19 July, 2012 06:36 PM IST |
પૅચ ટેસ્ટ કરો
કોઈ પણ પ્રકારનું કે ગમે એટલી હાઈ ક્વૉલિટીનું એસેન્શિયલ ઑઇલ વાપરો એ પહેલાં નાનકડી પૅચ ટેસ્ટ કરો. જે માટે થોડું તેલ હાથ પર કાંડાની અંદરની બાજુએ લગાવો. તેલ લગાવ્યા બાદ એને ૨૪ કલાક સુધી રહેવા દો. આ દરમ્યાન જો ખંજવાળ, લાલાશ જેવી કોઈ તકલીફ થાય તો સમજવું કે તમને એ ઑઇલની ઍલર્જી છે અને એ તેલ તમને સૂટ નહીં થાય.
ડાયરેક્ટ નહીં
એસેન્શિયલ ઑઇલ્સ ખૂબ જ પ્યૉર હોય છે માટે એને ડાયરેક્ટ ચહેરા પર ન લગાવવું. પ્યૉર એસેન્શિયલ ઑઇલ પાવરફુલ હોય છે જેને બીજા કોઈ બેઝ ઑઇલ કે લોશનમાં મિક્સ કરીને વપરાશમાં લઈ શકાય, જેથી કોઈ રીઍક્શન ન થાય. જો એક કરતાં વધુ એસેન્શિયલ ઑઇલને એકસાથે મિક્સ કરીને વપરાશમાં લેવાં હોય તો એને મિક્સ કરવા માટે પ્રોફેશનલ હેલ્પ લો. અલોવેરા, અવાકાડો, આમન્ડ, જોજોબા, ગ્રેપસીડ, વૉલનટ, સૅફ્લાવર, સનફ્લાવર, વિટામિન-ઈ અને કોકોનટ ઑઇલને બેઝ તરીકે લઈ શકાય. આ તેલમાં એસેન્શિયલ ઑઇલ મિક્સ કરી એને ડાઇલ્યુટ કરવું.
પ્રેગ્નન્સીમાં નહીં
પ્રેગ્નન્સી દરમ્યાન કેટલીક સ્ત્રીઓ ગંધ માટે વધુ સેન્સિટિવ થઈ જાય છે. આ દરમ્યાન હૉમોર્ન્સના ચેન્જને લીધે કઈ વસ્તુ સૂટ કરે અને કઈ નહીં એ વિશે કહી શકાય નહીં, માટે વપરાશ ટાળવો જ વધુ ફાયદાકારક રહેશે.
સાચવણી
એસેન્શિયલ ઑઇલની સુગંધ બરકરાર રહે તેમ જ એમાં રહેલા આૈષધીય ગુણો ટકી રહે એ માટે એસેન્શિયલ ઑઇલને કોબાલ્ટ બ્લુ અથવા ડાર્ક ચૉકલેટી રંગની કાચની બૉટલમાં રાખવાં. વધુમાં પારદર્શક કાચની બૉટલમાં મળતાં એસેન્શિયલ ઑઇલ ખરીદવાનું ટાળવું.
એસેન્શિયલ ઑઇલ સ્ક્રબ
કોઈ પણ એસેન્શિયલ ઑઇલ સાથે ઘરે જ હોમમેડ સ્ક્રબ બનાવવા માટે એક કપ બ્રાઉન સ્ક્રબ, એક કપ રાંધેલા ઓટમીલ, એક કપ ઑલિવ ઑઇલ અને કોઈ પણ એસેન્શિયલ ઑઇલ લો.
હવે એક કન્ટેનરમાં બ્રાઉન શુગર અને ઓટમીલને બરાબર મિક્સ કરો. હવે આ મિશ્રણને ઑલિવ ઑઇલમાં બરાબર હલાવીને મિક્સ કરો. આ સ્ક્રબને ઢાંકણવાળા કન્ટેનરમાં રાખી એમાં ત્રણથી ચાર ટીપાં એસેન્શિયલ ઑઇલ મિક્સ કરી થોડી વાર માટે મિશ્રણને હલાવો. આ સ્ક્રબ બે મહિના સુધી સાચવી શકાય છે.
લગાવવા માટે આ સ્ક્રબને હથેળી પર લઈ ચહેરા પર ગોળાકાર મોશનમાં ઘસો. ત્યાર બાદ ઠંડા પાણીથી ધોઈ નાખો.