19 May, 2016 05:50 AM IST |
DEMO PIC
લાઇફ-સ્ટાઇલ - ખુશ્બૂ મુલાણી ઠક્કર
મુલતાની શબ્દ ખરેખર પાકિસ્તાની શબ્દ છે. મુલતાન શહેરમાં મળનારી માટી એટલે મુલતાની માટી, જેને ઇંગ્લિશમાં ફુલર્સ અર્થ તરીકે ઓળખવામાં આવે છે. મુલતાની માટીનો દેખાવ કાદવ જેવો હોય છે. એના ફાયદા ઘણા છે. આજકાલ એટલાબધા ફેસપૅક માર્કેટમાં અવેલેબલ છે કે આપણે જૂની અને જાણીતી મુલતાની માટીને ભૂલી જ ગયા છીએ. મુલતાની માટી પાઉડર સ્વરૂપમાં મળે છે. એની પેસ્ટ બનાવી એને ચહેરા પર લગાડી શકાય. સ્કિન-ટાઇપને અનુસાર અલગ-અલગ જાતના પૅક પણ બનાવી શકાય.
ઍક્ને અને સ્કાર્સ : દરેક યુવતીને મૂંઝવતો સવાલ છે આ ઍક્નેથી કઈ રીતે છુટકારો મળે? ઍક્ને એટલે ત્વચા પર પડતા પિમ્પલ્સના ડાઘ. ઍક્ને અને સ્કાર્સથી છુટકારો મેળવવા માટે મુલતાની માટીમાં થોડું લીંબુ, ગુલાબજળ, લીમડો અને ચંદન પાઉડર નાખી એની પેસ્ટ બનાવવી અને ચહેરા પર ૩૦ મિનિટ રહેવા દેવું અને પછી ઠંડા પાણીથી મોઢું ધોઈ નાખવું. તરત જ ફરક લાગશે.
રિન્કલ્સ : રિન્કલ્સ એટલે કે ત્વચા પર પડતી કરચલીઓ. કરચલી ત્યારે પડે જ્યારે ત્વચા ઢીલી થઈ ગઈ હોય. ત્વચાને ટાઇટ બનાવવા માટે મુલતાની માટીમાં એક ઈંડું અને એક ચમચી દહીં નાખવું. જો તમે ઈંડું ન નાખવા માગતા હો તો તમે ઈંડાને બદલે મિલ્ક પાઉડર નાખી શકો છો. એને બરાબર મિક્સ કરી ચહેરા પર ૪૦ મિનિટ રહેવા દેવું. ૪૦ મિનિટ પછી થોડા નવશેકા પાણીથી ધોવું અને છેલ્લે ઠંડું પાણી છાંટવું.
સન ટૅન અને પિગ્મેન્ટેશન : સન ટૅન અને પિગ્મેન્ટેશન એટલે તડકાને કારણે ત્વચા પર પડતા કાળા ડાઘ. સન ટૅન અને પિગ્મેન્ટેશન દૂર કરવા મુલતાની માટીમાં નારિયેળપાણી અથવા સ્કિમ્ડ મિલ્કનો પાઉડર નાખવો અને થોડી સાકર નાખવી. આ બધાની પેસ્ટ બનાવી એક કલાક ત્વચા પર રાખવું. આ પેસ્ટને કાઢવાની એક અલગ જ રીત છે કે પહેલાં ચહેરો થોડો ભીનો કરવો. ચહેરો ભીનો કર્યા પછી ચહેરા પર ક્લૉકવાઇઝ અને ઍન્ટિ-ક્લૉકવાઇઝ મસાજ કરવો જેને લીધે ત્વચા પરના કાળા ડાઘ દૂર થાય છે.
સ્ક્રબ : મુલતાની માટીને સ્ક્રબ તરીકે વાપરવા માટે એમાં થોડો બદામનો ભૂકો અને ગ્લિસરિન નાખવાં. સરખી પેસ્ટ બનાવી ચહેરા પર મસાજ કરવો. ખાસ કરીને આંખની નીચેનાં કાળાં કૂંડાળાં દૂર કરવા પંદરથી વીસ મિનિટ રાખવું અને પછી હલકા હાથે ધોઈ લેવું. મુલતાની માટી લગાડવાથી કે એનાથી હલકા હાથે મસાજ કરવાથી બ્લડ-સર્ક્યુલેશન વધે છે.
આ પણ જાણી લો
મુલતાની માટીને ઍન્ટિસેપ્ટિક પેસ્ટ તરીકે પણ વાપરી શકાય.
મુલતાની માટીને બૉડીપૅક તરીકે પણ વાપરી શકાય.
ઑઇલી ત્વચા માટે મુલતાની માટીમાં ગુલાબજળ નાખી લગાડવાથી ઘણો ફાયદો થશે.
મુલતાની માટી લગભગ બધી જ સ્કિન-ટાઇપ માટે ઉપયોગી છે; જેમ કે ઑઇલી ત્વચા, ઍક્ને અને પિમ્પલ્સવાળી અને રેગ્યુલર ત્વચા. સૂકી ત્વચા માટે મુલતાની માટીનો ઉપયોગ કરવાનું ટાળવું, કારણ કે મુલતાની માટી ચહેરા પરના એક્સ્ટ્રા ઑઇલને બહાર ખેંચે છે. સૂકી ત્વચામાં આમ પણ ઑઇલની કમી હોય છે.