28 August, 2015 06:08 AM IST |
લાઇફ-સ્ટાઇલ - લક્ષ્મી વનિતા
ભારતીય સ્ત્રીઓનું સુંદર ઘરેણું એટલે તેમના વાળ. આજકાલ લેડીઝલોગ તેમના વાળની વિવિધ સમસ્યાઓને લઈને બહુ જ ચિંતિત હોય છે. એના માટે બ્યુટી-પાર્લરથી લઈને ડર્મેટોલૉજિસ્ટના ક્લિનિક સુધી પહોંચી જાય છે. સ્ત્રીઓના સૌંદર્યની બળબળતી સમસ્યા એટલે ખરતા વાળ. એને અટકાવવાના કેટલાય ઇલાજો નિષ્ફળ જાય છે. અંતે કંટાળીને બધું જ છોડી દે છે. વાળ ખરવાની ચિંતા તેમના ખરતા વાળમાં વધારો કરે છે. એવી અમુક ટ્રીટમેન્ટ છે જેનાથી તમારા વાળની સમસ્યામાં રાહત મળી શકે. વાત કરીએ બ્યુટી-કૉસ્મેટોલૉજિસ્ટ સપના છેડા અને બ્યુટી-થેરપિસ્ટ ઉલ્લાસ કળમકર સાથે.
બ્યુટી-કૉસ્મેટોલૉજિસ્ટ સપના છેડા વર્ષોથી આ ક્ષેત્રમાં પ્રૅક્ટિસ કરે છે. તેઓ કહે છે, ‘પ્રોટીન-ટ્રીટમેન્ટ વાળ માટે બહુ જ સારી સાબિત થાય છે. વાતાવરણ અને અન્ય રસાયણોને લીધે વાળને બહુ જ નુકસાન થાય છે. પ્રોટીન-ટ્રીટમેન્ટ તમારા વાળનું કવચ બને છે. આ ટ્રીટમેન્ટ કેમિકલ-ફ્રી હોય છે એથી એની કોઈ જ સાઇડ-ઇફેક્ટ નથી હોતી. શોલ્ડર-લેન્થ વાળની પ્રોટીન-ટ્રીટમેન્ટની કિંમત ૨૫૦૦ રૂપિયાથી શરૂ થાય છે. ૩૦ વખત વાળ ધોયા બાદ પ્રોટીનનું સ્તર નીકળે છે. એટલે ત્યાં સુધી વાળ સુરક્ષિત રહે છે. વાળ ત્રણ લેયરમાં વહેંચાયેલા હોય છે. બહારના આવરણને ક્યુટિકલ લેયર કહેવાય. અંદરનું આવરણ કૉર્ટેક્સ તરીકે ઓળખાય છે.’
સામાન્ય રીતે વાળમાં કલર કે સ્ટ્રેટનિંગ બીજી લેયરમાં થાય છે. એમ જણાવતાં સપના કહે છે, ‘એના માટે કેમિકલનો જ ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ પ્રોટીન-ટ્રીટમેન્ટની પ્રોડક્ટમાં કેમિકલ નથી હોતું. જોકે આજકાલ આ ટ્રીટમેન્ટમાં મોટાં-મોટાં સલૂનમાં એટલાં બધાં બ્લન્ડર થાય છે કે ન પૂછો વાત. પ્રોટીન-ટ્રીટમેન્ટમાં પણ થોડું સ્ટ્રેટનિંગ થઈ જાય છે. જેમ કે ૬૦ ટકા જેટલું સ્ટ્રેટનિંગ થઈ જાય છે, પરંતુ તમારો નિયમિત કસ્ટમર એમાં ૧૦૦ ટકા સ્ટ્રેટનિંગ માગે ત્યારે એમાં રસાયણો સાથે રમત કરી શકે એ લોકો પોતાની રમત રમે છે. પ્રોટીન-ટ્રીટમેન્ટ શરૂ કરતાં પહેલાં દસ મિનિટમાં તેઓ સ્ટ્રેટનિંગ માટેનાં રસાયણોનો ઉપયોગ કરે છે અને પછી પ્રોટીન-ટ્રીટમેન્ટ આપે છે. પ્રોટીન-ટ્રીટમેન્ટમાં સો ટકા સ્ટ્રેટનિંગ શક્ય જ નથી. મારી સલાહ એ છે કે વિશ્વસનીય હોય એવી જ જગ્યાએ પ્રોટીન-ટ્રીટમેન્ટ કરાવવી.’
