કેમ ફરવું જોઈએ માંડવી, ત્યાં શુ છે ખાસ જોવા જેવું?

29 March, 2019 06:29 PM IST  |  | શિલ્પા ભાનુશાલી

કેમ ફરવું જોઈએ માંડવી, ત્યાં શુ છે ખાસ જોવા જેવું?

માંડવીની વિશેષતાઓ

વર્ષો પહેલાની વાત કરીએ તો ભારત મસાલા માટે વિશ્વવિખ્યાત હતો. આ મસાલાનું નિકાસ તેમ જ અન્ય દેશો સાથે દરિયાયે માર્ગે થતા વેપારમાં માંડવીમાં આવેલ બંદર મોખરે હતું. એમ કહી શકાય કે માંડવીમાં આવેલ બંદરે જ ભારતને વિસ્વ સાથે સૌ પ્રથમ જોડવાની શરૂઆત કરી છે. તો એમાં કોઈ જ અતિશયોક્તિ નથી. અહીં આવેલ એવા અનેક સ્થળો છે જે ઐતિહાસિકરૂપે ખૂબ જ મહત્વ ધરાવે છે તો બીજી બાજુ પર્યટકો માટે પણ કચ્છમાં આવેલ આ તાલુકો સતત સેન્ટર ઓફ અટ્રેક્શન બની રહે છે. તેનું કારણ છે કે અહીં આસ્થામાં વિશ્વાસ ધરાવતા લોકો માટે મંદિરો છે. તો નૈસર્ગિક વાતાવરણને માણવામાં રસ ધરાવતા લોકો માટે એવા પોઈન્ટ્સ છે તો મ્યુઝિયમ માણવા ઈચ્છતા લોકો માટે અહીં સંગ્રહાલયો છે, મહેલો છે, અને સૌથી વિશેષ દરિયાકિનારો... સ્વચ્છ અને શાંત દરિયાકિનારો અને ત્યાં તમને માણી શકાય તેવા મેળાઓ પણ જોવા મળી જાય એટલે અહીં આવનારાઓ માટે જલસાનું કેન્દ્ર.....

માંડવીમાં આવેલ વિજય વિલાસ પૅલેસ

(તસવીર સૌજન્ય વીકીપીડિયા)

નામને સાર્થક કરે છે આ મહેલ. જેવું નામ તેવા ગુણ, માંડવીમાં આવેલું આ પૅલેસ પેરિસમાં આવેલા મહેલોને મળતું આવે છે. આ પૅલેસ બહારથી જોતાં જ તમને શાહી મહેલનો અનુભવ તો થાય જ છે. પણ તેની સાથે તેની અંદર જતાં તમને રજાવાડાના સમયનો પરિચય પણ થતાં વાર લાગતી નથી. અહીં રાખવામાં આવેલ દરેક શાહી વસ્તુઓ તે સમયે રાજાઓએ પોતે વાપરેલી વસ્તુઓની સાચવણી કરીને રાખવામાં આવી છે. તે સમયે રાજાઓએ શિકાર કરેલ પ્રાણીઓના દાંત, હાડકાં, ઘરેણાં, વાસણો બધું સાચવીને રાખવામાં આવ્યું છે તેમજ તેને પર્યટકો જોઈ શકે એ રીતે રાખવામાં આવેલ છે.

