મૉન્સૂનનાં ફળોથી તમારી સ્કિનને બનાવો તરોતાજા

02 July, 2012 06:10 AM IST  | 

મૉન્સૂનનાં ફળોથી તમારી સ્કિનને બનાવો તરોતાજા

સીઝનલ ફળો બજારમાં થોડા સમય માટે જ જોવા મળે છે અને માટે જ જેટલો સમય એ જોવા મળે એટલા સમયમાં એનો પૂરેપૂરો ફાયદો ઉપાડી લેવો જોઈએ. ખાવામાં પણ અને સુંદરતાની દૃષ્ટિએ પણ. મૉન્સૂનમાં ખાસ મળતાં આ ફળો એટલે પીચ, પ્લમ, ચેરી, લીચી જે આ સીઝનમાં ઠેર-ઠેર વેચાતાં જોવા મળે છે. તો જોઈએ આ ફળોનો ત્વચા માટે કઈ-કઈ રીતે ઉપયોગ કરી શકાય.

પીચી ગ્લો

પીચવાળી ક્રીમ્સ હવે બજારમાં ખૂબ મળતી થઈ છે પરંતુ ક્રીમનો સહારો લેવાને બદલે ડાયરેક્ટ તાજું પીચ જ ચહેરા પર ઘસવામાં આવે તો! વિટામિન અને ન્યુટ્રિયન્ટ્સથી ભરપૂર એવાં પીચનાં સ્કિન માટે અગણિત ફાયદા છે. પીચમાં કૅરોટિન, વિટામિન-એ અને સી ખૂબ પ્રમાણમાં મળી આવે છે, જેને કારણે ત્વચા પર એ સારા ક્લેન્ઝર અને લાઇટનર તરીકે વર્તે છે તેમ જ પીચમાં રહેલું આલ્ફા હાઇડ્રોક્સિલ ઍસિડ ચામડીને નાવીન્ય આપવા માટે, કરચલી ઘટાડવા માટે તેમ જ મૃત ત્વચા હટાવીને રોમછિદ્રોને સાફ કરવામાં ખૂબ મદદરૂપ થાય છે. પીચનો સ્કિન-કૅરમાં ઉપયોગ કરવા માટે ત્રણ પીચ, એક ચમચી મધ અને ઓટમીલનો પૅક બનાવીને ચહેરા પર લગાવો. આ પૅક ચહેરા પર પીચ ગ્લો આપશે તેમ જ પીચ ડ્રાય સ્કિન પર એક્સફોલિએટર તરીકે કામ કરે છે.

પ્લમ્પી સ્કિન

વિટામિન-એ અને સીથી ભરપૂર એવા આલુ બુખારા એટલે કે પ્લમ સ્કિન પરથી કરચલીઓને ઘટાડી યુવાન ગ્લો આપે છે. પ્લમનો પૅક બનાવવા માટે ત્રણ પ્લમ, એક ચમચી મગની દાળનો ભુક્કો લઈને ચહેરા પર ૨૦-૨૫ મિનિટ સુધી લગાવો અને ત્યાર બાદ ઠંડા પાણીથી ધોઈ નાખો. મોટાં કાળાં પ્લમનો જૂસ અને લીંબુનો રસ લઈ ચહેરા પર થિક લેયર લગાવો. આ પૅક ઑઇલી સ્કિન પર ઍસ્ટ્રિન્જન્ટનું કામ કરે છે અને રોમછિદ્રોને સાફ કરી ખીલ ઘટાડે છે. નૉર્મલ કે ડ્રાય સ્કિન માટે પ્લમના માસ્કમાં મધ મેળવીને ચહેરા પર લગાવી શકાય.

લીચીનું મૅજિક

ખાવામાં સ્વાદિષ્ટ એવી લીચીના જૂસને સ્ટીમ લેતાં પહેલાં ટોનર તરીકે ચહેરા પર લગાવી શકાય. ત્યાર બાદ લીચીના પલ્પમાં સાકર નાખી હળવા હાથે ફેસને મસાજ આપો. આનાથી ત્વચા એક્સફોલિએટ થશે. પાંચ મિનિટ બાદ ચહેરો ધોઈને એના પર લીચીનો પલ્પ રૂ વડે સ્કિન પર લગાવી શકાય. આ પૅક ચહેરાની રંગત નિખારે છે અને સ્કિનને તાજગી આપે છે.

ચેરી ઑન ટૉપ

ચેરી વિટામિન-સી અને ઍન્ટિ-ઑક્સિડન્ટ્સથી ભરપૂર હોય છે. એ ચહેરાને ડૅમેજથી બચાવે છે. સૂકી ત્વચા ધરાવતા લોકોએ ચહેરા પર પાંચ મિનિટ સ્ટીમ લઈ ચહેરાને સાકર, ક્રીમ અને ચેરીથી સ્ક્રબ કરવો જોઈએ. સાકરને ચેરી સાથે લઈને ચહેરા પર ઘસતાં સારા સ્ક્રબ તરીકે કામ કરે છે અને સ્કિનને સુંવાળી, બેબી સૉફ્ટ બનાવે છે.

એક્સપર્ટ ઍડ્વાઇઝ

મૉન્સૂનનાં આ ફળોના સ્કિન-કૅરમાં ઉપયોગ વિશે ડર્મેટૉલૉજિસ્ટ અને કૉસ્મેટૉલૉજિસ્ટ ડૉ. કે. ઈ. મુકાદમ કહે છે, ‘આ ફળોમાં કુદરતી ઍન્ટિ-ઑક્સિડન્ટ હોય છે જે સ્કિનને નૅચરલ ગ્લો અને ફૅરનેસ આપે છે. આ ફળોના ઉપયોગથી સ્કિનનો ટોન લાઇટ થાય છે. આ ફળોને ખાવામાં આવે તો પણ એના ગુણો સ્કિનને મળે છે. એ જ પ્રમાણે એને સીધું ચહેરા પર લગાવી પણ શકાય. ફળો કુદરતી હોવાથી એની કોઈ આડઅસર નથી થતી, એના ફાયદા જ ફાયદા છે પરંતુ કોઈ પણ ચીજનો જો વધુ પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે તો એ હાનિકારક છે. એટલે એક લિમિટ નક્કી કરવી. મૉન્સૂનમાં જોવા મળતાં આ ફળો ઉપરાંત ગાજર અને લીંબુને પણ ચહેરા પર ડાયરેક્ટ લગાવી શકાય. આ ફળો ચામડી પરથી મૃત ત્વચાના કોષો દૂર કરે છે.’