19 February, 2016 06:12 AM IST |
હેલ્થ-વેલ્થ - જિગીષા જૈન
સ્ત્રીઓમાં પોતાના પ્રત્યેની કાળજી અને વૈજ્ઞાનિક જાગૃતિના અભાવે ઘણાબધા પ્રોબ્લેમ્સ એવા છે જે ઊભા થઈ શકે છે. કેટલીયે સ્ત્રીઓ એવી છે જેમને પોતાની શરીરરચના વિશેની પણ ખાસ જાણકારી હોતી નથી. ભણવામાં પણ જ્યારે સ્ત્રીની શરીરરચના આવે છે ત્યારે ક્લાસરૂમમાં ટીચર એને ભણાવવાનું ટાળીને ફટાફટ ર્કોસ પતાવવાનો છે એવા બહાના હેઠળ જવા દે છે અને એક્ઝામમાં એ પ્રકારના પ્રશ્નો ઑપ્શન્સમાં નીકળી જાય છે. જીવન આમ જ ચાલ્યા કરે છે. જોકે જ્યારે કોઈ બીમારી આવીને ઊભી રહે ત્યારે ખબર પડે છે કે અચ્છા, આવા પણ પ્રૉબ્લેમ્સ હોય! સામાન્ય જાણકારી માટે આપણે સ્ત્રીઓને પૂછીએ કે તમારા શરીરમાં કેટલી ઓવરી છે તો ભાગ્યે જ અમુક સ્ત્રીઓને ખબર હશે કે આપણા શરીરમાં બે ઓવરી છે. ઘણી સ્ત્રીઓ કહેશે કે ઓવરી એટલે શું? તેમને શુદ્ધ ગુજરાતીમાં કહીએ કે ઓવરી એટલે અંડાશય તો એમાંથી પણ અમુક એવી હશે જે અંડાશય અને ગર્ભાશયને એક જ માનતી હશે. આવામાં કોઈ કટોકટી આવે અને તે સ્ત્રીને તેની ઓવરી કઢાવવી પડે તો તેને કેટલી ગભરામણ થઈ શકે એ સમજી શકાય એવી વાત છે. કોઈ પણ વસ્તુનું જ્ઞાન તમને સમજણ જ નહીં પરંતુ તમારી જાતમાં એક આત્મવિશ્વાસ પ્રગટાવે છે જેને લીધે ગંભીર પરિસ્થિતિનો સામનો કરવાની વ્યક્તિને તાકાત મળે છે. ઘણી સ્ત્રીઓને ૪૦થી ૪૫ વર્ષની ઉંમર પછી કે કેટલાકને ક્યારેક એથી પણ પહેલાં ઓવરી કઢાવી નાખવાની જરૂર પડી શકે છે. આવું શા માટે થાય છે એ બાબતે આજે જાણકારી મેળવીએ.
