બુદ્ધિની બૉર્ડર પૂરી થાય ત્યાંથી શ્રદ્ધાનો સીમાડો શરૂ થાય

17 May, 2023 04:35 PM IST  |  Mumbai | Morari Bapu

સદગુરુ એવો માર્ગદર્શક છે જે પરદેશનાં જોવાલાયક તમામ સ્થળો અને ત્યાં રહેલા મહાનુભાવોથી પર્યટકને માહિતગાર કરશે અને સમયસર યાત્રા પૂરી કરાવી તેના પોતાના દેશમાં પહોંચાડી દેશે

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)

તમને કહ્યું એમ આત્માને પરમાત્મા સાથે જોડવાનો છે અને આત્મા નામનો નર્તક ચિત્ત છે. જે સંકલ્પ કરે એ મન છે અને ચિંતન કરે એ ચિત્ત છે અને ઠોસ નિર્ણય કરે એ બુદ્ધિ છે. જ્યાં સુધી અભિમાન હટશે નહીં ત્યાં સુધી પરમાત્માની પ્રાપ્તિ થવાની નથી. જ્યાં સુધી છ પ્રકારના વિકાર જીવતા છે ત્યાં સુધી ઈશ્વરપ્રાપ્તિ અશક્ય છે અને આ જે છ વિકાર છે એ ત્યારે જ મરશે જ્યારે કોઈ સદગુરુનાં કમળ જેવાં ચરણોમાં સંપૂર્ણ વિશ્વાસ, શ્રદ્ધા અને આસ્થા સાથે સાધક આસનસ્થ થશે. એટલે હંમેશાં પોતાની જાતને પરદેશી માનો અને પરદેશી માનીને દરરોજ સમય કાઢીને સ્વદેશમાં એટલે કે ગુરુજીના દેશમાં ફોન કરીને મૂળ ઘરના સંપર્કમાં રહો.

એક વાત યાદ રાખજો કે સદગુરુ એવો માર્ગદર્શક છે જે પરદેશનાં જોવાલાયક તમામ સ્થળો અને ત્યાં રહેલા મહાનુભાવોથી પર્યટકને માહિતગાર કરશે અને સમયસર યાત્રા પૂરી કરાવી તેના પોતાના દેશમાં પહોંચાડી દેશે. ભૂલવું નહીં કે જ્યાં બુદ્ધિની બૉર્ડર પૂરી થાય છે ત્યાંથી શ્રદ્ધાનો સીમાડો શરૂ થાય છે. કહ્યું એમ ચાલક પર ભરોસો રાખવો અને અહીં ચાલકની ભૂમિકામાં સદગુરુ છે. કયા ચાલકની ભૂમિકામાં છે એ પણ અગાઉ કહ્યું હતું અને અત્યારે ફરીથી કહું છું કે આપણે મોટરમાર્ગે જતા હોઈએ ત્યારે ડ્રાઇવરને વારંવાર સૂચના આપીએ છીએ. પેલો માણસ આપણા કરતાં ઘણો વધારે કુશળ હોય છતાં ચાલકને વારંવાર સૂચના આપીને આપણે પોતાની જાતને હોશિયાર સાબિત કરવાના પ્રયત્નો કરીએ છીએ અથવા મુસાફરીની બીક આપણને એવું કરવા માટે મજબૂર કરે છે. જોકે જ્યારે આપણે બસ, ટ્રેન, સ્ટીમર કે વિમાનમાં મુસાફરી કરીએ છીએ ત્યારે ચાલકને સૂચના આપતા નથી. એ વખતે આપણો સંપૂર્ણ ભરોસો ચાલક પર હોય છે. સદગુરુ આ ચાલક છે. તેમને દિશા દર્શાવવાનું કામ નથી કરવું પડતું કે પછી તેમને કોઈ સૂચના પણ આપવી પડતી નથી, કારણ કે તે બધું જાણે છે. તમારો માર્ગ પણ તેની નજર સામે છે અને તમારું ધ્યેય પણ તેની સામે છે. એટલે એ બન્નેને આંખ સામે રાખવાની જવાબદારી લઈને એ તમને આગળ લઈ જાય છે તો બહુ સરળ છે કે સદગુરુ પર ભરોસો રાખો અને સદગુરુના સહારે જીવનયાત્રા પૂરી કરીને યોગ્ય રીતે અંતિમ મઝલ સુધી પહોંચો.

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.

 

columnists Morari Bapu astrology