કેટલાંક પાપ માણસની પાછળ, કેટલાંક પાપની પાછળ માણસ

27 May, 2023 03:41 PM IST  |  Mumbai | Acharya Vijay Ratnasundersurishwarji Maharaj

પાપની બાબતમાં બન્ને હકીકતો માણસના જીવનમાં બની રહી હોય એવું સ્પષ્ટ દેખાય છે

મિડ-ડે લોગો

માણસની પાછળ કૂતરો પડી જાય એ વાત તો મગજમાં બેસે, પણ માણસ કૂતરાની પાછળ પડી જાય એ વાત તો મગજમાં શું ગોઠવાય? ગુંડો માણસની પાછળ પડી ગયાની વાસ્તવિકતા તો અવારનવાર જોવા-સાંભળવા મળે, પરંતુ ગુંડાની પાછળ માણસ પડી ગયો હોય એવું તો ક્યાંય જોવા નથી મળતું. પણ પાપની બાબતમાં બન્ને હકીકતો માણસના જીવનમાં બની રહી હોય એવું સ્પષ્ટ દેખાય છે. કેટલાંક પાપો એવાં છે કે જે માણસની પાછળ પડી ગયાં છે, જ્યારે કેટલાંક પાપો એવાં છે કે જેની પાછળ માણસ પડી ગયો છે.

આનો અર્થ?

એ જ કે કેટલાંક પાપો એવાં છે કે જેના સેવન વિના માણસ જીવી જ ન શકે. આજીવિકા માણસને માટે અનિવાર્ય જ છેને? ભોજન પણ તે ટાળી શકે એમ નથી જને! પરિવાર લઈને જો તે બેઠો છે તો એનાં ભરણપોષણની જવાબદારીથી તે છટકી શકે એમ નથી જને? આ બધા વિશે તેને જે પણ પાપો કરવાં પડે છે એ પાપો માટે એમ કહી શકાય કે આ પાપો માણસની પાછળ પડી ગયાં છે, પરંતુ જે પાપોના સેવન વિના જીવન સરળતાથી ચાલી શકે એમ છે એવાં પાપો પણ માણસ બેરોકટોક કરે છે. ટીવી જોવાનું પાપ, બજારમાં ભટકતા રહીને આંખોને નચાવતાં રહેવાનું પાપ, હોટેલોમાં જતા રહીને ગમે એવાં દ્રવ્યો પેટમાં પધરાવતાં રહેવાનું પાપ, કોઈ પણ જાતનાં કારણો વિના ગાડીઓ ભગાવતાં રહેવાનું પાપ, નિંદા-કૂથલીનું પાપ, ગાળાગાળીનું પાપ; આ બધાં પાપો માટે એમ કહી શકાય કે આ પાપોની પાછળ માણસ પડી ગયો છે.

જીવનને પાપમુક્ત કરવાની બાબતમાં સાચે જ જો આપણે ગંભીર હોઈએ તો પહેલું કામ આપણે એ કરવાની જરૂર છે કે જે પણ પાપોની પાછળ આપણે પડી ગયા છીએ, કમસે કમ એ પાપો તો આપણે સંપૂર્ણપણે સ્થગિત કરી દેવાં જેવાં છે અથવા તો એ પાપોમાં આપણે તમામ તાકાતથી કાપ મૂકવાનું ચાલુ કરી દેવા જેવું છે.

અનિવાર્ય છે એવી કોઈ ઘટનાની, એવા કોઈ પાપની અત્યારે વાત નથી કરવી. ધારીએ તો એમાં પણ સુધારો થઈ જ શકે અને એને પણ સ્થગિત કરી શકાય, પણ એ વાત પછી ક્યારેક કરીએ. અત્યારે એ પાપની વાત કરી, જેની પાછળ માણસ પડી ગયો છે. હોટેલમાં જવાનું છોડી દેવાથી જીવન બરબાદ નથી થવાનું, ફિલ્મો ને ટીવીનું વળગણ ઓછું કરી નાખો તો એનાથી માણસ તરફડિયાં નથી મારવાનો, વાહનોના ઉપયોગનો અતિરેક ઘટાડશો તો તકલીફ નથી પડવાની, તો એવા પાપને છોડો, જેની પાછળ માણસે દોટ મૂકી છે. દોટ મૂકીને પાપ પકડવાની હોડમાં ઊતરવા કરતાં પરમાત્માને પામવાની દોટમાં અગ્રેસર ન થઈએ?!

 

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

life and style astrology