હેર-એક્સ્ટેન્શનની અવઢવ

28 August, 2012 06:12 AM IST  | 

હેર-એક્સ્ટેન્શનની અવઢવ

વાળનો રંગ હોય, સ્ટાઇલ કે પછી લંબાઈ; પણ વ્યક્તિને કુદરતી રીતે મળેલું કંઈ જ ગમતું નથી. લોકો હંમેશાં પોતાના શરીર પર પોતાની જરૂર મુજબ બદલાવ લાવવા તત્પર હોય છે. એવું જ કંઈક હેર-એક્સ્ટેન્શનનું છે જેમાં ટૂંકા વાળને લાંબા કરવા માટે કૃત્રિમ ટેક્નિકનો સહારો લેવામાં આવે છે. હેર-એક્સ્ટેન્શન સ્ટ્રેટ અને કર્લી બન્ને પ્રકારના વાળ માટે છે. પરંતુ અહીં સવાલ એ છે કે શું એ વાળ માટે સેફ છે? જાણીએ હેર-એક્સ્ટેન્શન કરાવતાં પહેલાં અને પછી શું ધ્યાનમાં રાખવું.

હેર-એક્સ્ટેન્શન શું છે?

ઓરિજિનલ વાળને મોટા કરવા માટે એની સાથે સિન્થેટિક કે હ્યુમન હેર જોડી દેવામાં આવે છે, પણ આ વાળ ખૂબ સંભાળ માગે છે. તમારે આ વાળની કુદરતી વાળ કરતાં ખૂબ વધારે પ્રમાણમાં સંભાળ લેવી પડે છે. પણ ફાયદો એ છે કે વાળ વધવા માટે ન તો કોઈ દવાઓ ખાવાની જરૂર પડે છે અને ન તો કોઈ તેલ લગાવીને વષોર્ સુધી રાહ જોવાની. ફક્ત થોડી જ મિનિટોની પ્રોસેસમાં તમને તમારું જોઈતું રિઝલ્ટ મળી જાય છે. પરંતુ આ પ્રોસીજર થોડી મોંઘી અને ડેલિકેટ છે.

વાળની લંબાઈ

તમારા વાળની ઓરિજિનલ લંબાઈ કરતાં બમણાથી વધારે લાંબું હેર-એક્સ્ટેન્શન ન કરાવો. ધૂળ અને પસીનાથી આ વાળમાં ગૂંચ વધી શકે છે અને જો હેર-એક્સ્ટેન્શન હ્યુમન હેરથી કરવામાં આવ્યું હોય તો એને અઠવાડિયામાં ઓછામાં ઓછા બે વખત ધોવા જરૂરી છે, જ્યારે સિન્થેટિક ફૅબ્રિક વાપરીને કરેલા એક્સટેન્શનને અઠવાડિયામાં ફક્ત એક વાર ધોવામાં આવે તો ચાલે.

વૉશ કૅર

વાળમાં શૅમ્પૂ કર્યા પહેલાં વાળમાં મોટા દાંતાવાળો દાંતિયો ફેરવીને બધી જ ગાંઠ છૂટી પાડવી, કારણ કે જ્યારે તમે માથા પર પાણી રેડો છો ત્યારે પાણીનું બધું જ પ્રેશર વાળની લંબાઈ પર આવે છે અને વાળમાં ગાંઠો વણાય છે. માટે વાળને ધીરે-ધીરે પાણી નાખીને ભીના કરો. વાળને ધોવા માટે ખૂબ માઇલ્ડ એવા શૅમ્પૂનો વપરાશ કરો. વાળને મૂળ પાસેથી સક્યુર્લર મોશનમાં ઘસવાનું શરૂ કરો અને ધીરે-ધીરે છેડા સુધી પહોંચો. એક્સ્ટેન્શન પર હળવા હાથે શૅમ્પૂ લગાવો અને ખૂબ પાણીથી ધોઈ નાખો જેથી એક્સ્ટેન્શન પાસે કોઈ પણ પ્રકારનાં કેમિકલ્સ જમા ન થાય. વાળની લટોને સૉફ્ટ અને શાઇની રાખવા માટે સારી ક્વૉલિટીના કન્ડિશનરનો ઉપયોગ કરવો. કન્ડિશનર ખરીદો ત્યારે ધ્યાન રાખો કે એ આલ્કોહોલ-ફ્રી હોય.

