રેશમી જુલ્ફોને ફૂલોથી સજાવો

03 October, 2011 05:12 PM IST  | 

રેશમી જુલ્ફોને ફૂલોથી સજાવો

 


સિંગલ ફ્લાવર : ચોટલામાં, અંબોડાની સાઇડમાં કે સ્ટાઇલિશ રીતે વાળેલા બનમાં કાન પાસે એક મોટું ફૂલ લગાવી શકાય. મોટું લિલી, ઝરબેરા, ગુલાબ કે કોઈ પણ સાઇઝમાં ફેલાયેલું મોટું એવું ફૂલ લગાવી શકાય છે. આવાં મોટાં ફૂલ ફક્ત સિંગલ જ સારાં લાગશે. જો વધારે લગાવશો તો વાળ ઓછા અને ફૂલો વધારે દેખાશે. ફૂલો હંમેશાં સફેદ કે ઘેરા લાલ રંગનાં જ લગાવવાં. આવું સિંગલ ફૂલ યંગ છોકરીઓને વધુ સારું લાગે છે.

ગજરા અને લડી : સરસ રીતે ગૂંથેલાં સફેદ ફૂલોના ગજરા કે લડી ફક્ત અંબોડામાં જ સારી લાગશે. હાઇ બન કે લૉ-બનને ફરતે વીંટેલી વેણી કે ગજરો સાડી કે ઘાઘરા ચોલી સાથે એક પર્કેક્ટ ટ્રેડિશનલ લુક આપે છે. ગજરા ૩૦ વટાવી ચૂકેલી સ્ત્રીઓ માટે વધુ શોભનીય છે, પણ જો શોખ હોય તો ઉંમરની સીમા ક્યાંય નથી નડતી.

ઑર્કિડ્સ : વાળમાં ઑર્કિડની એક સિંગલ દાંડી સારી લાગે છે. ઑર્કિડ પર્પલ, વાઇટ, બ્લુ જેવા કલર્સમાં મળી રહે છે. એ ઉપરાંત ટાઇગર ઑર્કિડ પણ ઑર્કિડનો એક પ્રકાર છે. આ ફૂલો દેખાવમાં ખૂબ સુંદર હોય છે અને જો આઉટફિટ સાથે મૅચ કરવા હોય તો બેસ્ટ ઑપ્શન બને છે. ઑર્કિડ વેસ્ટર્ન અને ટ્રેડિશનલ એમ બન્ને પ્રકારના ડ્રેસિસ સાથે સૂટ થશે.

આર્ટિફિશ્યલ પણ હરોળમાં : ફક્ત ફ્રેશ ફ્લાવર્સ જ નહીં, પણ આર્ટિફિશ્યલ ફૂલો પણ વાળમાં સજાવા માટે ખૂબ સારો ઑપ્શન છે. તાજેતરમાં ‘ઝિંદગી ના મિલેગી દોબારા’ના પ્રમોશન વખતે કૅટરિના કૈફે મોટું લાલ ફૂલ વાળમાં લગાવ્યું હતું, જે આર્ટિફિશ્યલ હતું. આર્ટિફિશ્યલમાં ફ્લાવર્સમાં ગોલ્ડન અને સિલ્વર કલરનાં ફ્લાવર્સ બ્રાઇડલવેઅરમાં ખૂબ સારાં લાગે છે. હેવી ઘાઘરા ચોલી પર આવાં ફૂલોની હેરસ્ટાઇલ ટ્રેડિશનલ છતાં મૉડર્ન લુક આપે છે.

મૉડર્ન અવતારમાં પણ ફ્લાવર્સ

ફ્લાવર્સ કૉલેજગલ્ર્સ માટે પણ લેટેસ્ટ ફૅશન ઍક્સેસરી છે. હેર બૅન્ડ અને હેર ક્લિપમાં મોટાં ફેધરવાળાં ફ્લાવર્સ આજ-કાલ ટીનેજ છોકરીઓની પ્રથમ પસંદગી બની રહ્યા છે. પૉનિટેલમાં નાખવા માટેના રબરબૅન્ડ પણ મોટાં ફૂલવાળાં મળી રહે છે તેમ જ નાની હેર ક્લિપ પણ સુંદર લુક આપે છે. આવી ફ્લાવરી ઍક્સેસરી ગર્લિશ લુક આપે છે.