બધાનું કરવું, પણ માનની અપેક્ષા શૂન્ય રાખવી

04 January, 2023 05:23 PM IST  |  Mumbai | Morari Bapu

એક વાત યાદ રાખજો કે આશાબંધ એટલે કે આશા બંધન નથી. આશાબંધનો અર્થ એ છે કે આશા બંધાવી, આશાન્વિત બનવું, ઠાકુર મળશે એવી આશા દૃઢ થવી.પ્રહ્‍‍લાદને મળે તો મને કેમ ન મળે?

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)

જીવનમાં જો ૯ વાત આવે તો સમજવું કે ભક્તિએ આપણામાં પ્રવેશ કરી લીધો. આ ૯ સૂત્રોની વાતો સાંભળ્યા પછી સાધક પાકો થઈ જાય છે, ઘડાઈ જાય છે. એક વર્ષમાં ભક્તિ લાવવી હોય, એક મહિનામાં ભક્તિ લાવવી હોય તો નવેનવ ભક્તિ તમારી અંદર લાવો અને ગમે ત્યાં રહીને તમે એને લાવી શકો છો.

ભક્તિ માટે અનિવાર્ય કહેવાય એવાં જે ૯ સૂત્રોની વાત આપણે કરીએ છીએ એમાંથી ત્રણની વાત ક્ષાંતિ, તત્પરતા અને ત્રીજા સૂત્ર વિરક્તિની વાત આપણે કરી. હવે વાત કરવાની છે આપણે ચોથા સૂત્રની.

ચોથું સૂત્ર છે માનશૂન્યતા.

કોઈનીયે પાસેથી માનની અપેક્ષા ન રહેવી જોઈએ. પતિએ માન ન આપ્યું, પત્નીએ માન ન આપ્યું, પાડોશીએ ન માન્યું, આપણે તેમને માટે આટઆટલું કર્યું, પરંતુ હવે કોઈ આપણું માન રાખતા નથી. જિંદગીભર તેને માટે તન તોડીને કામ કર્યું અને કોઈ આપણું માન રાખતું નથી. ભૂલી જાઓ એ બધી ફરિયાદોને અને મનને એક અવસ્થા આપી દો, માનશૂન્યતા. માનની કોઈ અપેક્ષા નહીં, માનની કોઈ ખેવના નહીં. એનો અર્થ એવો પણ નહીં કે કોઈનું કંઈ કરવાનું નહીં. કરવાનું, બધાનું કરવાનું અને થાય એનાથી વધારે કરવાની કોશિશ કરવાની, પણ માનની અપેક્ષા શૂન્ય.
વાત કરીએ પાંચમા સૂત્રની. પાંચમું સૂત્ર છે આશાબંધ.

આ પણ વાંચો :  રડાવશે, હસાવશે; પણ એ જ ભક્તિ તાલબદ્ધ પણ રાખશે

જો ભક્તિ આવી હોય તો સાધક મનથી નિશ્ચિંત થઈ જાય છે. એક આશા જન્મે છે કે મને આ જન્મમાં જ ભગવાન મળશે. આશા જન્મે છે. જેવી રીતે ટ્રેનમાં બેઠા અને આશા બંધાય છે કે મુંબઈ આવશે. ભલે ટ્રેન મોડી થાય. ટ્રેન મોડી થઈ તો પણ એ કલાક પછી, બે કે પછી ચાર-છ કલાક પછી એ પહોંચાડશે તો મુંબઈ જ. બસ, પાકી આશા બંધાઈ જાય છે કે હવે મને હરિ મળશે. 

એક વાત યાદ રાખજો કે આશાબંધ એટલે કે આશા બંધન નથી. આશાબંધનો અર્થ એ છે કે આશા બંધાવી, આશાન્વિત બનવું, ઠાકુર મળશે એવી આશા દૃઢ થવી. પ્રહ્‍‍લાદને મળે તો મને કેમ ન મળે? મેં શું પાપ કર્યું છે? જરૂર મળશે. જ્યારે આવી આશા જાગે ત્યારે એવું ન વિચારો કે મને હરિ નહીં મળે. કેમ નહીં મળે? તે તો તમને મળવા માટે બેચેન છે, આકુળ-વ્યાકુળ થાય છે તે. આશાબંધ, આશા બંધાઈ જાય અને આશા જ્યારે બંધાશે ત્યારે જીવનમાં ભક્તિનો વાજતેગાજતે પ્રવેશ થશે.

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

columnists astrology Morari Bapu