માંડવીમાં આવેલ અંબેધામ

અંબેધામ એ એવું દૈવી સ્થાન છે જેના વિશે એવી માન્યતા છે કે અહીં વસતાં માઁ અંબે હાજરાહજુર છે. એટલે કે તે ત્યાં જ બિરાજે છે અને સાચી શ્રદ્ધાથી કરેલ પ્રાર્થના ત્યાં સ્વીકૃત થાય છે. આ તો થઈ દૈવી તત્વની વાત પણ અહીં બનાવવામાં આવેલ મંદિર એટલું સુંદર છે કે તેને જોવા માટે અહીંની શાંતિને માણવા માટે જેટલો સમય મળે એટલો ઓછો છે એમ કહીએ તો ચાલે. અહીં ગુફાની અંદર મંદિર તેમજ દેવમૂર્તિઓનું સ્થાપન કરેલ છે. ગુફામાં પ્રવેશ કરતાં પહેલા ત્યા જાણે કે પાણીનું કુંડ બનાવેલું હોય તેમ પ્રથમ તો પગ ધોવાય અને પછી તમે ગુફાની અંદર પ્રવેશ મેળવી શકો. ગુફાની અંદર લગભગ બધાં જ ભગવાનની મૂર્તિઓ છે. અહીં રામસેતુ માટે જ પત્થરનો ઉપયોગ થયો હતો તેનો એક નમૂનો પણ રાખવામાં આવ્યો છે આ પત્થર તમે પોતે પાણીમાં તરતો જોઈ શકો છો. ત્યાં તે પત્થરનું વજન પણ લખીને રાખવામાં આવેલ છે જેથી પર્યટકોને આ પત્થર વિશે વધુ માહિતી મળી જાય.

અહીં લોકોપ્રિય થયેલ માંડવી બીચ

બીચ પર જવું ત્યાં વહેલી સવાર કે ઢળતી સાંજનું દ્રશ્ય માણવું આમ તો સૌને ગમતું જ હોય છે. પણ તે છતાં આ દરિયાકિનારો આ બધું હોવાની સાથે એવી વિશિષ્ટતા ધરાવે છે જેના કારણે લોકો અહીં આવતાં પોતાને અટકાવી શકતા નથી. એ વિશેષતા અટલે આ દરિયાકિનારો સ્વચ્છ છે. તેની સાથે જ અહીં તમને ઊંટ અને ઘોડેસવારી બન્નેનો લાભ મળી શકે છે. સાથે જ તમને ભૂખ લાગી હોય તો બાજુમાં જ વિવધ સ્ટાર ધરાવતી હોટેલ તેમજ રેસ્ટોરાં છે અને જો તમારે ઠેલા પર ઉભા રહીને કે બીચ પર બેસીને આ સ્થળને માણવું હોય તો તે પણ તમે કરી શકો છો.

માંડવી ગેટ

જો તમે માંડવી આવ્યા જ છો તો માંડવી ગેટ જોયા વિના પાછા આવો એવું તો શક્ય જ ન બને. માંડવી ગેટ એ ભારત ગેટ જેવું એટ્રેક્ટિવ છે. માંડવીની ભવ્યતાનું ચોક્કય ઉદાહરણ ઉભું કરે છે આ માંડવી ગેટ તેથી એક વાર તો જવું જ જોઈએ.

આ પણ વાંચો : ભારતીય સંસ્કૃતિ દર્શનઃ નામ સાર્થક કરે છે કચ્છનું આ નાનકડું મ્યુઝિયમ

માંડવીની દાબેલી

દાબેલી કહો કે ડબલ રોટી લગભગ સરખી જ ગણાતી હોય છે. જ્યાં ગુજરાતીઓ જાય ત્યાં ખાવાની વાત તો થાય. તો તમને ખાસ જણાવવાનું કે જો ખાસ દાબેલીની વાત આવે તો જેમ નાગપુરના સંતરા વખણાય, વલસાડની કેસર કેરી વખણાય તેમ ખાવામાં માંડવીની દાબેલી વખણાય. તેથી જ આ સમગ્ર પ્રવાસ દરમિયાન તમને ભૂખ લાગે તો તમને ભાવતું તો બધે મળી જ જશે, પણ સાથે અહીંની ખાસ દાબેલી ખાવાનું તો ન જ ભૂલતાં. બાકી શૉપિંગ બોબતે કહેવું ન પડે એ તો તમે કરી જ લેશો.....

kutch travel news Places to visit in gujarat