થયું ન હોય તો અમે ગર્ભાશય કાઢતાં નથી, પરંતુ તેની ઉંમર ૩૫ વર્ષથી વધુ હોય અને તેનો પરિવાર પૂર્ણ થયેલો હોય તો કાઢી શકાય છે.’
સર્જરી
જે સ્ત્રીદરદીની વાત લેખની શરૂઆતમાં કરવામાં આવી હતી એ સ્ત્રીને ગર્ભાશયના નીચેના ભાગમાં ૧૦ સેન્ટિમીટર લાંબી ફાઇબ્રૉઇડની ગાંઠ હતી. આ દરદી વિશે વાત કરતાં ડૉ. બંદિતા સિંહા કહે છે, ‘આ મોટી ગાંઠ મૂત્રાશયને ખૂબ જોરથી દબાણ આપતી હતી, જેને લીધે યુરિન સંબંધિત તકલીફો તેમને થઈ રહી હતી. આ પરિસ્થિતિમાં જરૂરી હતું કે તેમનું ગર્ભાશય અમે સર્જરીથી કાઢી નાખીએ, કારણ કે તેમની ઉંમર ૪૦ વર્ષની હતી. સંતાનો પણ હતાં. આ જ હાલત જો પચીસ વર્ષની છોકરીની હોય તો તેનું ગર્ભાશય કાઢવું અઘરું થઈ પડે. બીજું એ કે તેમની ગાંઠ ખૂબ જ મોટી હતી એટલે દવાઓ દ્વારા એની સાઇઝ ઘટાડવાથી પ્રૉબ્લેમ સૉલ્વ થવાનો નહોતો.’
હેલ્થ-ડિક્શનરી
BMR પરથી ડેઇલી કૅલરીની જરૂરિયાત કેવી રીતે ગણવાની?
શુક્રવારે આપણે વ્યક્તિના કદ-કાઠી, ઉંમર-જાતિના આધારે બેસલ મેટાબૉલિક રેટ (BMR) કેવી રીતે નક્કી કરી શકાય એ જોયું. તમે કંઈ જ ન કરો તો પણ શરીરને ટકાવી રાખવા માટે તમારા શરીરને કેટલી કૅલરીની જરૂરિયાત છે એ આ BMR બતાવે છે. તમે કેવી શારીરિક પ્રવૃત્તિ દિવસ દરમ્યાન કરો છો એના આધારે તમારે કુલ કેટલી કૅલરી જોઈએ એ નક્કી કરવું પડે.
અગાઉ જોયેલા દાખલા તરીકે જો તમે સ્ત્રી હો અને તમારું વજન ૬૦ કિલો, હાઇટ ૧૬૫ અને ઉંમર ૩૦ વર્ષ હોય તો ફૉમ્યુર્લા કંઈક આવી થાય : ૬૫૫ + (૯.૬ X ૬૦) + (૧.૮ X ૧૬૫) - (૪.૭ X ૩૦) = ૧૩૮૭.
જો તમે બેઠાડુ જિંદગી જીવતા હો, મોટા ભાગે ખાટલેથી પાટલે અને
બેઠાં-બેઠાં કરવાની ઍક્ટિવિટી હોય તો BMR X ૧.૨ કરતાં જે આંકડો આવે એટલી કૅલરી તમને જોઈશે. ઉપરોક્ત ઉદાહરણ મુજબ ૧૩૮૭ ગુણ્યા ૧.૨ એટલે ૧૬૬૪ કૅલરી.
જો તમે હળવી એક્સરસાઇઝ કરતા હો, અઠવાડિયામાં એકથી બે દિવસ કોઈ રમત રમતા હો તો BMR X ૧.૩૭૫ કરવું. ઉદાહરણ મુજબ ૧૩૮૭ ગુણ્યા ૧.૩૭૫ એટલે ૧૯૦૭ કૅલરી.
જો તમે સારીએવી ફિઝિકલ ઍક્ટિવિટી કરતા હો, અઠવાડિયે ત્રણથી પાંચ દિવસ એક્સરસાઇઝ કે સ્પોર્ટ્સ રમતા હો તો BMR X ૧.૫૫ કરવું. ઉદાહરણ મુજબ ૧૩૮૭ ગુણ્યા ૧.૫૫ એટલે ૨૧૪૯ કૅલરી.
જો તમે આખો દિવસ ખૂબ જ શારીરિક શ્રમ કરતા હો, હેવી
કહેવાય એવી કસરતો અને એક્સરસાઇઝ રોજ એક કલાક માટે કરતા હો તો BMR X ૧.૭૫ કરવું. ઉદાહરણ મુજબ ૧૩૮૭ ગુણ્યા ૧.૭૫ એટલે ૨૪૨૭ કૅલરી.