આગળ વધતાં પહેલાં ઓવરીની રચના સમજીએ. આપણા શરીરમાં બે ઓવરી આવેલી છે જે બદામ આકારની હોય છે અને ગર્ભાશયની બન્ને બાજુએ એ આવેલી હોય છે. ઓવરી અને ગર્ભાશય બન્નેને જોડતી બે ટ્યુબ હોય છે જેને ફેલોપિયન ટ્યુબ કહે છે. આ બાબતે વાશીની ફૉર્ટિસ હૉસ્પિટલનાં ગાયનેકોલૉજિસ્ટ ડૉ. બંદિતા સિન્હા કહે છે, ‘ઓવરીને અંડાશય કહે છે, કારણ કે એ પોતાની અંદર ઘણાં સ્ત્રીબીજ એટલે કે અંડકોષને સાચવે છે. દર મહિને એક અંડકોષ પાકે છે અને એ ફેલોપિયન ટ્યુબમાં આવે છે જ્યાં પુરુષના શુક્રકોષ અને સ્ત્રીનો અંડકોષ મળે છે અને એ ફલિત થઈને ગર્ભાશયમાં આવે છે જ્યાં બાળકનો ગર્ભમાં ઉછેર થાય છે. ગર્ભાશય કરતાં પણ ઓવરી સ્ત્રી માટે વધુ મહત્વનું અંગ છે, કારણ કે એ ફક્ત અંડકોષને સાચવીને જ રાખે છે એવું નથી; સ્ત્રીઓનાં હૉર્મોન્સ એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનને ઉત્પન્ન કરવાનું કામ પણ ઓવરી જ કરી શકે છે. આ હૉર્મોન્સ જ છે જે સ્ત્રીને સ્ત્રી બનાવે છે. પછી એ સ્ત્રીનો ઇમોશનલ સ્વભાવ હોય કે તેનાં સ્તનનો વિકાસ હોય, બધું જ આ હૉર્મોન્સ પર આધાર રાખે છે. આ હૉર્મોન્સ જ છે જે સ્ત્રીને હૃદયરોગથી ૪૫થી ૫૦ વર્ષની ઉંમર સુધી બચાવીને રાખે છે. આમ ઓવરી સ્ત્રી માટે મહત્વનું અંગ છે.’
કઢાવવાની જરૂરિયાત
ઓવરી સ્ત્રી માટે ખૂબ મહત્વનો ભાગ છે, પરંતુ અમુક સંજોગો એવા આવે છે કે ઓવરીને હટાવવી જરૂરી બની જાય છે. આ કારણો કયાં હોઈ શકે એ બાબતે વાત કરતાં ડૉ. બંદિતા સિન્હા કહે છે, ‘ઓવરી હટાવવાનું મુખ્ય કારણ મોટા ભાગે કૅન્સર હોય છે. જો સ્ત્રીને ઓવરિયન કૅન્સર હોય તો તેની ઓવરી હટાવવી જરૂરી બની જાય છે. આ સિવાય ક્યારેક સર્વાઇકલ કૅન્સર હોય કે યુટ્રાઇન કૅન્સર હોય તો પણ ઘણા કેસમાં ઓવરી હટાવવાનું જરૂરી બને છે. કૅન્સરની ગાંઠ સિવાય બીજી કોઈ ગાંઠ એમાં થઈ ગઈ હોય અને ડૉક્ટરને એને હટાવવી જરૂરી લાગે તો પણ ઓવરી હટાવવી પડે. આ સિવાય ઓવરી અને ફેલોપિયન ટ્યુબમાં કોઈ તકલીફ હોય, એમાં પસ થઈ ગયું હોય, ઘણી વખત ઓવરી એના મૂળભૂત આકારમાંથી હટીને આખી ટ્વિસ્ટ થઈ ગઈ હોય તો એ પરિસ્થિતિમાં પણ એને હટાવવી જરૂરી બને છે.’
ઑપરેશન
ઓવરીને હટાવવી જરૂરી બને છે ત્યારે મોટા ભાગે સ્ત્રી ઉંમરલાયક હોય એટલે કે ૪૦થી ૪૫ ઉંમરની હોય તો તેની બન્ને ઓવરીને કાઢી નાખવામાં આવે છે. આ ઑપરેશનને બાઇલેટરલ ઓઓફોરેક્ટોમી કહે છે, પરંતુ જો તે નાની ઉંમરની હોય અને એક જ ઓવરી કાઢી નાખતાં ચાલી જાય એમ હોય તો એક જ ઓવરી કાઢવામાં આવે છે. એને યુનિલેટરલ ઓઓફોરેક્ટોમી કહે છે. આ ઑપરેશન વિશે માહિતી આપતાં ડૉ. બંદિતા સિન્હા કહે છે, ‘મોટા ભાગે આ સર્જરી ઓપન સર્જરી કે લેપ્રોસ્કોપિક સર્જરી હોય છે. મોટા ભાગે આ સર્જરી ગાયનેકોલૉજિસ્ટ જ કરતા હોય છે.’