વાળ સુકાવા માટે

વાળને ધોયા પછી સૂકા ટુવાલમાં દબાવીને એમાંથી પાણી કાઢી લો. ખૂબ જોર આપીને ટુવાલ સાથે ઘસવાથી વાળને ખૂબ નુકસાન પહોંચી શકે છે અને એમાં પણ જો વાળ કૃત્રિમ રીતે એક્સ્ટેન્ડ કરાવેલા હોય તો વાત વધારે બગડે છે. માટે વાળમાં કરાવેલા એક્સ્ટેન્શનને હંમેશાં ઍર-ડ્રાય થવા દો. એક્સ્ટેન્શનને ભીના હોય ત્યારે વાળ ઓળવા પણ નહીં અથવા એ તૂટી શકે છે.

એક્સ્ટ્રા કૅર

સૂવાના સમયે ક્યારેય પણ એક્સ્ટેન્શન કરેલા વાળ ભીના ન હોવા જોઈએ તેમ જ ધ્યાન રાખો કે સૂતાં પહેલાં આ વાળ પૂરી રીતે સૂકા અને લૂઝ પોનીટેઇલમાં બાંધેલા હોય જેથી ઊઠવાની સાથે જ વાળને ઓળવા બેસવું ન પડે.

એક્સ્ટેન્ડ કરાવેલા વાળમાં હેરબ્રશ ન વાપરવું. જો વારંવાર વાળમાં દાંતિયો ફેરવ્યા કરવાની આદત હશે તો એ હેર-એક્સ્ટેન્શન કરાવ્યા પછી નહીં ચાલે, કારણ કે આ વાળ આપણા કુદરતી વાળ કરતાં વધારે નાજુક હોય છે.

વાતાવરણ અને એક્સ્ટેન્શન

જો તમને સ્વિમિંગ કરવાનો શોખ હોય તો હેર-એક્સ્ટેન્શનને ક્લોરિન અને બીજાં કેમિકલવાળા પાણીમાં એક્સપોઝ કરવા કરતાં વાળને કૅપ વડે ઢાંકો, કારણ કે આ કેમિકલ્સથી કૃત્રિમ વાળને ખૂબ હાનિ પહોંચી શકે છે. વાળમાં જ્યારે પણ તેલ લગાવો ત્યારે ધ્યાન રાખો કે એ સ્કૅલ્પમાં જ રહે અને એક્સ્ટેન્શન સુધી ન પહોંચી શકે.

હેર-એક્સ્ટેન્શનની જુદી-જુદી ટેક્નિક્સ

લિન્કિંગ : લાંબો સમય ચાલે એવા એક્સ્ટેન્શનને કુદરતી વાળ સાથે મેટલ રિંગ અથવા કેરાટીન મેથડની મદદથી જોડી દેવામાં આવે છે. આ ટેક્નિકનો ફાયદો એ છે કે વાળમાં કોઈ ગમ લગાવવામાં આવતો ન હોવાથી વાળને નુકશાન નથી થતું.

બૉન્ડિંગ : વાળને બાંધીને અથવા ગૂંથીને કરવામાં આવતું એક્સ્ટેન્શન ટેમ્પરરી હોય છે. આ રીત ઝડપી છે, પરંતુ લાંબો સમય નથી ચાલતું.

ફ્યુઝિંગ : હૉટ ફ્યુઝિંગ મેથડમાં એક્સ્ટેન્શનને કુદરતી વાળની લટોમાં ગૂંથી એના પર મીણ જેવું પ્રવાહી ચોંટાડી દેવામાં આવે છે. આ જ રીતે હવે માનવ વાળમાંથી બનેલાં એક્સ્ટેન્શન પણ લગાવવામાં આવે છે જેને કોલ્ડ ફ્યુઝિંગ કહેવાય છે.

આ મેથડમાં તમે વાળને દર અઠવાડિયે ધોઈ શકો છો તેમ જ વાળમાં મુસ, જેલ જેવી પ્રોડક્ટ પણ વાપરી શકો છો. આ રીત સૌથી વધુ સમય માગતી અને મોંઘી છે.