શું ભેટ આપવાનું ટાળવું?

19 February, 2023 12:47 PM IST  |  Mumbai | Acharya Devvrat Jani

વાસ્તુશાસ્ત્ર અને ફેંગશુઈમાં કેટલીક ચીજવસ્તુઓની ભેટ આપવાની મનાઈ છે પણ આજના આ સમયમાં ભાગ્યે જ એ ચીજવસ્તુ વિશે લોકો જાણે છે

પ્રતીકાત્મક તસવીર

પહેલાંના સમયમાં લોકો ભેટ આપવાની બાબતમાં બહુ ચીવટ રાખતા, જેની પાછળનું કારણ વાસ્તુ અને ફેંગશુઈ જેવાં શાસ્ત્રો હતાં. આજના મૉડર્ન સમયમાં હવે લોકો એ વિશે વધારે જાણતા નથી એને લીધે બહુ સહજ રીતે પોતાને કે પછી સામેની વ્યક્તિને ગમતી હોય એવી ચીજવસ્તુ ખરીદીને ભેટ તરીકે આપે છે. કોઈ માટે ખરીદતી વખતે કે પછી કોઈને ગિફ્ટ આપતી વખતે શું ન આપવું જોઈએ એ જાણવા જેવું છે.

અહીં એવી વ્યક્તિઓને ભેટ આપવા વિશે વાત ચાલે છે જેમની સાથે તમારા કોઈ એવા આત્મીય સંબંધો નથી કે પછી તમે જિંદગીભર તેની સાથે જોડાયેલા રહેવાના નથી. કહેવાનો ભાવાર્થ એટલો કે પોતાની વ્યક્તિ કે લોહીના સંબંધો હોય એવી વ્યક્તિને ભેટ આપવાની બાબતમાં એ વિશે વધારે વિચાર કરવાની જરૂર નથી પણ ધારો કે એવા સંબંધો નથી તો... બી કૅરફુલ અને નીચે કહી છે એવી ચીજવસ્તુ આપવાનું અવૉઇડ કરો.

ક્યારેય ન આપો સોનું | હા, સોનું ક્યારેય આપવું ન જોઈએ. સુવર્ણ ભાગ્યની નિશાની છે અને આ જ કારણે જ્યારે દીકરા-દીકરીનાં મૅરેજ થાય છે ત્યારે તેમને સોનાના દાગીના આપવાની પ્રથા રહી છે. કહેવાનો ભાવાર્થ એવો હોય છે કે અમે તમને અમારું ભાગ્ય સોંપીએ/લાવીએ છીએ. જો પારિવારિક સંબંધો ન હોય તો સોનાની કોઈ ચીજવસ્તુ આપવાનું ટાળો. સોનું આમ પણ મોંઘું હોય એટલે એ સહજ રીતે નજીકના સંબંધોમાં જ અપાતું હોય છે પણ એમ છતાં એ જોવું કે એ સંબંધો લોહીના હોય.

ન આપો પરફ્યુમ કે અત્તર | પરફ્યુમ અને અત્તર એ શુક્રના વાહક છે, જ્યારે શુક્ર પ્રસિદ્ધિનો કારક છે તો સાથોસાથ ભાગ્ય અને સંપત્તિનું પણ પ્રતીક છે. પરફ્યુમ કે અત્તર ભેટ આપવાથી તમારી કિસ્મતની પ્રસિદ્ધિ અને સંપત્તિને નુકસાન થાય છે. શક્ય હોય તો પરફ્યુમ કે અત્તર માત્ર અને માત્ર એવી વ્યક્તિને ભેટ આપો જે તમારા જ પરિવારની હોય કે પછી તમારી સાથે ઘરમાં જ રહેતી હોય.

આપો નહીં મની-પ્લાન્ટ | મની–પ્લાન્ટ પણ શુક્રનું જ પ્રતીક છે. મની-પ્લાન્ટ આપવાનો સીધો અર્થ એવો નીકળે છે કે તમે તમારા ભાગ્યની વૃદ્ધિ કોઈના નામે કરી રહ્યા છો એટલે ક્યારેય મની-પ્લાન્ટ અને ધન સાથે સંકળાયેલા એક પણ પ્રકારના પ્લાન્ટ કોઈને ભેટ તરીકે ન આપો. જો ભેટમાં પ્લાન્ટ આપવાનું મન હોય તો ભેટ આપવા માટે તુલસી સર્વશ્રેષ્ઠ છે. તુલસી એકમાત્ર એવો પ્લાન્ટ છે જે આપનારા અને લેનારા એમ બન્નેના માટે લાભદાયી પુરવાર થાય અને બન્નેને શાંતિ આપે.

નહીં આપો પેન | પેન, બોલપેન, ઇન્ડિપેન જેવી ચીજ ભેટમાં તો ન જ આપો પણ સાથોસાથ તમે જે પેન-બોલપેન વાપરતા હો એ પણ અન્ય કોઈને લખવા માટે આપો નહીં, કારણ કે પેન તમારા કર્મનું પ્રતીક છે. પેન આપવાનો સીધો અર્થ છે કે કરેલાં સદ્કર્મ તમે અન્ય કોઈના નસીબમાં મૂકી રહ્યા છો. બીજી વાત, ભણનારા વિદ્યાર્થી માટે પેન સૌથી બેસ્ટ ગિફ્ટ છે એટલે જો તમારા ઓળખીતાના બાળકને પેન તમે ભેટ આપતા હો તો ધ્યાન રાખો કે એ પેનનો તમે સહેજ પણ વપરાશ ન કર્યો હોય.

વૉચ માત્ર પરિવાર માટે | કોઈ ઘડિયાળનું આશિક હોય તો પણ ઘડિયાળ આપવી નહીં. સમયના પ્રતીક સમાન ઘડિયાળ ભેટ આપવાનો સીધો અર્થ એવો નીકળે છે કે તમે તમારા કીમતી સમયને એના ખાતામાં જમા કરો છો. અગાઉ કહ્યું છે કે ડિજિટલ ઘડિયાળ તો પહેરવી પણ ન જોઈએ. શરીર પર રહેલી તમામ ચીજવસ્તુમાં માત્ર એક ઘડિયાળ એવી ચીજ છે જે ધબકે છે અને 
તમારા ધબકારાની સાથે પોતાની રિધમ મૅચ કરે છે. ડિજિટલ ઘડિયાળમાં એવું થતું નથી માટે શક્ય હોય તો સામાન્ય કાંટાવાળી જ ઘડિયાળ પહેરવી. જો ઘડિયાળ ભેટ આપવાનું મન હોય તો એ માત્ર અને માત્ર ફૅમિલી મેમ્બરને આપવી. ખાસ કરીને બાળકો, વાઇફ કે પેરન્ટ્સને.

columnists astrology