રિસ્ક
ઓવરી જો ૪૫ની ઉંમર પહેલાં હટાવી લેવામાં આવે તો સ્ત્રીને અર્લી મેનોપૉઝનું રિસ્ક રહે છે. અર્લી મેનોપૉઝમાં સ્ત્રીની શારીરિક-માનસિક સ્થિતિ, હાડકાંની હેલ્થ, હૃદયરોગનો ખતરો વગેરે સ્થિતિને અસર થાય છે જે પોતે એક મોટું રિસ્ક છે. આ દરમ્યાન સ્ત્રીને ડિપ્રેશન, મૂડ-સ્વિંગ્સ, ઑસ્ટિઓપોરોસિસ, મેમરી-પ્રૉબ્લેમ, હાર્ટ-પ્રૉબ્લેમ્સ જેવી કેટલીક તકલીફો આવી શકે છે. આ સિવાય જો નાની ઉંમરમાં સ્ત્રીની ઓવરી કાઢવી પડે તો તે સ્ત્રી નૉર્મલી પ્રેગ્નન્ટ બની શકતી નથી. જોકે મેડિકલ સાયન્સ પાસે આજે એનો ઉપાય છે એમ જણાવતાં ડૉ. બંદિતા સિન્હા કહે છે, ‘જે સ્ત્રીઓને નાની ઉંમરે ઓવરી કાઢવી પડે તે સ્ત્રીઓ ડોનર-એગ લઈને ત્સ્જ્ (ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન) પદ્ધતિ દ્વારા પ્રેગ્નન્ટ બની શકે છે. તેમને ઉપરથી હૉર્મોન્સનાં ઇન્જેક્શન આપવાં પડે છે, કારણ કે સ્ત્રી-હૉર્મોન્સ બનાવતી ઓવરીઝ તો કાઢી નાખી હોય છે. જોકે ખુશીની વાત એ છે કે આ સ્ત્રીઓ પણ બાળક મેળવી શકે છે.’
બ્રેસ્ટ-કૅન્સર અને ઓવરી-રિમૂવલ
બ્રેસ્ટ-કૅન્સરના કેટલાક ખાસ દરદીઓને તેમના ઇલાજ દરમ્યાન ઓવરી કાઢી નાખવી પડે છે. આવું શા માટે થાય છે એ સમજાવતાં માહિમના પી. ડી. હિન્દુજા હૉસ્પિટલ અને મેડિકલ રિસર્ચ સેન્ટરનાં કન્સલ્ટન્ટ બ્રેસ્ટ-સજ્યર્ન ડૉ. રુચા કૌશિક કહે છે, ‘આવું ફક્ત હાઈ-રિસ્ક દરદીઓમાં જ જોવા મળે છે જેમને આ રોગ પાછો આવવાની શક્યતા ઘણી વધારે હોય છે. ઓવરીઝ એસ્ટ્રોજન હૉર્મોનનો મુખ્ય સ્રોત છે. હવે ક્યારેક દરદી ઍન્ટિ-એસ્ટ્રોજન દવાઓને રિસ્પૉન્ડ ન કરતો હોય અથવા ઍન્ટિ-હૉર્મોન થેરપી લેવા છતાં રોગ વધે કે પાછો આવે ત્યારે આવા દરદીઓમાં ઓવરી કાઢી નાખવી જરૂરી બને છે. જો દરદીનું ટ્યુમર એટલે કે કૅન્સરની ગાંઠ અગ્રેસિવ હોય, તેને બાળકો થઈ ગયાં હોય અને કીમોથેરપી અને ઍન્ટિ-હૉર્મોન થેરપી લેવા છતાં તેની ઓવરી કામ કરતી ન હોય તો એને હટાવવાનું જરૂરી બને છે જેનો સંપૂર્ણ નિર્ણય ડૉક્ટર લે છે.’