04 April, 2023 05:41 PM IST | Mumbai | Swami Satchidananda
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
આપણે પાકિસ્તાન સાથે યુદ્ધ કરી શકતા નહોતા એની પાછળ ચાર કારણો મને જવાબદાર લાગ્યાં છે. પહેલું કારણ, આપણી વિદેશનીતિ મિત્રવિહોણી હતી અને યુદ્ધનો પહેલો નિયમ એ છે કે મિત્રો વિના યુદ્ધ ન કરી શકાય. બીજું કારણ, આપણી ગૃહનીતિ રાષ્ટ્રદ્રોહીઓને પકડવામાં અસમર્થ હતી, જેને લીધે દેશની અંદર ઉત્પાત વધતો ગયો. ત્રીજું કારણ, પાકિસ્તાને પરમાણુ બૉમ્બ બનાવી લીધો છે અને એણે જરૂર પડે એનો ઉપયોગ કરવાની વારંવાર ધમકી આપી છે. આપણે એના પરમાણુ બૉમ્બ કે બૉમ્બોના પ્રહારને સહન કરવા તૈયાર નથી એમ પ્રથમ અણુહુમલો કરીને એની ક્ષમતાનો નાશ કરવા પણ તૈયાર નથી. ચોથું કારણ, યુદ્ધનો આદેશ આપનારા તથા વિકટ સ્થિતિને સહન કરીને મહિનાઓ અને વર્ષો સુધી લડી લેનારા મક્કમ નેતાઓ આપણે ત્યાં નથી.
આ ચાર કારણ મુખ્ય છે, પણ આ સિવાયનાં અનેક કારણોસર આપણે જરૂર હોવા છતાં લડાઈ કરી શકતા નહોતા. લડાઈ ન કરવાના પરિપાકરૂપે દેશમાં અંદર અને સીમા પર પ્રૉક્સીયુદ્ધ ચાલતું રહ્યું, જેનાં માઠાં પરિણામો દેશ અને પ્રજા ભોગવતી રહી. એમ છતાં એટલું તો કહેવું જ પડે કે ઇન્દિરા ગાંધીના શાસન પછી લોકો અહિંસાની બહુ વાતો કરતા નહોતા. તેમને સમજાઈ ગયું હતું કે અહિંસાના છોગા સાથે યુદ્ધના મેદાનમાં ઊતરી નહીં શકાય. એના માટે તો હાથમાં શસ્ત્રો જ જોઈશે અને એ વાતને ૧૯૭૧ના યુદ્ધે બહુ સહજ રીતે સમજાવી દીધી હતી.
રાજકીય અનુભવોએ અહિંસાની નિષ્ફળતા સમજાવી દીધી છે તો પણ હિન્દુ પ્રજા વૈચારિક દ્વિધામાં અટવાઈ રહી છે. હજી પણ ધાર્મિક રીતે એના અહિંસાના સંસ્કારો એને વાસ્તવિકતાથી દૂર રાખી રહ્યા છે. અહિંસાવાદના સંસ્કારોથી હિન્દુ પ્રજાને થતા નુકસાનની વિગતવાર ચર્ચા કરવા જેવી છે, જેને આપણે ક્રમવાર જોતા જઈએ.
અહિંસાવાદને કારણે આજે એવી પરિસ્થિતિ છે કે હિન્દુ પ્રજા શસ્ત્રધારી થઈ શકતી નથી. તેમના ઘરમાં કોઈ સારું શસ્ત્ર હોતું નથી. પૈસા હોય તો તેઓ સોનું તો ખરીદે છે, પણ તેમનું રક્ષણ કરનાર શસ્ત્રો નથી ખરીદતી. એથી તે શસ્ત્રધારી હિંસક લોકોનો સતત માર ખાતી રહે છે. ગુરુ ગોવિંદસિંહજીએ જેમ સિખોને શસ્ત્રધારી બનાવીને વીર બનાવ્યા એમ પૂરી હિન્દુ પ્રજાને પણ શસ્ત્રધારી બનાવીને વીર બનાવવી જરૂરી છે. તો જ એનું ભવિષ્ય છે. નહીંતર એના કપાળમાં ગુલામીના લેખ લખાયેલા જ છે.
આ સિવાયના બીજા મુદ્દાઓની ચર્ચા હવે આપણે કરીશું આવતા સોમવારે.
(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)