પતિ પ્રબળ ન હોય એવી વહુને કોઈ બહેન ન કહે

13 June, 2023 05:11 PM IST  |  Mumbai | Swami Satchidananda

યુપી તો ભારતમાં આતંકવાદઓનું સ્વર્ગ બનવા માંડ્યું હતું, કારણ કે એને મૂળમાંથી ઉખાડવાની ઇચ્છાશક્તિ દિલ્હી પાસે નહોતી. 

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

અત્યારની વાત હવે બદલાઈ ગઈ છે, પણ પહેલાં શું હતું?

ભારતના ભાગે આતંકવાદ સહન કરવા સિવાય અને આતંકવાદીઓનો ત્રાસ સહન કરવા સિવાય કોઈ છૂટકો જ નહોતો. લાખ પ્રયત્નો કરીને પણ એ આતંકવાદને નાથી શક્યું નહોતું. આ હકીકત છે. કોઈ રાજકીય પક્ષનો પક્ષ લેવાની આ વાત નથી અને આ હકીકતનો દુનિયાની કોઈ પણ વ્યક્તિએ સ્વીકાર કરવો રહ્યો. તમે જુઓ, આતંકવાદનું ક્ષેત્ર જમ્મુ-કાશ્મીરમાં કઈ હદે પ્રસરી ગયું હતું. માફિયા ડૉન અને ત્રાસવાદીઓ વધુ ભયંકર બની ગયા હતા. યુપીમાં જઈને જુઓ. આજની અને ત્યાંની ગઈ કાલ વચ્ચે કેટલો મોટો ફરક છે. યુપી તો ભારતમાં આતંકવાદઓનું સ્વર્ગ બનવા માંડ્યું હતું, કારણ કે એને મૂળમાંથી ઉખાડવાની ઇચ્છાશક્તિ દિલ્હી પાસે નહોતી. 

સીમા પારથી આવેલા આતંકવાદને આશ્રય આપનારા ગામેગામ અને નગરે-નગરે અડ્ડા હતા. દિલ્હી સીમા પારના આ અડ્ડાઓને તો નષ્ટ નહોતું કરી શક્યું, ભારતમાં પ્રસરી ગયેલા અડ્ડાઓને પણ એ નષ્ટ નહોતું કરી શક્યું. આતંકવાદીઓ કોઈ-કોઈ વાર પકડાય, પણ તેમને આશ્રય આપનારા પકડાયા હોય એવું સાંભળ્યું નહોતું. આતંકવાદને આશ્રય આપનારા કોઈ ને કોઈ રાજનૈતિક પક્ષ સાથે પ્રભાવકારી સંબંધ ધરાવતા એટલે આવા સ્થાપિત હિતપક્ષો કાગારોળ મચાવતા અને પછી ધીમે-ધીમે આખી વાત બદલાઈ જતી. પછી લોકોને એ બધું ભુલાવી દેવા માટે એટલું મોટું નવું ષડયંત્ર સામે મૂકવામાં આવતું કે ભોળી પ્રજા જૂની વાત પડતી મૂકીને નવી વાતમાં લાગી જતી.

બીજી તરફ માનવહકવાદીઓ અપરાધીઓના પક્ષે આવી જઈને પોલીસની કાર્યવાહીને ઠંડી પાડી દેતા. ન્યાયાલયો પણ લાંબી કાર્યવાહીથી કેસને લૂલો થવા દેવામાં જાણતાં-અજાણતાં કારણ બન્યાં હતાં. ઘણી વાર દિલ્હીની માફક પોલીસ પણ ઉદાર થઈ જતી અને અપરાધીઓને ભાગી છૂટવાની તક આપી દેતી. 

આ બધા વચ્ચે સૌથી કઠિન કામ એ હતું કે કેસને સાબિત કેવી રીતે કરવો? સાક્ષીઓ કોણ થાય? થયા હોય તો ધાકધમકીમાં આવીને ફરી જતાં વાર ન લાગે. સરકાર કોઈની રક્ષા કરી શકતી નહીં. ન્યાયાધીશને પણ ભય લાગે. પતિ પ્રબળ ન હોય એવી વહુને કોઈ બહેન ન કહે. ખરી ખોડ અહીં પણ છે. પ્રજા પણ કંઈક નમાલાપણાથી ગ્રસ્ત છે. જમ્મુ-કાશ્મીરની આતંકવાદી ઘટનાઓને જાણનારા જાણે છે કે આતંકવાદીઓ રાત્રે ગામમાં આવતા. તેઓ વીણી-વીણીને હિન્દુઓને ઘરમાંથી બહાર કાઢે, પછી ત્યાં જ ગોળીએ દે અથવા જંગલમાં લઈ જઈને ગોળીએ દે. પાછળ રોકકળ અને હાહાકાર થઈ જાય. જોકે મેં કદી એવા સમાચાર નથી સાંભળ્યા કે ગામલોકો સામે થયા હોય અને બે-ચાર આતંકવાદીઓને ઢાળી દીધા હોય. આવી માયકાંગલી પ્રજાને શું કહેવાનું?

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.

columnists swami sachchidananda astrology