23 August, 2026 06:19 PM IST | Mumbai | Acharya Devvrat Jani
શ્રાવણ મહિનામાં કેવી રીતે તમારા ગ્રહોને મજબૂત કરશો?
શ્રાવણ આમ તો મહાદેવનો મહિનો ગણવામાં આવે છે, પણ શ્રાવણની બીજી એક ખાસિયત એ છે કે આ મહિના દરમ્યાન મહાદેવની પૂજા કરતાં-કરતાં વ્યક્તિ પોતાના જન્મના ગ્રહોને પ્રબળ બનાવી શકે છે. અહીં આપણે એ જ રસ્તાઓની વાત કરવાની છે કે મહાદેવની કઈ પૂજાથી જન્મનો કયો ગ્રહ સબળો બને છે. ચાલો જાણીએ.
શ્રાવણ માસ દરમ્યાન રોજ સવારે શુદ્ધ જળમિશ્રિત કાચા દૂધનો શિવલિંગ પર અભિષેક કરવો જોઈએ. એનાથી જન્મકુંડળીનો ચંદ્ર ગ્રહ બળવાન બને છે. પણ હા, જળમિશ્રિત દૂધ માટે તાંબા કે કાંસાનો કળશ વાપરવાને બદલે ચાંદી કે સ્ટીલનું પાત્ર વાપરવું જોઈએ. ચંદ્ર બળવાન થવાથી માનસિક તનાવ, અનિદ્રા, ડિપ્રેશન અને મનનો ખોટો ભ્રમ કે ડર દૂર થાય છે તેમ જ મનમાં શાંતિ અને એકાગ્રતા આવે છે.
સ્વચ્છ, અખંડિત એટલે કે તૂટ્યા વિનાના બીલીપત્ર પર અનામિકા આંગળીથી સફેદ કે લાલ ચંદન વડે ઓમ અથવા રામ લખીને શિવલિંગને સમર્પિત કરવું જોઈએ. આ કાર્ય કરતી વખતે સ્વચ્છ કપડાં પહેરવાં અત્યંત જરૂરી છે. આવું કરવાથી જન્મના ગ્રહોમાં સૂર્ય અને બુધ ગ્રહ મજબૂત બને છે. એને લીધે વ્યક્તિમાં આત્મવિશ્વાસ વધે છે, સમાજમાં માન-પ્રતિષ્ઠા મળે છે, પિતા કે પિતાતુલ્ય વ્યક્તિ સાથેના સંબંધો સુધરે છે તો સાથોસાથ બૌદ્ધિક ક્ષમતા પણ વિકસે છે જેને લીધે કોઈની ચડામણીની અસર નથી થતી.
શ્રાવણના કોઈ પણ સોમવારે શિવલિંગ પર મધ અથવા શેરડીના રસનો અભિષેક કરવો જોઈએ. મધથી મંગળ ગ્રહ પ્રબળ બને છે તો શેરડીનો રસ શુક્રને વધારે મજબૂત બનાવે છે. એને લીધે માંગલિક દોષની અશુભ અસર ઓછી થાય છે, લોહી અને ત્વચાના રોગોમાં રાહત મળે છે તેમ જ દામ્પત્યજીવનમાં મધુરતા અને વૈભવ વધે છે. મંગળ અને શુક્ર બન્ને જો એકસાથે સબળ બને તો એને લીધે લોકપ્રિય લીડરશિપના ગુણો કેળવાય છે અને લોકોમાં સ્વીકારભાવ વધે છે.
શિવલિંગ પર જળ અર્પણ કરતી વખતે એમાં થોડા કાળા તલ ઉમેરવા જોઈએ. આ અભિષેકથી શનિની સાડીસાતી, ઢૈયા અને મહાદશાનાં કષ્ટો હળવાં થાય છે. શ્રાવણ દરમ્યાન રોજ સાંજે શિવાલયમાં કે પીપળાના વૃક્ષ નીચે સરસવના તેલનો દીવો પણ પ્રગટાવવો જોઈએ. આ પણ આ જ પરિણામ આપે છે તો સાથોસાથ અકસ્માત જેવી આકસ્મિક ઘટનાઓથી બચાવ ઊભો કરે છે અને જૂની બીમારીઓમાં સામે રક્ષણ મળે છે.
વડીલો આ કાર્ય કરે તો તેમને અચૂક પરિણામ મળે છે અને એનું રિઝલ્ટ પણ દેખીતી રીતે જોવા મળે છે.
શ્રાવણ મહિનામાં દરરોજ ૧૦૮ વાર રુદ્રાક્ષની માળાથી મહામૃત્યુંજય મંત્ર ૐ નમઃ શિવાય પંચાક્ષરી મંત્રનો જાપ કરવો જોઈએ, પણ ભૂલવું નહીં કે માળા રુદ્રાક્ષની હોવી જોઈએ. આ માળાથી છાયાગ્રહ એવા રાહુ અને કેતુ શાંત થાય છે જેને લીધે કાલસર્પ દોષ દૂર થાય છે તો સાથોસાથ અજાણ્યો ભય, નજરદોષ અને અચાનક આવતી મુશ્કેલીઓમાંથી પણ મુક્તિ મળે છે.
નાના બાળક પર લાગેલી નજર દૂર કરવા માટે આ કાર્ય તેના પેરન્ટ્સ કરી શકે છે.
શંકર મહાદેવ છે એટલે તમામેતમામ ગ્રહોના પણ તે દેવતા છે. આવા સમયે તેમને જે કોઈ ગ્રહોની આરાધકતા પહોંચાડવામાં આવે એ ગ્રહ સબળો બને છે. શ્રાવણ મહિના દરમ્યાન ગુરુવારે કે દરરોજ શિવજીને પીળી ચણાની દાળ, કેસર-હળદરનું તિલક અથવા ધતૂરા-કરેણનાં પીળાં ફૂલ ચડાવવામાં આવે તો કુંડળીમાં દેવગુરુ ગુરુ બળવાન બને છે. ગુરુ બળવાન હોય એવા સમયે જ્ઞાન, કારકિર્દી અને ધનમાં વૃદ્ધિ થાય છે તો લગ્નમાં આવતી અડચણો દૂર થાય છે અને સંતાનસુખ પ્રાપ્ત થાય છે.
ગુરુ બળવાન હોય એવા સમયે સર્કલમાં માન-સન્માન પણ ખૂબ મળે છે.
શ્રાવણ માસ દરમ્યાન મૂંગા જીવને ખવડાવવાથી નવગ્રહની શાંતિ મળે છે. ખાસ તો ત્યારે જ્યારે એ મૂંગા જીવ માટે જ્યાફત બનતી હોય. આ જ કારણે શ્રાવણ દરમ્યાન કીડીઓનું કીડિયારું પૂરવાનું કાર્ય મોટા પાયે થતું હોય છે. ખાંડમિશ્રિત લોટ પૂરવાથી લાખો-કરોડો કીડીને ભોજન મળે છે તો આ સિવાય રોજેરોજ ગાયને લીલું ઘાસ કે રોટલી, કૂતરાને ભોજન, પક્ષીઓને ચણ ખવડાવવું પણ હિતાવહ છે.
આ કાર્યથી તમામ નવગ્રહોનું સંતુલન મળે છે અને પિતૃઓ પ્રસન્ન થાય છે. નવગ્રહ જ્યારે શાંત હોય ત્યારે પારિવારિક ક્લેશ શાંત થાય છે, અટકેલાં કાર્યો ઝડપથી પૂરાં થાય છે અને ઘરમાં લક્ષ્મીજીનો સ્થિર વાસ આવે છે.