શસ્ત્રોએ યુદ્ધના નિયમો અને અવસ્થાઓ બદલ્યાં

01 May, 2023 04:43 PM IST  |  Mumbai | Swami Satchidananda

આમ કરવાથી સેનાનો અનાવશ્યક વિનાશ થતો નહીં.

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય આઇસ્ટૉક

ગયા સોમવારે કહ્યું એમ પ્રાચીનકાળમાં યુદ્ધ આમને-સામને અને નજીકથી લડાતું. એ યુદ્ધમાં લાજ પણ અકબંધ રહેતી અને શરમને પણ સ્થાન હતું. ખરા અર્થમાં એ યુદ્ધ બળિયાઓનું યુદ્ધ હતું અને બળિયાઓ એકબીજાની સામે આવતા. અગાઉ કહ્યું એમ એ યુદ્ધ સમયે નીતિ-નિયમો હતાં અને જરૂર પડે ત્યારે સેનાપતિ સેનાને પાછી બોલાવી લેતો કે પછી યુદ્ધ બંધ કરી દેવાતું. આમ કરવાથી સેનાનો અનાવશ્યક વિનાશ થતો નહીં. આ જે બુદ્ધિ છે એ બુદ્ધિનો ઉપયોગ સાચી રીતે થયો અને બચેલી સેનાનો ઉપયોગ ફરીથી નહોતો કરી શકાતો. રાજપૂતોના પરાજયોમાં અને મુસ્લિમોના વિજયમાં બીજાં અનેક કારણોની સાથે આ કારણ પણ મહત્ત્વનું રહ્યું છે.

એ પછી ફરી વાતાવરણ બદલાયું અને એ બદલવાનું કામ મુસ્લિમોએ કર્યું. મુસ્લિમો બંદૂકો અને તોપો લઈ આવ્યા એટલે યુદ્ધનું માર્જિન વધી ગયું. પહેલાં જ્યાં સામસામા નજીકથી યુદ્ધ કરતા ત્યાં હવે બંદૂક કે તોપની રેન્જ પ્રમાણે દૂરથી યુદ્ધ થવા લાગ્યું. 

એ પછી ગોરી પ્રજા ભારતમાં આવી. એણે બંદૂકો તથા તોપોનો ભરપૂર ઉપયોગ કર્યો અને વિજયી થતા રહ્યા. ચડિયાતાં શસ્ત્રો, ચડિયાતી શિક્ષા અને ચડિયાતા સેનાપતિઓ જે પક્ષની પાસે હોય એ નાની સેના હોય તો પણ વિજયી થાય. અંગ્રેજો મોટા ભાગે મુસ્લિમો સામે લડ્યા અને જીત્યા, પણ આ જ કાળમાં ટીપુ સુલતાને રૉકેટ બનાવ્યું. એનો પ્રયોગ પણ કર્યો, પણ ટીપુ ટકી ન શક્યો. તે મરાયો એની સાથે તેની રૉકેટવિદ્યા પણ મરી ગઈ. રૉકેટ આવવાથી બે સેના વચ્ચેનું અંતર વધી ગયું હતું. યુદ્ધની કેટલીક વિશેષતાઓ જોશો તો ઘણા કાળ સુધી હિન્દુ-હિન્દુઓ અંદરોઅંદર લડતા રહ્યા અને મહાભારતમાં તો એ હકીકત પણ બદલાઈ. મહાભારતમાં તો ભાઈ-ભાઈની લડાઈ થઈ, પણ એ પછી હિન્દુ-મુસ્લિમ લડતા રહ્યા. પછી મુસ્લિમો-મુસ્લિમો અંદરોઅંદર લડતા રહ્યા. તેઓ અંગ્રેજોથી હાર્યા એ પછી ગોરા-ગોરા અંદરોઅંદર લડતા લાગ્યા. તમે જુઓ કે પ્રથમ અને દ્વિતીય વિશ્વયુદ્ધ ગોરા-ગોરાઓનું જ રહ્યું છે. ખરેખર તો નજીકના માણસો જ વધુ લડ્યા કરતા હોય છે.

ક્રમે-ક્રમે આ યુદ્ધોમાં શસ્ત્રોનો પ્રકાર બદલાતો રહ્યો એટલે બન્ને સેના વચ્ચેનું અંતર વધતું ગયું અને એ અંતર એ સ્તર પર વિસ્તરી ગયું કે તમારો દુશ્મન હજારો ફુટ હવામાં હોય, તમે તેના સુધી પહોંચી પણ ન શકતા હો અને એ પછી પણ તે તમારા દેશના સેંકડો લોકોનો જીવ લઈ લે. આ જે માનસિકતા ઊભી થઈ એ માનસિકતા પર પણ આવીશું, પણ અત્યારે વાત કરીએ ગોરા-ગોરાના યુદ્ધની. ગોરા-ગોરાના યુદ્ધમાં ક્યાંય ધર્મ જુદા નહોતા. બધા ઈસુને જ માનતા અને એમ છતાં પણ એકબીજાને મારતા થઈ ગયા.

આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.

columnists swami sachchidananda astrology