પ્રસન્નતાનો અનુભવ મધુર વ્યવહાર અકબંધ રખાવે

03 September, 2022 12:57 PM IST  |  Mumbai | Acharya Vijay Ratnasundersurishwarji Maharaj

એક વખત નાના માણસને દૂધનો ગ્લાસ પીવડાવશો તો દૂધ એ પીશે, પણ તૃપ્તિ તમને મળશે

પ્રતીકાત્મક તસવીર

‘કોઈના મદદગાર બનવા માટે બહુ મોટું કષ્ટ લેવું નથી પડતું. જીવનમાં બહુ નાનું-નાનું કામ પણ બીજા માટે મોટું ઉપકારક બને છે, પણ એને માટે તમારે જાગૃતિ સાથે વિચારવું પડે અને સજાગ બનીને રહેવું પડે.’

પ્રવચનનો આ વિષય હતો અને એ પૂર્ણ કર્યા પછી સેવાભાવી એક મહાશય મળવા અર્થે પાસે આવ્યા. પાસે આવીને તેમણે જે વાત કરી એ ખરેખર સૌકોઈએ જીવનમાં અપનાવવા જેવી છે.

‘તાવ, કફ, શરદી, ઉધરસ, શરદર્દ, પેટમાં દુખાવા જેવી સામાન્ય બીમારીમાં કામ લાગે એવી તમામ પ્રકારની દવાઓનો પૂરતો સ્ટૉક મારા ઘરમાં હું રાખું છું.’ ભાઈએ આવીને વાત શરૂ કરી.

‘બિલ્ડિંગમાં કામ કરતા વૉચમૅન, લિફ્ટમૅન, ઘાટી, નોકર, ઝાડુ લગાવતી બાઈ જેવા કોઈની પણ તબિયત બગડે તો તેમણે ડૉક્ટર પાસે પછી જવાનું, પહેલાં મારે ત્યાં જ આવી જવાનું, દવા લઈ લેવાની. એ દવા પર દૂધ અને નાસ્તો કરવાનો હોય તો એ પણ મારે ત્યાં જ કરી લેવાનો.’

‘કમાલ કહેવાય!’

‘શિયાળો આવે એ પહેલાં એ તમામને સ્વેટર, મફલર, કાનટોપી આપી દેવાનાં, ચોમાસું બેસે એ પહેલાં તેમને રેઇનકોટ, છત્રી અને પાણીમાં પહેરવાનાં બૂટ આપી દેવાનાં, જેથી તેમનું સ્વાસ્થ્ય અકબંધ રહે.’

‘સરસ.’

‘મારી ગાડીના ડ્રાઇવરને આજ સુધી મેં ક્યારેય ગ્રાઉન્ડમાં સૂવા દીધો નથી.’

‘કોઈ ખાસ કારણ?’

‘જેને મારું જીવન સોંપી હું નિશ્ચિંતતાથી ગાડીમાં સૂઈ જાઉં છું, તેની ઊંઘ પૂરતી ન થઈ હોય બરાબર ન કહેવાય. આપ નહીં માનો, પણ લાંબા અંતરની મુસાફરીએ નીકળ્યા હોઈએ અને વચ્ચે ક્યાંક ફાઇવસ્ટાર હોટેલમાં રોકાવાનું મારે બને તો ડ્રાઇવરને હું મારી રૂમમાં જ રાખું છું. હું જે ભોજન કરું, તેને પણ એ જ ભોજન કરવાનું. ટૂંકમાં ચાહે ઘરમાં, ઑફિસમાં કે બિલ્ડિંગમાં જે પણ નોકર-ચાકર, ડ્રાઇવર હોય એ સૌ સાથે હું આમ જ રહું છું અને મહારાજસાહેબ, ખરેખર બહુ સંતોષ થાય છે. મન પ્રસન્ન રહે છે.’

પ્રસન્નતાનો અનુભવ એક વખત કરશો તો પછી તમને આ પ્રકારનો મધુર વ્યવહાર રાખવાનું ક્યારેય ચુકાશે નહીં. એક વખત નાના માણસને દૂધનો ગ્લાસ પીવડાવશો તો દૂધ એ પીશે, પણ તૃપ્તિ તમને મળશે.

અનુભવ કરી જોજો. હૈયે શાતા વળશે એની ગૅરન્ટી મારી.

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

life and style astrology