ઘરે પણ પ્રોટીન-ટ્રીટમેન્ટ શક્ય છે એમ જણાવતાં સપના કહે છે, ‘જેઓ પોતાના માટે સમય ફાળવી શકતા હોય તેઓ દર થોડા દિવસે વાળને પ્રોટીનનું નરિશમેન્ટ આપી શકે છે. નાળિયેરનું દૂધ લગાવી શકાય. એ સિવાય હેર-મેયોનીઝ પણ મદદરૂપ થાય છે. એવું બિલકુલ જરૂરી નથી કે વારંવાર સલૂનની મુલાકાત લેવી.’
આજની યુવતીઓ વાળમાં જાતભાતના પ્રયોગો કરતી હોય છે. એથી તેમના માથામાં કેમિકલ્સનો મેળો જામવાની શક્યતા પણ રહે છે.
બ્યુટી-થેરપિસ્ટ ઉલ્લાસ કળમકર કહે છે, ‘પ્રોટીન એ વિવિધ પ્રકારના અમીનો ઍસિડથી બનેલું હોય છે. વાળ માટે મુખ્ય કૅરોટિન પ્રોટીન જવાબદાર હોય છે. એ સીધી કે આડકતરી રીતે લેવામાં આવે તો વાળને મદદ મળે છે. એથી જ નિષ્ણાતો પણ વાળ માટે પ્રોટીનયુક્ત આહાર લેવાની ભલામણ કરતા હોય છે. પ્રોટીન-ટ્રીટમેન્ટનો મુખ્ય હેતુ ખરતા વાળ અટકાવવાનો છે. એક બીજી વાત એ ધ્યાનમાં લેવાની કે વાળની સમસ્યા માત્ર પ્રોટીનની ઊણપથી નથી થતી, પરંતુ અન્ય ઊણપોના લીધે પણ વાળ ખરી શકે છે. જે લોકો સલૂનમાં આ ટ્રીટમેન્ટ ન કરાવવા માગતા હોય તો ઘરે કરી શકે છો. સલૂનમાં આ ટ્રીટમેન્ટ માટે ઉપયોગમાં લેવામાં આવતી પ્રોડક્ટમાં ઍક્ટિવ સબસ્ટન્સ હોય છે. હવે એને યોગ્ય પ્રોટીન-ટ્રીટમેન્ટ ગણાય કે નહીં એ પ્રશ્ન છે. કેટલીક ઘરેલુ ટિપ્સ અહીં ઉપલબ્ધ છે.’
સામાન્ય કે ડ્રાય સ્કૅલ્પ માટે મેયોનીઝ અને અવાકાડોને સરખી માત્રામાં લઈને ઉકાળીને પેસ્ટ બનાવો. ત્યાર બાદ એને વાળમાં ૨૦થી ૩૫ મિનિટ સુધી લગાવી રાખો. ત્યાર બાદ સામાન્ય શૅમ્પૂ-કન્ડિશનરથી ધોઈ નાખો.
વાળના ટેક્સ્ચરને ખાસ જાણો. અમુક લોકો બહુ જ સ્લિમ હોય છે, પરંતુ તેમના વાળ બહુ મોટા હોય છે. આવા કિસ્સામાં વ્યક્તિ જેટલું પણ પ્રોટીન લેતી હોય છે એ બધું જ પ્રોટીન વાળ ખેંચી લેતા હોય છે. વાળના પ્રોટીન માટે દહીં પણ ઉત્તમ છે. એને પારંપરિક રીતે જ વાળની માવજતમાં લઈ લેવામાં આવ્યું છે.
એ સિવાય ઈંડું પણ બહુ સારું ગણાય છે. ઈંડાને ફેટીને વાળમાં લગાડી શકાય. નૅચરલી ડ્રાય હેરમાં જ આ બધી ટ્રીટમેન્ટ કરવી. વાળમાં ફોલિકલ્સ બંધ હોય તો એને ખોલવા માટે એકદમ હળવે હાથે ઑઇલી કરી શકાય. ત્યાર બાદ ગરમ ટુવાલથી સ્ટીમ લઈ શકાય. એનાથી વાળનાં બંધ છિદ્રો ખૂલી જશે અને ઑઇલ સ્કૅલ્પની અંદર જશે. જોકે વાળ માટે તબક્કાવારની ટ્રીટમેન્ટ હોય છે. એમાં સ્પા, હેડ ઑઇલ મસાજ, સ્મૂધનિંગ બધું જ આવે છે.